SVP હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં આગ લાગતા દોડધામ : સદનસીબે જાનહાનિ ટળી
અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી SVP હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં ઈલેક્ટ્રિક ડકમાં આગ લાગતા દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતા ત્રણ ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવતા મોટી દુર્ઘટના ટળી હતી.
હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં આગ લાગી આજે 6 ઓક્ટોબરના રોજ સવારે 9.10 વાગ્યાની આસપાસ અમદાવાદ ફાયર બ્રિગેડ કંટ્રોલરૂમને મેસેજ મળ્યો હતો કે એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી એસવીપી હોસ્પિટલમાં લોન્ડ્રી વિભાગમાં આગ લાગવાની ઘટના બની છે. જેથી નવરંગપુરા ફાયર સ્ટેશનની ત્રણ ગાડીઓને ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. લોન્ડ્રી વિભાગ હોસ્પિટલ બિલ્ડીંગના બાજુના ભાગે આવેલો છે. જેથી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક ત્યાં પહોંચી તપાસ કરતા જે ઈલેક્ટ્રીક ડક પસાર થતી હતી ત્યાંથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લેવામાં આવી હતી. ઈલેક્ટ્રીક ડોકમાંથી ધુમાડા અને આગ જોવા મળી હતી જેથી ફાયરની અને ઈલેક્ટ્રીકની ટીમ દ્વારા હાલ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
હોસ્પિટલમાં દાખલ દર્દીઓ કે અન્ય લોકોને કોઈ અસર નથી- CEO
એસવીપી હોસ્પિટલના CEO સૌરભ પટેલે જણાવ્યું હતું કે એસવીપી હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં આગ લાગી હતી લોન્ડ્રી વિભાગ હોસ્પિટલ બિલ્ડીંગ થી અલગ આખો વિભાગ આવેલો છે જેથી હોસ્પિટલના દર્દીઓ કે અન્ય લોકોને કોઈ અસર થાય તેવી જગ્યા પર આગ લાગી નથી. ફાયર બ્રિગેડની ટીમે આગને તરત જ કાબુમાં લઈ લીધી છે.
આગનું કારણ જાણવા તપાસ હાથ ધરાઈ
એસવીપી હોસ્પિટલમાં આગ લાગી હોવા અંગેના મેસેજ મળતાની સાથે એડિશનલ ચીફ ફાયર ઓફિસર અને ડિવિઝનલ ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા તમામ લોકોએ ઘટના સ્થળે પહોંચી અને હોસ્પિટલમાં લાગેલી આગને લઈને તપાસ શરૂ કરી દીધી છે. આગના પગલે 30 મિનિટ સુધી હોસ્પિટલના બિલ્ડિંગમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો હાલ આગ સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ છે જોકે ઈલેક્ટ્રીક ડકમાં આગ લાગી હોવાના પગલે વીજ કનેક્શન બંધ કરી અને સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે
