Loading...

માઉન્ટ એવરેસ્ટમાં ફસાયા 1 હજાર પર્વતારોહક: 4,900 મીટર ઊંચાઈએ બરફનું તોફાન

ભારે બરફવર્ષાને કારણે માઉન્ટ એવરેસ્ટ ક્ષેત્રમાં ઓછામાં ઓછા 1,000 પર્વતારોહકો ફસાયેલા છે. રવિવારથી યુદ્ધ જેવી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. 4,900 મીટરથી વધુ ઊંચાઈ પર આવેલા આ પ્રદેશમાં હિમવર્ષાને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે અને સેંકડો સ્થાનિક ગ્રામજનો અને બચાવ ટીમોને તેમને સાફ કરવા માટે તૈનાત કરવામાં આવી છે.


આશરે 350 ટ્રેકર્સ સુરક્ષિત રીતે કુડાંગ પહોંચ્યા 

સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર  કેટલાક પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા છે. શુક્રવારે સાંજે શરૂ થયેલી હિમવર્ષા પર્વતારોહકોમાં લોકપ્રિય તિબેટમાં માઉન્ટ એવરેસ્ટની પૂર્વ બાજુએ વધુ તીવ્ર બની હતી. અહેવાલો અનુસાર, આશરે 350 ટ્રેકર્સ સુરક્ષિત રીતે કુડાંગ પહોંચી ગયા છે, અને 200 અન્ય લોકો સાથે સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યો છે.

 

વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રેકર્સ ઘૂંટણ સુધીના બરફમાંથી પસાર થઈ રહ્યા છે. એ નોંધનીય છે કે ઓક્ટોબરમાં આટલી ભયંકર બરફવર્ષાની અપેક્ષા નહોતી. રોઇટર્સે એક ટ્રેકરને ટાંકીને કહ્યું હતું કે, "અહીં ખૂબ જ ઠંડી છે, અને હાયપોથર્મિયાનું જોખમ છે. ગાઇડ્સ એમ પણ કહે છે કે આ મહિનામાં ક્યારેય હવામાન આવું નથી હોતું."

8,849 મીટરથી વધુ ઊંચા વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટને ચીનમાં માઉન્ટ ક્વોમોલાંગમા તરીકે ઓળખવામાં આવે છે. ઓક્ટોબર મહિનો એવો છે જેમાં પ્રવાસીઓ અને ટ્રેકર્સ સૌથી વધુ સંખ્યામાં આવે છે, કારણ કે આકાશ સામાન્ય રીતે સ્વચ્છ હોય છે અને ચોમાસું પીછેહઠ કરી ચૂક્યું છે. ચીનમાં આઠ દિવસની રાષ્ટ્રીય દિવસની રજાને કારણે આ વર્ષે ટ્રેકર્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. હિમાલયના પ્રદેશોમાં પણ વરસાદે તબાહી મચાવી છે. એકલા નેપાળમાં જ પૂર અને ભૂસ્ખલનના કારણે 50થી વધુ લોકોના મોત થયા છે.

 

Image Gallery