પુરીમાં ગૌતમ અદાણી ભગવાનના રથની પૂજા કરશે:મહાપ્રસાદ સેવામાં ભાગ લેશે
ઓડિશાના પુરીમાં વાર્ષિક જગન્નાથ યાત્રાનો શનિવારે બીજો દિવસ છે. આજે સવારે 10 વાગ્યે રથયાત્રા ફરી શરૂ થશે. યાત્રા શુક્રવારે શરૂ થઈ હતી. દર વર્ષની સરખામણીમાં દોઢ ગણા (એટલે કે 10 લાખ) ભક્તો પહોંચ્યા હતા. આ કારણે, રથ માર્ગ પર એટલી બધી ભીડ હતી કે ત્રણેય રથોને આગળ ખસેડવા મુશ્કેલ બન્યા હતા.
પહેલા દિવસે રથ 750 મીટર પણ આગળ વધી શક્યા નહીં. મોડી સાંજે દેવી સુભદ્રાના રથની આસપાસ ભીડના વધતા દબાણને કારણે, 625 ભક્તોની તબિયત લથડી. ઘણા બેભાન થઈ ગયા અને કેટલાક ઘાયલ થયા.
વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, 70 લોકો હોસ્પિટલમાં દાખલ છે. તેમાંથી 9 લોકોની હાલત ગંભીર છે. કાયદા મંત્રી પૃથ્વીરાજ હરિચંદને કહ્યું, 'ભગવાન બલભદ્રનો રથ એક વળાંક પર ફસાઈ જવાથી મોડું થયું હતું. આ કારણે દેવી સુભદ્રાના રથને મારીચકોટ ખાતે રોકવો પડ્યો. સૂર્યાસ્ત થવાને કારણે ત્રણેય રથ રાત્રે 8 વાગ્યે રોકવાની જાહેરાત કરવામાં આવી હતી.'
ભગવાન મુખ્ય મંદિરથી 2.6 કિમી દૂર ગુંડીચા મંદિરમાં 9 દિવસ રોકાણ કરશે
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ બલભદ્રનો રથ આગળ હતો. દેવી સુભદ્રાનો રથ ફક્ત 750 મીટર જ ચાલી શક્યો. ભગવાન જગન્નાથનો નંદીઘોષ રથ મુખ્ય મંદિરની બહાર ઉભો છે. તે ફક્ત એક મીટર જ ચાલી શક્યો.
ભગવાન બલભદ્રનો રથ મુખ્ય મંદિરથી સાંજે 4:08 વાગ્યે ખેંચાવાનું શરૂ થયું. મુખ્ય મંદિરથી 2.6 કિમી દૂર ગુંડિચા મંદિરમાં 9 દિવસ રોકાયા બાદ ભગવાન 5 જુલાઈએ મુખ્ય મંદિરમાં પાછા ફરશે.