જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા બાદ 25 લોકોને બચાવાયા : બિહારના પાંચ જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ
જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પર્વતીય રાજ્યોના ઊંચા વિસ્તારોમાં છેલ્લા 24 કલાકથી હિમવર્ષા ચાલુ છે. ડોડા જિલ્લાના ઉપરના ભાગમાં હિમવર્ષામાં ફસાયેલા બકરવાલ સમુદાયના 25 આદિવાસીઓને તેમના પાલતુ પ્રાણીઓ સાથે સેનાએ બચાવ્યા છે.
જમ્મુ અને કાશ્મીરના કટરા ખાતે આજે વૈષ્ણોદેવી યાત્રા ફરી શરૂ
આ દરમિયાન, જમ્મુ અને કાશ્મીરના કટરા ખાતે આજે વૈષ્ણોદેવી યાત્રા ફરી શરૂ થઈ છે. ખરાબ હવામાનને કારણે 5 થી 7 ઓક્ટોબર સુધી યાત્રા સ્થગિત કરવામાં આવી હતી. ત્રણ દિવસ પછી યાત્રા ફરી શરૂ થતાં ભક્તો ખુશ છે. વહેલી સવારથી જ સેંકડો લોકો દર્શન માટે રવાના થયા છે.
મંગળવારે હિમાચલ પ્રદેશમાં સતત ત્રીજા દિવસે હિમવર્ષા થઈ. લાહૌલ-સ્પિતિમાં રાત્રિનું તાપમાન -0.5°C નોંધાયું. બિલાસપુર જિલ્લામાં રાત્રે એક ખાનગી બસ ભૂસ્ખલનનો ભોગ બની હતી. આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા હતા. બસમાં લગભગ 30 મુસાફરો સવાર હતા.ઉત્તરાખંડના બદ્રીનાથ, કેદારનાથ અને હેમકુંડ સાહિબમાં મંગળવારે પહેલી હિમવર્ષા થઈ. હેમકુંડ સાહિબમાં 2 થી 3 ઇંચ બરફવર્ષા થઈ. કેદારનાથમાં તાપમાન 5 ડિગ્રી સુધી ઘટી ગયું. ચારધામ યાત્રાનો બીજો તબક્કો હાલમાં ચાલી રહ્યો છે, જેમાં દરરોજ 5,000 થી વધુ શ્રદ્ધાળુઓ આવે છે.
બિહારમાં ચોમાસાનો વરસાદ ફરી રહ્યો છે. નેપાળમાં વરસાદને કારણે અહીંની નદીઓમાં પૂર આવ્યું છે. પાંચ જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. સુપૌલમાં પાંચ હજાર ઘરો પાણીમાં ડૂબી ગયા છે. મધુબનીમાં 1 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે.
મેદાની વિસ્તારોમાં ઠંડીની અસર
પહાડી રાજ્યોમાં હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના ઘણા શહેરોમાં દિવસ અને રાત્રિના તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે ઠંડીમાં વધારો થયો છે. ઘણા શહેરોમાં તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે આવી ગયું છે.
