Loading...

પૃથ્વીરાજ સુકુમારન - દુલકર સલમાનના ઘરે EDના દરોડા

દક્ષિણ ભારતના પોપ્યુલર એક્ટર દુલ્કર સલમાન, પૃથ્વીરાજ સુકુમારન અને અમિત ચક્કાલકલ લક્ઝરી કારની દાણચોરીના આરોપસર તપાસ હેઠળ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તાજેતરમાં કેરળમાં આશરે 17 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં દુલ્કર સલમાન, પૃથ્વીરાજ અને અમિતના ઘરનો પણ સમાવેશ થાય છે.

દક્ષિણ ભારતના લોકપ્રિય એક્ટર મામૂટીના ચેન્નાઈ સ્થિત ઘરનો પણ સમાવેશ

આ દરોડા કેરળના કોઝીકોડ, મલપ્પુરમ, કોટ્ટાયમ, એર્નાકુલમ અને કોઈમ્બતુર જેવા શહેરોમાં પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં દક્ષિણ ભારતના લોકપ્રિય એક્ટર મામૂટીના ચેન્નાઈ સ્થિત ઘરનો પણ સમાવેશ થાય છે. તપાસ ટીમ દરેક ઘરની તપાસ કરી રહી છે જેનાથી ભૂટાનથી ભારતમાં વૈભવી વાહનો લાવવામાં મદદ મળી હોય તેવા દસ્તાવેજો મળી શકે છે.

અગાઉ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કેરળમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા અને 36 શંકાસ્પદ વાહનો જપ્ત કર્યા હતા. તેમાં દુલ્કર સલમાનની લેન્ડ રોવર ડિફેન્ડરનો પણ સમાવેશ થાય છે. દુલ્કર સલમાને કેરળ હાઈકોર્ટમાં કાર રિકવર કરવા માટે અરજી દાખલ કરી હતી, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તેની લક્ઝરી કારની ખરીદી ગેરકાયદેસર નથી અને તેની પાસે બધા દસ્તાવેજો છે. આ પછી, કોર્ટે કસ્ટમ ટીમને ઠપકો આપ્યો હતો અને કારને કામચલાઉ પરત કરવાનો આદેશ આપ્યો હતો.

શું છે સમગ્ર મામલો?

કસ્ટમ્સ વિભાગ અને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ દ્વારા ઓપરેશન નુમખોર શરૂ કરવામાં આવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે ભૂટાનથી ભારતમાં અસંખ્ય લક્ઝરી કારની આયાત કરવામાં આવી રહી હતી. વાહનોની આ ગેરકાયદેસર આયાત કરચોરી અને કસ્ટમ ડ્યુટી ચોરી કૌભાંડ હતું.

ભૂટાનથી લાવવામાં આવેલા વાહનોને સેકન્ડ હેન્ડ બતાવીને ભારત મોકલવામાં આવે છે, જ્યારે વાસ્તવમાં તે એકદમ નવા હોય છે અથવા ઓછા ચલાવવામાં આવ્યા હોય છે.ભૂટાનથી લાવવામાં આવતા વાહનો હિમાચલ પ્રદેશમાં નોંધાયેલા હોય છે, ત્યારબાદ તે દેશના ઘણા શહેરોમાં પહોંચાડવામાં આવે છે.

દુલ્કર સલમાન અને પૃથ્વીરાજ સુકુમારન બંને મુખ્યત્વે મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં કામ કરે છે.દુલકર સલમાને 'ઉસ્તાદ હોટેલ' (2012) થી તેની શરૂઆત કરી હતી. ત્યારથી તે 'ઓકે કાનમની' (2015), 'મહાનતી' (2018), કુરુપ (2021), સીતા રામમ (2022), અને લોકા ચેપ્ટર 1 ચંદ્ર (2025) જેવી ફિલ્મોમાં દેખાયો છે.

દરમિયાન, પૃથ્વીરાજ સુકુમારને ફિલ્મ વાસ્તવમથી તેની શરૂઆત કરી. તેમની અન્ય નોંધપાત્ર ફિલ્મોમાં 'ક્લાસમેટ્સ' (2006), 'મુંબઈ પોલીસ' (2013), 'એન્નુ નિન્ટે મોઈદીન' (2015),' એઝરા' (2017), 9 (2019), અને જન ગણ મન (2022)નો સમાવેશ થાય છે