MP પોલીસે શ્રીસન ફાર્માના ડિરેક્ટર જી. રંગનાથનની કરી ધરપકડ : SITએ 20,000નું જાહેર કર્યું હતું ઈનામ
મધ્યપ્રદેશમાં 23 બાળકોના મોતને ઘાટ ઉતારનાર કફ સિરપ બનાવતી કંપની શ્રીસન ફાર્માના ડિરેક્ટર જી. રંગનાથનની ધરપકડ કરવામાં આવી છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ તેમના વિશે માહિતી આપનારને 20,000 રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી. કોલ્ડરિફ નામની કફ સિરપથી માસૂમ બાળકોના મોતના કેસમાં મધ્યપ્રદેશ પોલીસે મોટી કાર્યવાહી કરી છે.
શ્રીસન ફાર્માના માલિક એસ. રંગનાથનની ધરપકડ
છિંદવાડાના એસપી અજય પાંડેએ ન્યીઝ એજન્સી ANIને જણાવ્યું હતું કે શ્રીસન ફાર્માના માલિક એસ. રંગનાથનની બુધવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. તેમને તમિલનાડુના ચેન્નાઈની કોર્ટમાં હાજર કરવામાં આવશે. ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા પછી તેમને મધ્યપ્રદેશના છિંદવાડા લાવવામાં આવશે. છિંદવાડા પોલીસ દ્વારા એક મોટા ઓપરેશન બાદ આ ધરપકડ કરવામાં આવી છે, પોલીસની ટીમ આરોપીને કસ્ટડીમાં લેવા માટે ચેન્નાઈ અને કાંચીપુરમ ગઈ હતી.
ચેન્નાઈમાં ચેન્નાઈ-બેંગલુરુ હાઇવે પર રંગનાથનનું 2,000 ચોરસ ફૂટનું એપાર્ટમેન્ટ સીલ કરવામાં આવ્યું હતું, જ્યારે કોડમ્બક્કમમાં તેમની રજિસ્ટર્ડ ઓફિસ બંધ મળી આવી હતી.આ દરમિયાન, કોલ્ડ્રિફ સીરપની તપાસમાં એક મોટો ખુલાસો થયો છે. તમિલનાડુના ડ્રગ્સ કંટ્રોલના ડિરેક્ટરના એક અહેવાલમાં ખુલાસો થયો છે કે આ સીરપ નોન-ફાર્માસ્યુટિકલ ગ્રેડ કેમિકલમાંથી બનાવવામાં આવી હતી.
તપાસ દરમિયાન, કંપનીના માલિકે મૌખિક રીતે સ્વીકાર્યું કે તેણે બે શિપમેન્ટમાં પ્રોપીલીન ગ્લાયકોલની 50 કિલોગ્રામની બે બેગ ખરીદી હતી. આનો અર્થ એ થયો કે કંપનીએ 100 કિલોગ્રામ ઝેરી કેમિકલ ખરીદ્યું હતું. તપાસ દરમિયાન કોઈ બિલ મળ્યું ન હતું, કે ખરીદી બુકમાં નોંધાઈ ન હતી. પૂછપરછ દરમિયાન, તેમણે તપાસ અધિકારીઓને જણાવ્યું હતું કે ચૂકવણી ક્યારેક રોકડમાં કરવામાં આવતી હતી તો ક્યારેક જી-પે દ્વારા કરી હતી.
નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી રાજેન્દ્ર શુક્લા મંગળવારે મોડી રાત્રે નાગપુર પહોંચ્યા અને હોસ્પિટલમાં દાખલ બીમાર બાળકોને મળ્યા હતા.
ઝેરી કેમિકલનું પ્રમાણ 486 ગણું વધારે હતું.
દવા કંપનીએ હલકી ગુણવત્તાવાળા પ્રોપીલીન ગ્લાયકોલ ખરીદ્યું. તેનું ક્યારેય પરીક્ષણ પણ કરવામાં આવ્યું ન હતું. આઘાતજનક વાત એ છે કે, કંપની પાસે ન તો ખરીદીના બિલ છે કે ન તો વપરાયેલા કેમિકલના રેકોર્ડ.
લેબ પરીક્ષણોમાં એ પણ જાણવા મળ્યું કે સીરપમાં ડાયએથિલિન ગ્લાયકોલ (DEG) અને એથિલિન ગ્લાયકોલ (EG) જેવા ઝેરી કેમિકલની હાજરી નિર્ધારિત ધોરણ કરતા 486 ગણી વધુ હતી.અહીં, એક નિષ્ણાતે નામ ન આપવાની શરતે કહ્યું છે કે આ માત્રા માત્ર બાળક માટે ઘાતક નથી પણ તે હાથી જેવા મોટા પ્રાણીની કિડની અને મગજનો પણ ખતમ કરી શકે છે.
માર્ચમાં ખરીદવામાં આવ્યું હતું કેમિકલ
તપાસ અહેવાલ મુજબ, કંપનીએ 25 માર્ચ, 2025ના રોજ ચેન્નાઈમાં સનરાઇઝ બાયોટેક પાસેથી પ્રોપીલીન ગ્લાયકોલ ખરીદ્યું હતું. જોકે, તે નોન-ફાર્માસ્યુટિકલ ગ્રેડનું હતું, એટલે કે તે દવાના ઉત્પાદન માટે યોગ્ય નહોતું. આમ છતાં, કંપનીએ ન તો તેની શુદ્ધતા ચકાસી કે ન તો તેમાં ડાયએથિલિન ગ્લાયકોલ અથવા એથિલિન ગ્લાયકોલની માત્રાનું પરીક્ષણ કર્યું.
કંપનીએ દસ્તાવેજો છુપાવવાનો કર્યો પ્રયાસ
તમિલનાડુ ડ્રગ્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટને જાણવા મળ્યું કે આ હલકી ગુણવત્તાવાળા કેમિકલનો ઉપયોગ કરીને ઘણી દવાઓ બનાવવામાં આવી હતી. નિરીક્ષણ દરમિયાન, તપાસ ટીમે તેમની તપાસ ચાલુ રાખી, અને જાણવા મળ્યું કે તે સમયે કંપની પાસે પ્રોપીલીન ગ્લાયકોલનો કોઈ સ્ટોક નહોતો. આનાથી એવી શંકા વધુ જાગી કે કંપનીએ કેમિકલને ઝડપથી દૂર કરીને દસ્તાવેજો છુપાવવાનો પ્રયાસ કર્યો હતો.તમિલનાડુ ડ્રગ કંટ્રોલ ઓથોરિટીએ જણાવ્યું હતું કે જાહેર સલામતીના હિતમાં તપાસ અત્યંત જરૂરી છે, કારણ કે નોન-ફાર્માસ્યુટિકલ ગ્રેડ કેમિકલનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી દવાઓ બાળકો અને પુખ્ત વયના લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
કોલ્ડ્રિફની 589 બોટલ મોકલવાની હતી છિંદવાડા
તપાસ ટીમને શ્રીસન ફાર્માસ્યુટિકલ્સમાંથી કોલ્ડ્રિફ સીરપ (બેચ નંબર SR-13) ૬૦ મિલીની 589 બોટલ મળી, જે છિંદવાડામાં મોકલવા માટે તૈયાર કરવામાં આવી હતી. આ સીરપ પીવડાવવાથી બાળકોમાં કિડની ફેલ્યોર અને મગજમાં સોજો આવી ગયો. આના કારણે તેમનું મૃત્યુ થયું. આ સીરપ મે 2025માં બનાવવામાં આવી હતી. તેની એક્સપાયરી ડેટ એપ્રિલ 2027 છે.
તપાસ ટીમને મળી સીરપની 5,870 બોટલ
તપાસ ટીમને ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી કોલ્ડ્રિફ ઉપરાંત અન્ય ચાર સીરપ મળી આવ્યા: રેસ્પોલાઇટ ડીની 1,534 બોટલ, રેસ્પોલાઇટ જીએલની 2,800 બોટલ, 736 બોટલો રેસ્પોલાઇટ એસટી હતી, અને 800 બોટલો હેપસંડિન સીરપની હતી. જોકે, તપાસ દરમિયાન, આ પ્રમાણભૂત ગુણવત્તાની મળી આવી.
