ફિલિપાઇન્સમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ : 2 કલાકની અંદર સુનામી આવે તેવી શક્યતા
દક્ષિણ ફિલિપાઇન્સના મિન્ડાનાઓ પ્રદેશમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે સુનામીની ચેતવણી આપવામાં આવી હતી. અગાઉ ભૂકંપની તીવ્રતા 7.4 હોવાનો અંદાજ હતો.ફિલિપાઇન્સની ભૂકંપશાસ્ત્રીય એજન્સીએ વધુ આફ્ટરશોક્સની ચેતવણી આપી છે. અડધા કલાકમાં 5.9 અને 5.6 ની તીવ્રતાના અનેક ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
એજન્સીએ જણાવ્યું હતું કે વિનાશક સુનામીની અપેક્ષા છે, જેમાં એક મીટરથી વધુ ઊંચા મોજા ઊછળશે.મધ્ય અને દક્ષિણ ફિલિપાઇન્સના દરિયાકાંઠાના શહેરોના રહેવાસીઓને તાત્કાલિક ઊંચા સ્થાને સ્થળાંતર કરવાની સલાહ આપવામાં આવી છે. હાલમાં કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી.
આ પહેલા 30 સપ્ટેમ્બરના રોજ ફિલિપાઇન્સના સેબુ પ્રાંતમાં 6.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 69 લોકો માર્યા ગયા હતા અને લગભગ 150 ઘાયલ થયા હતા.
રાષ્ટ્રપતિ માર્કોસે દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવવાનો આપ્યો આદેશ
ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસે મધ્ય અને દક્ષિણ ફિલિપાઇન્સના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવવાનો આદેશ આપ્યો છે.તેમણે અસરગ્રસ્ત વિસ્તારોનાં તમામ લોકોને ઊંચા સ્થાને પર જવા અને અધિકારીઓ દ્વારા સુરક્ષિત જાહેર ન થાય ત્યાં સુધી દરિયાકાંઠાથી દૂર રહેવા વિનંતી કરી.
તેમણે ફેસબુક પર કહ્યું- અમે ખાતરી કરવા માટે દિવસ-રાત કામ કરી રહ્યા છીએ કે મદદની જરૂર હોય તેવા દરેક વ્યક્તિ સુધી પહોંચીશું.
