ફિલ્મફેર એવોર્ડ માટે અભિષેક-અક્ષયપહોંચ્યા ITC: શાહરુખ ખાન સહિતની સેલેબ્રિટીઓનો રાતે એરપોર્ટ પર જોવા મળશે જમાવડો
ફિલ્મજગતનો સૌથી પ્રતિષ્ઠિત 70મો ફિલ્મફેર એવોર્ડ આજે 11 ઓક્ટોબર, 2025ના રોજ અમદાવાદના એક્કા ક્લબ ખાતે આવેલા ટ્રાન્સટેડિયામાં યોજાશે. આ ગ્રાન્ડ ઇવેન્ટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નેતાઓ અને પ્રખ્યાત અભિનેતાઓની હાજરી રહેશે. શાહરુખ ખાન, કરણ જોહર અને મનીષ પોલની ત્રિમાસિક જોડી આ રાતને યાદગાર બનાવશે, જે 17 વર્ષ પછી ફરીથી એવોર્ડ હોસ્ટ કરવા જઈ રહી છે.
ગતરોજ અમદાવાદ એરપોર્ટ પર સિદ્ધાંત ચતુર્વેદી અને અભિનેત્રી ક્લાઉડિયા સીએસ્લા ચાહકોના ઉત્સાહનું કેન્દ્ર બન્યા હતા. ક્લાઉડિયા પોતાના બોયફ્રેન્ડ અર્જુન ગોયલ સાથે સ્પોટ થઈ, જ્યારે સિદ્ધાંતને ચાહકોએ ઓટોગ્રાફ અને સેલ્ફી માટે ઘેરી લીધા હતા. બીજી તરફ અભિષેક બચ્ચન અને અક્ષય કુમારનું ITC નર્મદામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હોટલમાં બંને કલાકારોના આતિથ્ય માટે આટા લાડુ, કોકોનટ લાડુ, મોહનથાળ, મિલ્ક ચોકલેટ ફજ અને પિનટ બટર બ્રાઉની રાખવામાં આવ્યા હતા. મોડી રાતે શાહરુખ ખાન સહિતની સેલેબ્રિટીઓનો જમાવડો એરપોર્ટ પર જોવા મળશે. જે બાદ તેઓ સીધા જ હોટેલ ખાતે પહોંચશે.
ઇવેન્ટની તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થા
એક્કા ક્લબમાં કુલ સાત ગેટથી પ્રવેશની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં VVIP, VIP અને સામાન્ય ટિકિટ ધારકો માટે અલગ-અલગ ગેટ રાખવામાં આવ્યા છે. કાંકરિયા પરિસરમાં 9 સ્થળો પર પાર્કિંગની વ્યવસ્થા ગોઠવાઈ છે, જેમાં ફૂટબોલ ગ્રાઉન્ડ, દેડકી ગાર્ડન અને કમલા નેહરુ પ્રાણી સંગ્રહાલયનો સમાવેશ થાય છે. VVIP માટે પુષ્પકુંજ ગેટ અને કિડ્સ સિટી પાસે પાર્કિંગની વિશેષ વ્યવસ્થા છે. શટલ સર્વિસ અને ShowMyParking દ્વારા ઓનલાઈન બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે.
ગુજરાત એસટી અને AMTS બસો માટે પણ ડાયવર્ઝનની વ્યવસ્થા
પોલીસ કમિશનરે ટ્રાફિક ડાયવર્ઝનનું જાહેરનામું જાહેર કર્યું છે. 11 ઓક્ટોબરે સાંજે 4થી મોડી રાત્રે 2 વાગ્યા સુધી કાંકરિયા પરિસરના રસ્તાઓ બંધ રહેશે. અણુવ્રત સર્કલથી રાયપુર દરવાજા અને પારસી અગિયારી તરફના રસ્તાઓ બંધ રાખવામાં આવ્યા છે, જ્યારે વૈકલ્પિક માર્ગોની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત એસટી અને AMTS બસો માટે પણ ડાયવર્ઝનની વ્યવસ્થા થઈ છે.
ફિલ્મફેર એવોર્ડમાં 8 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પ્રવેશ નહીં મળે. બેગ, પાવરબેંક, ઇયરફોન, પાણીની બોટલ, ખોરાક, સિગારેટ, કેમેરા, સેલ્ફી સ્ટિક, ડ્રોન અને લેપટોપ પ્રતિબંધિત છે. સમારોહ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે, પણ રાત્રે 8 વાગ્યે ગેટ બંધ થઈ જશે. ટિકિટ ધારકો માટે પણ મોડું થવાથી પ્રવેશ અને રિફંડની સુવિધા નહીં હોય.
