અક્ષયકુમાર PM મોદીના વતન વડનગરની મુલાકાતે પહોંચ્યા: હાટકેશ્વર મહાદેવનાં દર્શન કરી લીધા આશીર્વાદ
અમદાવાદમાં યોજાઈ રહેલા ફિલ્મફેર એવોર્ડમાં હાજરી આપવા માટે ગુજરાતના મહેમાન બનેલા અક્ષયકુમાર સવારે PM મોદીના વતન વડનગરની મુલાકાતે પહોંચ્યા હતા. વડનગરમાં અક્ષયકુમારે સૌપ્રથમ હાટકેશ્વર મહાદેવનાં દર્શન કરી આશીર્વાદ લીધા હતા. ત્યાર બાદ આર્કિયોલોજિકલ મ્યુઝિયમની મુલાકાત અને વડાપ્રધાને જે શાળામાં અભ્યાસ કર્યો હતો એ પ્રેરણા સ્કૂલની મુલાકાત લીધી હતી. વડનગરવાસીઓ દ્વારા અક્ષયકુમારનું તિલક કરી સ્વાગત કરાયું હતું.
તિલક અને પુષ્પવર્ષાથી 'ખિલાડી'નું કરાયું સ્વાગત
ઐતિહાસિક વડનગરની મુલાકાતે આવેલા અક્ષયકુમારનું યુવતીઓ દ્વારા તિલક અને પુષ્પવર્ષા કરી સ્વાગત કરાયું હતું. આ સમયે અક્ષયકુમારે પણ પુષ્પો લઈ પુષ્પવર્ષા કરી હતી
હાટકેશ્વર મંદિરમાં શીશ ઝુકાવી લીધા આશીર્વાદ
વડનગરની મુલાકાતે પહોંચેલા અક્ષયકુમારે સૌપ્રથમ પૌરાણિક હાટકેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લીધી હતી. અહીં મંદિરમાં આવતા નંદિજીના આશીર્વાદ લીધા હતા. મહાદેવનાં દર્શન કર્યાં બાદ મંદિરના પૂજારીનાં દર્શન કર્યાં હતાં. પૂજારી દ્વારા અપાયેલા બિલ્વપત્ર પોતાના ખિસ્સામાં મૂક્યાં હતાં.
મંદિરમાં આંખો બંધ કરીએ એટલે ઓમ નમઃ શિવાયનો નાદ સંભળાય છે- અક્ષયકુમાર
હાટકેશ્વર મહાદેવનાં દર્શન કર્યાં બાદ અક્ષયકુમારે કહ્યું હતું કે અહીં મંદિરમાં આવી એકદમ શાંતિનો અનુભવ થાય છે. મંદિરમાં આંખો બંધ કરતાં જ ઓમ નમઃશિવાયનો નાદ સંભળાય છે. અહીં દર્શન કરી મને ખૂબ આનંદ થયો.
