Loading...

જેમિમા રોડ્રિગ્સે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં કર્યું પ્રભાવશાળી ફિલ્ડિંગનું પ્રદર્શન :પકડ્યો એક અદભુત ડાઈવિંગ કેચ

ICC મહિલા ODI વર્લ્ડકપ 2025ની 13મી લીગ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમો વચ્ચે વિશાખાપટ્ટનમ સ્ટેડિયમમાં રમાઈ હતી. પહેલા બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 330 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ટીમ ઈન્ડિયાની સ્ટાર ખેલાડી જેમિમા રોડ્રિગ્ઝે શાનદાર ફિલ્ડીંગ કરી, બેથ મૂનીને આઉટ કરવા માટે મિડ-એર કેચ પકડ્યો.

બેથ મૂની પણ આશ્ચર્ય ચકિત

જ્યારે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ ભારત સામે 331 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરી ત્યારે એલિસા હીલી અને ફોબી લિચફિલ્ડની ઓપનિંગ જોડીએ ટીમને શાનદાર શરૂઆત અપાવી અને પહેલી વિકેટ માટે 85 રનની પાર્ટનરશીપ કરી. આ પછી 168 રનના સ્કોર પર ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે નિર્ણાયક સમયે બેથ મૂનીના રૂપમાં તેની બીજી વિકેટ ગુમાવી દીધી, જે ફક્ત 4 રન બનાવીને પેવેલિયન પરત ફરી.

બેથ મૂનીએ દીપ્તિ શર્મા દ્વારા ફેંકાયેલી ઈનિંગની 27મી ઓવરના બીજા બોલ પર કવર તરફ હવામાં શોટ રમ્યો, જે દરમિયાન ત્યાં ફિલ્ડિંગ કરી રહેલી જેમીમા રોડ્રિગ્ઝે હવામાં ડાઈવ કરીને બોલ કેચ કર્યો. આ કેચ જોઈને બેથ મૂની પણ થોડા સમય માટે આશ્ચર્યચકિત થઈ ગઈ.

સારી શરૂઆત બાદ ભારતીય ટીમે ગુમાવી એક તક

આ મેચમાં ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડીએ શાનદાર બેટિંગ કરી હતી, જેમાં પ્રતિકા રાવલ અને સ્મૃતિ મંધાના વચ્ચે પહેલી વિકેટ માટે 155 રનની રેકોર્ડ પાર્ટનરશીપ થઈ હતી. જ્યારે બધાને ભારતીય ટીમ 50 ઓવરમાં 350 રન બનાવશે તેવી અપેક્ષા હતી, ત્યારે સ્મૃતિ 80 રન બનાવીને અને પ્રતિકા 75 રન બનાવીને પેવેલિયન પરત ફરતાં વિકેટ એક પછી એક પડવા લાગી. આ મેચમાં ભારતીય ટીમની સમગ્ર ઈનિંગ 48.5 ઓવરમાં 330 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. સ્મૃતિ મંધાના અને પ્રતિકા સિવાય મધ્યમ ક્રમમાં જેમિમાના બેટથી 33 રન અને રિચા ઘોષના બેટથી 32 રનની ઈનિંગ જોવા મળી.

ઓસ્ટ્રેલિયાની શાનદાર બેટિંગ

ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની શરૂઆત મજબૂત રહી. ઓપનર એલિસા હીલીએ સદી ફટકારી, 107 બોલમાં 21 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 142 રન બનાવ્યા, જ્યારે ફોબી લિચફિલ્ડે પણ 40 રનનું યોગદાન આપ્યું. આ દરમિયાન બેથ મૂની પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહી, તેને 8 બોલમાં 4 રન બનાવ્યા, જ્યારે એનાબેલ સધરલેન્ડ કોઈ રન બનાવ્યા વિના આઉટ થઈ ગઈ. ઓસ્ટ્રેલિયાએ 49 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 331 રન બનાવીને જીત મેળવી.