દિવાળી પહેલા જ રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ થવાની શક્યતા
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂક થયા બાદ હવે સરકારમાં પણ ફેરબદલ થવાની અટકળો ચાલી રહી છે. આ અટકળોની વચ્ચે જ સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર દિલ્હી પહોંચ્યા હતા. ત્રણેય નેતાઓએ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ ગુજરાતના રાજકારણમાં મોટા ફેરબદલની અટકળો મજબૂત બની છે. દિવાળી પહેલા જ 16મી ઓક્ટોબરે રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી પૂરી શક્યતાઓ જોવાઈ રહી છે. મહત્વનું છે કે, મુખ્યમંત્રી સહિતના નેતાઓ આજે પણ દિલ્હીમાં રોકાયા છે. CMનો રવિ કૃષિ મહોત્સવનો કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી આ 3 મુદ્દાને લઈને દિલ્હીમાં
- મંત્રીમંડળમાં ફેરફાર
- મંત્રીમંડળનું વિસ્તરણ
- સરકારના મહત્ત્વનાં પદો પર નેતાઓની નિમણૂક
મુખ્યમંત્રીનો રવિ કૃષિ મહોત્સવનો કાર્યક્રમ રદ, પ્રદેશ પ્રમુખનો વડોદરાનો કાર્યક્રમ યથાવત
દિલ્હી ગયેલા મુખ્યમંત્રી સહિતના નેતાઓએ રાત્રિ રોકાણ દિલ્હીમાં જ કર્યું છે. આજે રવિ કૃષિ મહોત્સવના કાર્યક્રમમાં મુખ્યમંત્રી હાજરી આપવાના હતા જેમાં હવે દિલ્હી મુલાકાતના કારણે નહીં આપી શકે. તો બીજી તરફ જગદીશ વિશ્વકર્માનો વડોદરાનો રેલીનો કાર્યક્રમ યથાવત રાખવામાં આવ્યો છે.
મંત્રીમંડળમાં કેટલાક નવા ચહેરાઓને સ્થાન મળે તેવી શક્યતા
રાજ્યના મંત્રીમંડળમાં દિવાળી પહેલા એટલે કે 16મી ઓક્ટોબરે વિસ્તરણ થાય તેવી શક્યતાઓ છે. 15મી ઓક્ટોબરે રાજ્યમાં ચાલી રહેલી વિકાસ સપ્તાહની ઉજવણી બાદ આ વિસ્તરણ થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ મંત્રીમંડળમાં કેટલાક નવા ચહેરાઓને સ્થાન મળવાની શક્યતા છે. ભાજપ સંગઠન અને સરકારના ઉચ્ચ સ્તરે ચાલી રહેલી ચર્ચાઓ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકારમાં પ્રદેશના વિવિધ વર્ગો અને વિસ્તારોનું પ્રતિનિધિત્વ વધારવાનો પણ પ્રયાસ કરવામાં આવશે. ત્રો અનુસાર, હાલના કેટલાક મંત્રીઓના વિભાગોમાં પણ ફેરફાર થવાની સંભાવના છે. નવી નિયુક્તિઓ અને વિભાગ પરિવર્તન દ્વારા સરકારની કામગીરીને વધુ વેગ આપવાનો ભાજપનો પ્રયાસ છે.
કેબિનેટ અને રાજ્યકક્ષાના કુલ 15 મંત્રી પડતા મુકાઈ શકે ચર્ચા મુજબ કેબિનેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈ, કૃષિમંત્રી રાઘવજી પટેલ, પાણીપુરવઠામંત્રી કુંવરજી બાવળિયા, ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત, પ્રવાસનમંત્રી મૂળુભાઈ બેરા, શિક્ષણમંત્રી કુબેર ડિંડોર અને સામાજિક ન્યાય અને અધિકારિતામંત્રી ભાનુબેન બાબરિયાનું મંત્રીપદ છિનવાઈ શકે છે.
એ જ રીતે રાજ્યકક્ષાના જે મંત્રીઓના પડતા મુકાવાની શક્યાતા છે એમાં મત્સ્ય અને પશુપાલનમંત્રી પુરુષોત્તમ સોલંકી, પંચાયતમંત્રી બચુભાઈ ખાબડ, વન અને પર્યાવરણમંત્રી મુકેશ પટેલ, અન્ન અને નાગરિક પુરવઠામંત્રી ભીખુસિંહ પરમાર તથા આદિજાતિ વિકાસમંત્રી કુંવરજી હળપતિ તેમજ પ્રફુલ પાનસેરિયાનો સમાવેશ થાય છે.
પર્ફોર્મન્સના આધારે કોનું ભાવિ ઊજળું? મંત્રીમંડળ વિસ્તરણમાં વચગાળા સંતુલિત નિર્ણય લેવાની રણનીતિના ભાગરૂપે આ ફોર્મ્યુલા અપનાવવામાં આવી શકે છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કન્ટિન્યુ રાખવામાં આવે, પરંતુ બાકીના મંત્રીમંડળમાં ધરખમ ફેરફાર કરાય. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હાઇમાન્ડ એવા પાંચેક મંત્રીને મંત્રીમંડળમાં અકબંધ રાખીને બાકીના દસેક નેતાને છૂટા કરી શકે છે.
જોકે કદાચ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ તેમજ ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત મંત્રીમંડળમાં યથાવત્ રહી શકે છે. બીજી તરફ હર્ષ સંઘવીને પ્રમોટ કરી કેબિનેટમાં સ્થાન આપવામાં આવશે, પરંતુ ગૃહખાતું કદાચ તેમની પાસે ન પણ રહે. પ્રફુલ પાનસેરિયા આમ તો બિન-વિવાદાસ્પદ રહ્યા છે, પરંતુ જો સંગીતા પાટીલને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવે તો પ્રફુલ પાનસેરિયાનું પત્તું કપાઈ શકે છે
મંત્રીમંડળમાં કયા નવા ચહેરાનો સમાવેશ થવાની શક્યતા?
મંત્રીમંડળમાંથી કોને પડતા મૂકવા અને કોને સ્થાન આપવું એનો નિર્ણય માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જ કરતા હોય છે, પરંતુ હાલની સ્થિતિ જોતાં એવી અટકળો થઈ રહી છે કે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાનારી મ્યુનિસિપલ કોર્પોરેશનની તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીને તેમજ 2027માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને પસંદગી કરાશે. એમાં એગ્રેસિવ થઈને લડનારા તેમજ પાટીદારોને ભાજપથી વિમુખ થતા અટકાવી શકે તેવા સક્ષમ અને યુવાન અને સારી ઈમેજવાળા ઉમેદવારોને તક અપાશે. પોતાની જ્ઞાતિ તેમજ વિસ્તાર પર સંપૂર્ણ પ્રભુત્વ હોય તેવા નેતાની પ્રથમ પસંદગી કરાશે. ઉપરાંત પ્રદેશ અને જ્ઞાતિ જાતિનુ પણ વિશેષ ધ્યાન રખાશે.
આવા નેતાઓમાં જયેશ રાદડિયા, હાલના વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી, રાજકોટના ઉદય કાનગડ, વેજલપુરના અમિત ઠાકર, એલિસબ્રિજના અમિત પોપટલાલ શાહ, ભાવનગરના હીરા સોલંકી, અમરેલીના મહેશ કસવાલા, કૌશિક વેકરિયા, દક્ષિણ ગુજરાતના સંદીપ દેસાઈ, સંગીતા પાટીલ, જામનગરનાં રીવાબા જાડેજા અને પોરબંદરના અર્જુન મોઢવાડિયા અને માંડવી-કચ્છના અનિરુદ્ધ દવે તથા નડિયાદના પંકજ દેસાઈનો સમાવેશ થઈ શકે છે. જ્યારે બદલાયેલી સ્થિતિમાં કોંગ્રેસમાંથી આવેલા અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને સી.જે. ચાવડાની વિચારણા પણ કરી શકાય છે.
