Loading...

PGVCLએ સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં 9 નવાં સબ ડિવિઝન મંજૂર કર્યાં

સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં 9 નવા સબ ડિવિઝન મંજૂર થતા હવે અઢી લાખ ગ્રાહકોને ત્યાં લાઈટ જશે તો ઝડપથી આવી જશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 12 જિલ્લાના 61 લાખ જેટલા ગ્રાહકોને વીજપુરવઠો પૂરો પાડતા PGVCLની કચેરી હેઠળ હાલ 46 જેટલાં ડિવિઝનમાં 281 સબ ડિવિઝન આવેલા છે. અંદાજે પાંચથી છ મહિનામાં રાજકોટ રૂરલમાં 2, સુરેન્દ્રનગરમાં 2, જામનગરમાં 2 ઉપરાંત જૂનાગઢ, ભાવનગર અને પોરબંદરમાં 1-1 નવા સબ ડિવિઝન નિર્માણ પામશે. એને લીધે ત્યાંના ગ્રાહકોને ત્યાં લાઈટ જશે તો તેનો વીજ ફોલ્ટ શોધવા અને રિપેરિંગ કરવામાં 20 ટકા ઝડપ આવશે. અહીં ગૂલ થયેલી લાઈટ ઝડપથી આવતા 2.50 ગ્રાહકોને ફાયદો થશે.

નવી સબ ડિવિઝન કચેરીમાં 40 લોકોના સ્ટાફની ફાળવણી 

PGVCLના મેનેજિંગ ડિરેક્ટર કેતન જોશી પાસેથી મળેલી માહિતી મૂજબ, નવી સબ ડિવિઝન કચેરી બનતા તેમાં અધિકારી સહિત 40 વ્યક્તિના નવા સ્ટાફની ફાળવણી કરવામાં આવે છે. જેમાં 1 ડેપ્યુટી એન્જિનિયર, 2 જુનિયર એન્જિનિયર, એકાઉન્ટ સાઈડમાં 1 ડેપ્યુટી સિનિયર આસિસ્ટન્ટ, 6 જુનિયર આસિસ્ટન્ટ, લાઈટ ઇન્સ્પેક્ટર, લાઈનમેન, આસિસ્ટન્ટ લાઇનમેન અને હેલ્પરનો સમાવેશ થાય છે.

લાંબો સમય લાઈટ વગર નહિ રહેવું પડે 

નવુ સબ ડિવિઝન બનતા ગ્રાહકોના ઘરે અથવા દુકાન કે કારખાનામાં લાઈટ ડૂલ થઈ જાય તો વીજ ફોલ્ટનું તાત્કાલિક રિપેરિંગ થશે અને વીજ પુરવઠો ઝડપથી પૂરો પાડી શકાશે. નવા સબ ડિવિઝન જ્યાં નિર્માણ પામવાના છે, તેનો ગ્રાહકોને સૌથી વધુ લાભ ચોમાસામાં મળશે, કારણ કે, વરસાદમાં વારંવાર લાઈટ ડૂલ થઈ જાય છે અને કલાકો સુધી લોકોને હેરાનગતિ ભોગવી પડે છે, પરંતુ નવા સબ ડિવિઝનથી સ્ટાફમાં વધારો થતાં વીજ ફોલ્ટ રિપેરિંગ તાત્કાલિક થશે અને ઓછો સમય લાઇટ વિના વિતાવવો પડશે.

નવા સબ ડિવિઝનથી કયા-કયા ફાયદા?

  • નવી સબ ડિવિઝન કચેરી બનતા તેમાં ડેપ્યુટી એન્જિનિયર સહિત 40 વ્યક્તિનો નવો સ્ટાફ આવે.
  • ડેપ્યુટી એન્જિનિયરને 1 અને લાઈન વર્ક માટે 2 ગાડી ફાળવવામાં આવે, જેથી વીજફોલ્ટ સર્જાયો હોય ત્યાં પહોંચવામાં 20 ટકા ઝડપ આવે. ઉદાહરણ તરીકે કોઈ વિસ્તારમાં વીજફોલ્ટ થયા બાદ પીજીવીસીએલ કચેરીમાં ફોન કર્યા પછી 10 મિનિટમાં ગાડી પહોંચી હોય તો ત્યાં 8 મિનિટમાં ગાડી પહોંચી જાય છે.
  • એક સબ ડિવિઝનમાંથી બાયફર્ગેશન કરીને નવું સબ ડિવિઝન બનાવવામાં આવે છે, જેથી નવા સબ ડિવિઝનમાં ગ્રાહકોની સંખ્યા ઘટી જતા તેમને સેવાઓ સારી રીતે પૂરી પાડી શકાય છે. એટલે વીજ ફોલ્ટ થાય તો તેને તાત્કાલિક રિપેર કરી લોકોને ઝડપથી વીજપુરવઠો પૂરો પાડી શકાય છે.
  • નવું સબ ડિવિઝન બનતા ત્યાં ઈ-ઊર્જા કનેક્ટિવિટી આપવામાં આવે છે, જેથી ત્યા નવી કેસ વિન્ડો રાખવામાં આવે છે. અહીં ગ્રાહકો બિલ ભરી શકે છે. એટલે કે અત્યાર સુધી ગ્રાહકોને બિલ ભરવા માટે લાઈનમાં ઊભું રહેવું પડતું હતું તેને બદલે નવું સબ ડિવિઝન બનતા તેના ગ્રાહકો ઝડપથી વીજ બિલ ભરી શકશે. આ સાથે ગ્રાહકોની ફરિયાદોનો નિકાલ પણ ઝડપથી આવશે.
  • નવુ વીજ કનેક્શન અને ફોલ્ટી મીટર બદલાવવાની કામગીરી પણ ઝડપથી થશે.
  • કોઈ જગ્યાએ વીજ ચોરી થતી હશે તો તે ઝડપથી પકડાઈ જશે. કારણ કે, નવું સબ ડિવિઝન બનતા ગ્રાહકો ઘટતા અને સ્ટાફ વધતા વીજ ચેકિંગ ઝડપથી થશે.