ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 17 ઓક્ટોબરે શપથ સમારોહ
ગુજરાત રાજ્યના મંત્રીમંડળ વિસ્તરણની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. 17 ઓક્ટોબરને શુક્રવારે સવારે 11:30 કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ભાજપના કેન્દ્રીય નેતાઓની હાજરીમાં નવનિયુક્ત મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. આજે સાંજ સુધીમાં તમામ મંત્રીઓ પોતાનાં પદ પરથી રાજીનામાં આપી દેશે.
સામાન્ય રીતે દર બુધવારે મળતી કેબિનેટની બેઠક પણ 15 ઓક્ટોબરના રોજ મળી નહોતી. આજે ગુરુવારે કેબિનેટની બેઠક મળશે એવું નક્કી થયું હતું, જોકે અચાનક આજે મળનારી કેબિનેટ બેઠક પણ મોકૂફ રાખવામાં આવી હતી અને હવે વિસ્તરણ પછી જ કેબિનેટ બેઠક મળે એવી સંભાવના છે.
બે દિવસ ભાજપના તમામ ધારાસભ્યો અને મંત્રીઓને ગાંધીનગરમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. આ તમામને આજે બપોર સુધીમાં હાજર થવા આદેશ કરાયો છે. જે પણ ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળવાનું છે તેમને ફોન આવવાના શરૂ થઈ ગયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજે બપોર સુધીમાં મંત્રીમંડળ રાજીનામું આપી દેશે અને શુક્રવારે સવારે નવું મંત્રીમંડળ જાહેર કરવામાં આવશે.
આજે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનીલ બંસલ ગુજરાત આવશે
આજે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનીલ બંસલ ગુજરાત આવશે. બપોરે 3 વાગ્યાની આસપાસ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઈના કાર્યક્રમથી ગુજરાત પરત આવશે. ત્યાર બાદ તમામ મંત્રીઓ સાથે બેઠક યોજાઈ શકે છે. બેઠકમાં તમામ મંત્રીઓનાં રાજીનામાં લઈ લેવામાં આવશે. સાંજે રાજ્યપાલને મળીને તમામનાં રાજીનામાં સોંપી દેવામાં આવશે.
સરકારમાં મોટેપાયે બદલાવ થવાનો સંકેત
ગુજરાત સરકારના નવા મંત્રીમંડળના શપથવિધિ સમારોહમાં હાજરી આપવા આજે ગુરુવારે સાંજે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બંસલ અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગાંધીનગર પહોંચી જશે, જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા શુક્રવારે સવારે આવશે. સામાન્ય રીતે માત્ર મંત્રીમંડળનું વિસ્તરણ થતું હોય ત્યારે ભાજપના હાઇકમાન્ડમાંથી આટલા બધા નેતાઓ હાજર રહેતા નથી, તેથી સરકારમાં મોટેપાયે બદલાવ થવાનો સંકેત આવી રહ્યો છે.
નવા મંત્રીમંડળમાં નાયબ મુખ્યમંત્રીના સમીકરણો પણ બની શકે છે. ભાજપના ધારાસભ્યોને પણ તેમના દંડકે આગામી દિવસોમાં ગાંધીનગરમાં જ રહેવા સ્પષ્ટ સૂચના આપી છે. નવું મંત્રીમંડળ પૂર્ણ કદનું 27 સભ્યોનું હોય એવી શક્યતા જોવાઇ રહી છે અને વિધાનમંડળની બેઠકમાં નાયબ મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવે એવી પણ સંભાવના ભરપૂર છે. આ દરમિયાન મંત્રીઓની કચેરી જ્યાં આવેલી છે એ સ્વર્ણિમ સંકુલના બન્ને વિભાગની તમામ ચેમ્બરોની સફાઇ કરી દેવામાં આવી છે. સરકારમાં મંત્રીઓ ઉપરાંત કેટલાક ધારાસભ્યોની મુખ્યમંત્રીના 6થી 7 સંસદીય સચિવ તરીકે પણ નિમણૂક કરવામાં આવે એવી શક્યતા છે.
રાજ્યપાલનો વતન પ્રવાસ ટૂંકાવાયો
ગુજરાતમાં મંત્રીમંડળમાં મોટા ફેરફારની ચર્ચાઓની વચ્ચે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો પ્રવાસ ટૂંકાવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યપાલ તેમના વતન કુરુક્ષેત્રના પ્રવાસે હતા. કુરુક્ષેત્રનો પ્રવાસ 16 ઓક્ટોબર સુધીનો હતો.
સ્વર્ણિમ સંકુલમાં મંત્રીઓની ગેરહાજરી
મંત્રીમંડળના વિસ્તરણ વચ્ચે મંત્રીઓ મંગળવાર અને બુધવારે એમ બે દિવસ સ્વર્ણિમ સંકુલમાં ગેરહાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે 11 વાગ્યે મુંબઈ જવાના હોવાની ચર્ચા ચાલી રહી છે અને તેઓ બપોરે 3 વાગ્યે પરત ફરી શકે છે.
સૌરાષ્ટ્રનું વજન વધવાની સંભાવના
સચિવાલયમાં ચર્ચા છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ અમદાવાદના છે. જ્યારે સૌરાષ્ટ્રની જાણે બાદબાકી થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. ઉપરાંત AAPના ગોપાલ ઈટાલિયા સૌરાષ્ટ્રમાં આગળ વધી રહ્યા છે. આ સંજોગોમાં સૌરાષ્ટ્રને વધુ તક મળશે એ પણ નિશ્ચિત છે. એમાં જયેશ રાદડિયા અને જિતુ વાઘાણીને કેબિનેટમાં સ્થાન મળવાનું નિશ્ચિત મનાઈ રહ્યું છે.
જોકે પૂર્વ પ્રમુખ અને પૂર્વ મંત્રી જિતુ વાઘાણીને હોમ ડિપાર્ટમેન્ટ મળી શકે છે. એવી ધારણા થઈ છે કે મંત્રીમંડળના આ વિસ્તરણમાં સૌરાષ્ટ્રના ધારાસભ્યોને વધુ મહત્ત્વનાં પદ અપાશે. ખાસ કરીને પાટીદોરોને વધુ મહત્ત્વ મળશે. ઉપરાંત ઉત્તર ગુજરાતમાંથી પણ ઠાકોર સમાજને સારાં ખાતાં મળી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતને આ વખતે પ્રમાણમાં થોડું ઓછું મળવાની શક્યતા છે.
મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રને વધુ તક મળવાની શક્યતા
રાજકીય તજજ્ઞો માને છે કે વિસ્તરણમાં ઘણી સાફસૂફી કરી દેવાશે. મુખ્યમંત્રી અને રાજ્યકક્ષાના ગૃહમંત્રી તથા રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી, આરોગ્યમંત્રી સિવાયના મોટા ભાગના મંત્રીઓને પડતા મુકાશે. તેમની જગ્યાએ જે નવા ચહેરાઓને લેવાશે એમાં સૌરાષ્ટ્રને વધુ તક મળશે.
