Loading...

મુંબઈ પ્લેટફોર્મ પર યુવકે 3 ઈડિયટ્સની જેમ મહિલાની ડિલિવરી કરાવી

મુંબઈના એક પ્લેટફોર્મ પર વીડિયો કોલથી મહિલાની ડિલિવરી કરવામાં આવી. ડિલિવરી મેન 27 વર્ષીય વિકાસ બેદ્રે છે, જે વ્યવસાયે વીડિયો કેમેરામેન છે.

મહિલાની હાલત જોઈને વિકાસે તેના ડૉક્ટર મિત્રને ફોન કર્યો. તેમણે વીડિયો કોલ કર્યો, ત્યાં સુધીમાં બાળક અડધો બહાર આવી ગયો હતો. વિકાસે ચા વેચનાર પાસેથી કાતર લીધી અને નાળ કાપી નાખી. બાળક અને માતા બંને સુરક્ષિત છે.

14 ઓક્ટોબરના રોજ રાત્રે 1 વાગ્યાની આસપાસ વીડિયો કેમેરામેન વિકાસ બેદ્રે લોકલ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. ટ્રેન ઉત્તર મુંબઈના રામ મંદિર સ્ટેશન પાસે પહોંચી, ત્યારે બાજુના ડબ્બામાં બેઠેલી એક મહિલાને પ્રસૂતિ પીડા થઈ.

વિરાર ઉપનગરીય વિસ્તારની રહેવાસી અંબિકા ઝા (ઉં.વ.24) નામની મહિલા તેના ભત્રીજા અને ભત્રીજી સાથે હતી. વિકાસે જ્યારે મહિલાને પીડામાં જોઈ, ત્યારે તેણે તાત્કાલિક ટ્રેનની ઇમરજન્સી ચેઇન ખેંચી લીધી.

સ્ટેશન પર પહોંચ્યા પછી વિકાસે પહેલા એમ્બ્યુલન્સ અથવા ડૉક્ટર શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. પછી તેણે તેની મિત્ર, ડૉ. દેવિકા દેશમુખને ફોન કર્યો, પરંતુ ત્યાં સુધીમાં બાળકનું માથું બહાર આવી ચૂક્યું હતું.

વિકાસે કહ્યું, દેવિકાએ મને કહ્યું કે હવે તારે ડૉક્ટર બનવું પડશે. પછી તેણીએ સમજાવ્યું કે મારે શું કરવાનું છે, મેં તેણીના કહેવા પ્રમાણે કર્યું.પ્લેટફોર્મ પરના ચાના સ્ટોલ પરથી મેં કાતર લીધી. મેં ડિલિવરીની તૈયારી માટે થોડી ચાદર પણ ભેગી કરી. પછી બાળકનો જન્મ કરાવ્યો.

પ્રત્યક્ષદર્શીએ વીડિયો શેર કર્યો, લોકોએ કહ્યું- આ છે અસલી રેન્ચો

પ્રત્યક્ષદર્શી મનજીત ઢિલ્લોને સોશિયલ મીડિયા પર સમગ્ર ઘટનાની વિગતો શેર કરી. ઢિલ્લોને એવો પણ દાવો કર્યો હતો કે મહિલાનો પરિવાર તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયો હતો, પરંતુ તેમને કહેવામાં આવ્યું હતું કે ત્યાં ડિલિવરી શક્ય નથી, તેથી તેમને ટ્રેન દ્વારા પાછી લાવવી પડી. ડિલિવરી પછી મહિલાના સંબંધીઓ તેને ખાનગી એમ્બ્યુલન્સમાં સરકારી કૂપર હોસ્પિટલમાં લઈ ગયા.

મનજીતની પોસ્ટ પર લોકો વિકાસની પ્રશંસા કરી રહ્યા છે, તેને વાસ્તવિક જીવનનો રેન્ચો (ફિલ્મ 3 ઇડિયટ્સનું એક પાત્ર) કહી રહ્યા છે. આમિર ખાને 2009ની ફિલ્મ 3 ઇડિયટ્સમાં રેન્ચોની ભૂમિકા ભજવી હતી, જ્યાં તે એક એન્જિનિયર છે, પરંતુ ફોનથી ડિલિવરી કરાવે છે.

Image Gallery