પાટણના દેવડાની ડિમાન્ડ હાઇ, વેપારીઓએ ઓર્ડર લેવાનું બંધ કર્યું
પાટણ જિલ્લામાં પશુપાલન અને દૂધની ઉણપ વચ્ચે 200 વર્ષ અગાઉ દેવડાનો આવિષ્કાર થયો હતો. પાટણના દેવડાની ગુજરાત સહિત અન્ય રાજ્યો અને વિદેશમાં પણ માંગ છે. પાટણવાસીઓ માને છે કે, દેવડા વિના દિપાવલી અધુરી છે. પાટણમાં મળતાં દેવડા ખાસ કરીને કેસર, ચોકલેટ, બદામ પિસ્તા અને બટરસ્કોચ ફલેવરના મળે છે. દેવડા શુદ્ધ ઘી અને વનસ્પતી ઘીમાંથી બનાવવામાં આવે છે.
સૌના ખિસ્સાને પરવડે એવી સ્વાદિષ્ટ મીઠાઈ
દેવડાએ સૌના ખિસ્સાને પરવડે એવી સોફટ અને સ્વાદિષ્ટ મીઠાઈ છે, જે મેંદાના લોટ અને શુદ્ધ ઘીમાંથી તૈયાર કરવામા આવે છે. જેમાં પ્રમાણસર ખાડનું પડ ચઢાવીને મીઠાશ ઉભરાય છે. ઉપર સૂકામેવાની કતરણ દ્વારા સજાવટ કરાય છે. દેવડાએ સૂકી મીઠાઈની જેમ ઝડપથી બગડી જતી નથી વળી દુધ અને માવામાંથી બનતી મીઠાઈ કરતા ઓછુ ગળપણ અને ઓછું કોલેસ્ટ્રોલ ધરાવતી હોઈ સ્વસ્થ્ય માટે સાનુકૂળ યોગ્ય મીઠાઈ છે.
વેપારીઓએ ઓર્ડર લેવાનું પણ કરી દીધુ બંધ
પાટણની ભગવતી સ્વીટ માર્ટ દુકાન બહાર તો બોર્ડ પણ મારી દેવામાં આવ્યું છે કે દેવડાનો ઓર્ડર લેવામાં આવતો નથી. ભગવતી સ્વીટ માર્ટના સંજય પટેલ જણાવે છે કે અમારી દુકાનમાં 500થી વધુ કિલો દેવડાનો ઓર્ડર એડવાન્સ નોંધાયો છે. દેવડા બનાવવાની પ્રોસેશ મેન્યુઅલી છે, જેથી દેવડા બનાવવામાં પહોંચી ના વળવાના કારણે બોર્ડ લગાવ્યું છે.
'આવી રીતે બનાવાય છે દેવડા'
દેવડા બનાવવાની રીત વિશે વાત કરતા દિલીપભાઈએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, દેવડા બનાવવાની રીત ખૂબજ સરળ છે. સૌથી પહેલા ખૂબ મોયણ નાંખેલા લોટને બાંધી તેના લુઆમાંથી મેદાની પુરી બનાવવામાં આવે છે. બાદમાં આ પુરીને ઘીની અંદર તળવામાં આવે છે. આ પુરી બરાબર તળાઈ જાય પછી તેને બદામી કલર કરવામાં આવે છે. બાદમાં બહાર કાઢી ઠંડા કરવામાં આવે છે. બીજા દિવસે તેને ખાંડની 3 તારની ચાસણીની અંદર ઝબોળવામાં આવે છે, બાદમાં બદામ પિસ્તા નાખી ડેકોરેશન કરવામાં આવે છે.
