મંત્રી બનવાના ફોન આવતા જ કાર્યકરોએ ફટાકડા ફોડ્યા :સંઘવીના સમર્થકો ફટાકડા ભરેલો ટેમ્પો લઈ કાર્યાલય પહોંચ્યાં
ગુજરાત રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા શરૂ થતાં જ રાજકીય માહોલ ગરમાયો છે. આ વિસ્તરણમાં પ્રફુલ પાનસેરિયાને ફરીથી મંત્રીમંડળમાં સ્થાન મળવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. સંગઠન તરફથી ફોન આવતાની સાથે જ પ્રફુલ પાનસેરિયાના સમર્થકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. સુરતમાં સમર્થકોએ ફટાકડા ફોડી એકબાજીને મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી. તો મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાને પણ ફોન આવતા સ્વરૂપજી ઠાકોરને પગે લાગી અન્ય કાર્યકર્તાઓને ભેટી ખુશી જાહેર કરી હતી. નવા મંત્રીમંડળમાં સ્થાન મળનારા ગુજરાતભરના નેતાઓના સમર્થકો કાર્યલયો બહાર ફટાકડા ફોડી ઉજવણી કરી રહ્યાં છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ આજે, શુક્રવાર, 17 ઓક્ટોબરના રોજ થવા જઈ રહ્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 11:30 કલાકે શપથગ્રહણ સમારોહ યોજાશે, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા નવનિયુક્ત મંત્રીઓને હોદ્દા અને ગોપનીયતાના શપથ લેવડાવવામાં આવશે.
પ્રફુલ પાનસેરિયા અને કાંતિ અમૃતિયાને ફોન આવતા કાર્યકર્તાઓમાં ખુશી
પ્રાપ્ત માહિતી મુજબ, રાજ્યના કેટલાક ધારાસભ્યોને સવારે 8 વાગ્યાથી ફોન આવવાના શરૂ થયા હતા, જેમાં પ્રફુલ પાનસેરિયા અને કાંતિ અમૃતિયાનો પણ સમાવેશ થાય છે. આ ફોન મંત્રીમંડળમાં ફરીથી સ્થાન મળવાની પુષ્ટિ સમાન હોવાથી, તેમના કાર્યાલય અને સમર્થકોના વિસ્તારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રફુલ પાનસેરિયા હાલમાં ગુજરાત સરકારમાં રાજ્ય શિક્ષણ મંત્રી (સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ) તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે.
સુરતમાં પાનસેરિયાના સમર્થકોએ ફોડ્યાં ફટાકડા
પ્રફુલ પાનસેરિયાને મંત્રીમંડળમાં રિપીટ કરવામાં આવ્યા હોવાના સમાચાર મળતા જ તેમના સમર્થકો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી શરૂ કરી દેવામાં આવી હતી. સુરત અને તેમના મતવિસ્તારમાં કાર્યકર્તાઓએ એકઠા થઈને ફટાકડા ફોડ્યા અને આનંદ વ્યક્ત કર્યો હતો. કાર્યકર્તાઓએ એકબીજાને પેંડા ખવડાવી અને મોં મીઠું કરાવીને આ ખુશીની ઉજવણી કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રફુલ પાનસેરિયાને રાજ્યકક્ષાના મંત્રીમાંથી કેબિનેટ મંત્રી તરીકે પ્રમોશન મળે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે, જે આ ઉજવણીના ઉત્સાહને વધારી રહી છે.
