Loading...

ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓ આજે કાર્યભાર સંભાળશે:નવા પ્રધાનોને આવકારવા ઉત્સવનું આયોજન

ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓ આજે કાર્યભાર સંભાળશે. સવારે 11:45 વાગ્યે હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી તરીકે હોદ્દો સંભાળશે. તો રાજ્ય આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા વિજય મુહૂર્તે બપોરે 12:39 કલાકે સ્વતંત્ર હવાલા સાથે હોદ્દો સંભાળશે. મહદઅંશે તમામ નવા પ્રધાનો સવારે 11થી 12:39 સુધીમાં પોતાના વિભાગોના હોદ્દા સંભાળી કાર્યનો પ્રારંભ કરશે.

દિવાળી અને નૂતન વર્ષ પર્વ નિમિત્તે 26 નવેમ્બર સુધી સચિવાલયમાં વેકેશન

દિવાળી અને નૂતન વર્ષ પર્વ નિમિત્તે 26 નવેમ્બર સુધી સચિવાલયમાં વેકેશન રહેશે. 27 ઓક્ટોબરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવરચિત સરકાર સંપૂર્ણ રીતે કાર્યરત થશે. ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ 1 અને 2માં આજે નવા પ્રધાનોના આવકાર માટે ઉત્સવનું આયોજન કરાયું છે.

નવા મંત્રીમંડળમાં CM સહિત 7 પાટીદાર, 8 OBC

નવા મંત્રીમંડળમાં CM ભૂપેન્દ્ર પટેલ સહિત 26 મંત્રી બનાવાયા છે. નવા મંત્રીમંડળમાં CM સહિત 7 પાટીદાર, 8 OBC, 3 SC અને 4 STનો સમાવેશ થાય છે, જેમાં 3 મહિલા છે. ગઈકાલે સાંજે 5 વાગ્યે સ્વર્ણિમ સંકુલ 1માં નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠક સવા કલાક સુધી ચાલી હતી. ખાતાંની ફાળવણી પણ થઈ ગઈ હતી. હર્ષ સંઘવીને ગૃહ મંત્રી બનાવાયા છે. આ પહેલા તેઓ ગૃહ રાજ્યમંત્રી હતા.

હર્ષ સંઘવીએ સૌથી પહેલા લીધા શપથ 

હર્ષ સંઘવીએ સૌથી પહેલા શપથ લીધા હતા. તેમને DyCM બનાવાયા છે. ત્યાર બાદ જિતુ વાઘાણી, નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમ્ન વાજા અને રમણ સોલંકીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. ઈશ્વરસિંહ પટેલ, પ્રફુલ પાનસેરિયા, ડો. મનીષા વકીલે રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે શપથ લીધા હતા.

કાંતિ અમૃતિયા, રમેશ કટારા, દર્શનાબેન વાઘેલા, કૌશિક વેકરિયા, પ્રવીણ માળી, જયરામ ગામીત, ત્રિકમ છાગા, સંજય મહીડા, કમલેશ પટેલ, પી.સી.બરંડા, સ્વરૂપજી ઠાકોર, રીવાબા જાડેજાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા. નવા મંત્રીઓ હાથમાં ભગવદ્ ગીતા લઇને શપથ લીધા હતા. ઉલ્લેખનીય છે કે કેબિનેટમાં એક પણ મહિલા મંત્રી નથી, સાથે જ ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, કુંવરજી બાવળિયાએ રાજીનામું ન આપ્યું હોવાથી શપથ લીધા નહોતા.

રિપીટ કરાયેલા મંત્રીઓને ખુદ મુખ્યમંત્રીએ ફોન કરીને જાણ કરી હતી અને કહ્યું હતું કે આપણે સાથે છીએ, તમારે શપથ લેવાના છે. તો નવા મંત્રીઓને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ફોન કરીને જાણ કરી હતી.