પરિણીતી ચોપરાએ દીકરાને જન્મ આપ્યો, પતિ રાઘવ ચઢ્ઢાએ ઈન્સ્ટા પોસ્ટ મૂકી આપ્યા ખુશખબર
આ દિવાળી એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને તેના પતિ રાઘવ ચઢ્ઢા માટે ખૂબ જ યાદગાર બની ગઈ છે. આજે દંપતીના ઘરે દીકરાનો જન્મ થયો છે. પતિ અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પર આ ખુશખબર શેર કરી. નોંધનીય છે કે રવિવારે સવારે સમાચાર આવ્યા હતા કે પરિણીતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હવે, સમાચાર સામે આવ્યા છે કે તેણે એક બાળકને જન્મ આપ્યો છે.
કપિલ શર્મા શોમાં ગુડ ન્યૂઝ અંગે આપી હતી હિન્ટ!
થોડા સમય પહેલાં જ બંનેએ 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો'માં હિન્ટ આપી હતી. કપિલે તેના લગ્નનો એક કિસ્સો શેર કર્યો અને જણાવ્યું કે કેવી રીતે તેની માતાએ તેની પત્ની ગિન્નીને જોતાંની સાથે જ દાદી બનવાની ઇચ્છા વ્યક્ત કરી. આ પછી કપિલે રાઘવ અને પરિણીતીને પૂછ્યું કે શું તેમની સાથે પણ આવું કંઈક થયું છે? આ વાત પર રાઘવે તરત જ જવાબ આપ્યો- 'દેંગે, આપકો દેંગે... ગુડ ન્યૂઝ જલદી દેંગે. 'પરિણીતી તેના પતિની વાત સાંભળીને થોડી શરમાઈ ગઈ હતી. ત્યારથી આ વાતની ચર્ચા ચાલતી હતી, જોકે આ સમાચારની આજે એક્ટ્રસે ખુદ પુષ્ટિ કરી છે.
પરિણીતી-રાઘવનાં લગ્ન વર્ષ 2023માં થયાં હતાં
પરિણીતી અને રાઘવે વર્ષ 2023માં રાજસ્થાનના ઉદયપુરમાં લીલા પેલેસ ખાતે એક ભવ્ય સમારોહમાં લગ્ન કર્યા હતા. આ લગ્ન સમારોહમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને રાજકારણના ઘણા જાણીતા ચહેરા હાજર રહ્યા હતા.
