Loading...

DGP વિકાસ સહાય આજે નિવૃત્ત થશે:3 મહિનાનું એક્સટેન્શન મળવા શક્યતા

ડીજીપી વિકાસ સહાય સોમવારે વય મર્યાદાને કારણે નિવૃત્ત થઈ રહ્યા છે. જો કે તેમને 3 મહિનાનું એક્સટેન્શન મળવાની શકયતા છે. પરંતુ જો વિકાસ સહાયને કોઈ કારણસર એક્સટેન્શન નહીં મળે તો રાજ્યને 3 મહિના માટે ઈન્ચાર્જ ડીજીપી મળશે. જેમાં સૌથી સિનિયર અધિકારી મનોજ અગ્રવાલ છે. તેઓ સપ્ટેમ્બર 2025માં નિવૃત્ત થઈ રહ્યા છે. જેથી વિકાસ સહાયને એક્સટેન્શન ન મળે તો સિનિયોરિટી પ્રમાણે મનોજ અગ્રવાલને જ 3 મહિના માટે ડીજીપીનો ચાર્જ મળી શકે છે.

વિકાસ સહાય બાદ સિનિયોરીટીમાં શમશેરસિંઘ આવે છે. પરંતુ તેઓ હાલમાં ડેપ્યુટેશન પર છે અને તેઓ પણ માર્ચ 2026માં નિવૃત્ત થઈ રહ્યા છે. શમશેરસિંઘને નિવૃત્ત થવામાં 9 જ મહિના બાકી હોવાથી તેમને પાછા ગુજરાતમાં લવાય તેવી શકયતા ઓછી છે. ત્યારબાદ સિનિયોરિટીમાં મનોજ અગ્રવાલ આવે છે. જો કે મનોજ અગ્રવાલ હાલમાં સિવિલ ડિફેન્સમાં ડીજીપી છે અને તેઓ પણ સપ્ટેમ્બર 2025 માં નિવૃત્ત થઈ રહ્યા છે. વિકાસ સહાયને 3 મહિનાનું એક્સટેન્શન ન અપાય તો 3 મહિના માટે મનોજ અગ્રવાલને ડીજીપીનો ચાર્જ આપવામાં આવે તેવી શક્યતા પોલીસ બેડામાં ચર્ચાઈ રહી છે.

ડીજીપી તરીકે ડૉ. કે.એલ.એન. રાવને પોસ્ટિંગ મળી શકે 

સામાન્ય રીતે સરકાર ડીજીપી તરીકે સિનિયોરીટીમાં આવતા અધિકારીને જ પોસ્ટિંગ આપે છે. જેથી વિકાસ સહાયને એક્સટેન્શન નહીં મળે તો મનોજ અગ્રવાલને જ 3 મહિના માટે ડીજીપીનો ચાર્જ આપવામાં આવશે. મનોજ અગ્રવાલ સપ્ટેમ્બર 2025 માં નિવૃત્ત થઈ રહ્યા હોવાથી તેમની નિવૃત્તિ બાદ રેગ્યુલર ડીજીપી તરીકે ડો.કે.એલ.એન.રાવને પોસ્ટિંગ મળી શકે છે.

4 શહેર પોલીસ કમિશનરો બદલાવાની શક્યતા નથી 

વિકાસ સહાયને 3 મહિનાનું એક્સટેન્શન મળશે તો હાલમાં 4માંથી એક પણ શહેરના પોલીસ કમિશનર નહીં બદલાય. પરંતુ એક્સટેન્શન ન મળે અને મનોજ અગ્રવાલને ડીજીપીનો ચાર્જ સોંપાય તો પણ 4માંથી એક પણ શહેરના પોલીસ કમિશનર નહીં બદલાય. તેની પાછળનું કારણ એ છે કે ચારેય પોલીસ કમિશનરમાંથી કોઈને હજુ 3 વર્ષ પૂરા થયા નથી.

રેન્જ DIG, એસપી, ડીએસપીની બદલીઓ થશે 

અમદાવાદ રેન્જ ડીઆઈજી, ઝોન-1 ડીસીપી, આર્થિક ગુના નિવારણ શાખાના ડીસીપી, કંટ્રોલરૂમ ડીસીપીની જગ્યા તો અમદાવાદમાં જ ખાલી પડી છે. જેથી ગૃહ વિભાગ ટૂંક જ સમયમાં ડીએસપી અને રેન્જ ડીઆઈજીની બદલી કરી શકે તેવી અટકળો ચાલી રહી છે.