દિવાળીમાં દિલ્હીની હવા બની ઝેર, AQI 353ને પાર
દિલ્હીની હવા દિવાળી બાદ સતત ત્રીજા દિવસે પણ ખૂબ જ ખરાબ છે. આજે સવારે ITO વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 353 જોવા મળ્યો. જે ખૂબ જ ખરાબ કંડીશન વાળી કેટેગરીમાં આવે છે. આ સિવાય નહેરૂ નગર, વઝીપુર જેવા ક્ષેત્રોમાં AQI400ને પાર જોવા મળ્યો.
દિલ્હીની હવાના પ્રદૂષણમાં સતત વધારો
દિલ્હીમાં હવાના પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે. દિવાળીને બે દિવસ વીતી ગયા છતાં રાજધાનીની હવા હજુ પણ શ્વાસ રોકી દે તેવી છે.લોકોને શ્વાસ લેવામાં પણ ખૂબ જ તકલીફ પડી રહી છે. બુધવારે બપોર સુધી લોકો પ્રદૂષણ અને ધુમ્મસથી ખૂબ પરેશાન રહ્યા. આ દિવસે દિલ્હીનું વાયુ ગુણવત્તા સૂચકાંક AQI 363 નોંધાયું હતું. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ CPCBના તાજા આંકડા મુજબ, રાજધાનીના ITO વિસ્તારમાં ગુરુવાર સવારે AQI 353 નોંધાયું છે, જે ખૂબજ ખરાબ કેટેગરીમાં આવે છે.
દિલ્હીના અક્ષરધામ વિસ્તારમાં AQI 350 નોંધાયું
આ વર્ષે પરાળી સળગાવવાના કેસોમાં ઘટાડો તો થયો છે, તેમ છતાં પણ દિલ્હીની હવા હજુ પણ ગેસ ચેમ્બર જેવી લાગી રહી છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ સ્તરનું પ્રદૂષણ શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં જલન અને દમના દર્દીઓ માટે જોખમી સાબિત થઈ શકે છે. આજે સવારે દિલ્હીના અક્ષરધામ વિસ્તારમાં AQI 350 નોંધાયું, જે પણ ખૂબ ખરાબ હવાની શ્રેણીમાં આવે છે. આપને જણાવી દઇએ કે આજે સવારે પણ અહીં વિઝીબલિટી ઘણી ઓછી હતી અને લોકોને વાહન ચલાવતી વખતે હેડલાઇટ્સ ચાલુ રાખવી પડી હતી
અનેક વિસ્તારોમાં હવા બની ઝેર
દિલ્હીના અન્ય અનેક વિસ્તારોમાં પણ હવાના ગુણવત્તામાં ભારે બગાડ જોવા મળ્યો છે, જ્યાં AQI 400 સુધી પહોંચી ગયો છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ CPCBના જણાવ્યા મુજબ, આજે સવારે એમ્સ અને આસપાસના વિસ્તારોમાં AQI 342 નોંધાયું છે, જે ખૂબ ખરાબ શ્રેણીમાં આવે છે. આના કારણે લોકોને આંખોમાં જલન, નાકમાં ખંજવાળ અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
