બાઇક સાથે અથડાતા બસમાં લાગી આગ ,12 લોકો જીવતા ભૂંજાયા: બેંગ્લુરુ જતી બસમાં હતા 40 લોકો
આંધ્રપ્રદેશના કુર્નૂલના ચિન્નાટેકુર નજીક એક ખાનગી બસમાં આગ લાગી હતી. ન્યૂઝ એજન્સી PTI અનુસાર આ અકસ્માતમાં 12 મુસાફરો જીવતા બળી ગયા હતા. આ ઘટના શુક્રવારે સવારે 3:30 વાગ્યાની આસપાસ બની હતી.NH-44 પર મુસાફરી કરતી વખતે એક બસ અને બાઇક વચ્ચે ટક્કર થઈ. બાઇક બસ નીચે ગઈ અને ઇંધણ ટાંકી સાથે અથડાઈ, જેના કારણે બસમાં તરત જ આગ લાગી ગઈ. અહેવાલો દર્શાવે છે કે બસમાં આશરે 40 મુસાફરો હતા.
જેમાંથી ઘણા લોકો બળી ગયા હતા. 19 લોકો બસમાંથી કૂદી ગયા હતા. એજન્સીના અહેવાલોમાં આ આંકડો 12 હોવાનું જણાવાયું છે, જ્યારે મીડિયા અહેવાલોમાં આ આંકડો 25 કહેવામાં આવી રહ્યો છે.પોલીસનું કહેવું છે કે ઘણા મૃતદેહો સંપૂર્ણપણે બળી ગયા છે, જેના કારણે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ છે.
કલેક્ટરે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા
અકસ્માત બાદ કુર્નૂલ જિલ્લા કલેક્ટર ડૉ. એ. સિરી ઘટનાસ્થળે પહોંચ્યા અને જણાવ્યું કે પીડિતો અને તેમના પરિવારોને મદદ કરવા માટે હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવ્યા છે. આમાં કલેક્ટરેટ કંટ્રોલ રૂમ 08518-277305, સરકારી હોસ્પિટલ કુર્નૂલ 9121101059, સ્પોટ કંટ્રોલ રૂમ 9121101061, કુર્નૂલ પોલીસ કંટ્રોલ રૂમ 9121101075 અને GGH હેલ્પ ડેસ્ક 9494609814 અને 9052951010નો સમાવેશ થાય છે. માહિતી માટે, આ નંબરો પર કૉલ કરો.
આગ લાગી, શોર્ટ સર્કિટ થઈ અને દરવાજો ખુલ્યો નહીં
કુર્નૂલ રેન્જના ડીઆઈજી કોયા પ્રવીણે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે બસમાં સવાર 19 મુસાફરો, 2 બાળકો અને 2 ડ્રાઇવરોનો આબાદ બચાવ થયો હતો. બસમાં શોર્ટ સર્કિટ થવાથી દરવાજો જામ થઈ ગયો હતો અને થોડી જ મિનિટોમાં બસ સંપૂર્ણપણે આગની ચપેટમાં આવી ગઈ હતી. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે મોટાભાગના લોકો 25 થી 35 વર્ષની વયના હતા.
મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ દુઃખ વ્યક્ત કર્યું
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું છે કે, "ચિન્નાટેકુર વિસ્તારમાં બસ અકસ્માત વિશે સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે. આ દુ:ખદ અકસ્માતમાં પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. સરકાર ઘાયલો અને પીડિતોના પરિવારોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડશે."
આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું
આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને YSRCP સુપ્રીમો વાય.એસ. જગનમોહન રેડ્ડીએ પણ આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું. ટ્વિટર પર પોસ્ટ કરતા તેમણે લખ્યું, "કુર્નૂલ જિલ્લાના ચિન્નાટેકુર નજીક બસ અકસ્માતના સમાચાર ખૂબ જ દુઃખદ છે. આ અકસ્માતમાં પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. હું સરકારને ઇજાગ્રસ્તો અને અસરગ્રસ્તોને સંપૂર્ણ સહાય અને તબીબી સંભાળ પૂરી પાડવા અપીલ કરું છું."
