આજે 13 જિલ્લામાં યલો એલર્ટ, જગતના તાતને પાકમાં ભારે નુકસાન
ગુજરાતમાં કારતક મહિનામાં અષાઢી માહોલ સર્જાતા ખેડૂતોએ માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. ગુજરાત પર સર્જાયેલી વરસાદી સિસ્ટમના કારણે હવામાન વિભાગે આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. આજે હવામાન વિભાગ દ્વારા 13 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મેઘકહેરના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતા સરકારે પાંચ મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લાઓમાં જવા માટે સૂચના આપી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે મોડીરાત્રે અમદાવાદ અને મહીસાગરમાં ધોધમાર વરસાદ શરૂ થતાં માર્ગો પર પાણી વહેવા લાગ્યા હતા. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો હાલાકીમાં મૂકાયા હતા. ગીર ગઢડાના રાવલ ડેમમાં પાણીની આવક વધતાં 3 દરવાજા 1 ફૂટ ખોલી પાણી છોડાતા નદી કાંઠાના 17 ગામોને એલર્ટ કરાયા છે. જો રાવલ નદીના પાણી કાંઠા બહાર નીકળશે તો ખેડૂતોના ભારે નુકસાન વેઠવું પડશે.
બે કલાક સૌરાષ્ટ્ર માટે ભારે, વરસાદનું રેડ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા આગામી 10 વાગ્યા સુધી માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં ગીર સોમનાથ, દીવ, જુનાગઢ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, સુરત, ભરૂચમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને બાકીના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
રાજ્યમાં સિઝનનો 120 ટકાથી વધુ વરસાદ
ગુજરાતમાં આમ તો ચોમાસાની સત્તાવાર વિદાય થઈ ચૂકી છે. પરંતુ, છેલ્લા બે દિવસથી જે રીતે વરસાદ વરસ્યો છે તેને અષાઢ મહિનાની યાદ અપાવી દીધી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 120 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. છેલ્લા ચાર વર્ષ દરમિયાન વરસેલા વરસાદની વાત કરીએ તો, 2024માં 143.14 ટકા, 2023માં 108.16 ટકા અને 2022માં 122.09 ટકા વરસાદ નોંધાયો હતો.
અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાતે જવા મંત્રીઓને CMની સૂચના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કમોસમી વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ પર સતત નજર રાખી રહ્યા છે. CMએ રાજ્ય મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રીઓને કમોસમી વરસાદથી વધુ પ્રભાવિત જિલ્લાઓમાં તાત્કાલિક અસરથી પહોંચવાની સૂચના આપી છે. મુખ્યમંત્રીની સૂચના અનુસાર કૃષિમંત્રી જીતુ વાઘાણી ભાવનગર, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ તાપી, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયા તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડો.પ્રદ્યુમન વાજા જૂનાગઢ અને ગીર સોમનાથ તેમજ રાજ્યમંત્રી કૌશિક વેકરિયા અમરેલીની મુલાકાત લેશે. એટલું જ નહીં, આ મંત્રીઓ સંબંધિત જિલ્લાઓના અધિકારીઓ સાથે બેઠક યોજીને પરિસ્થિતિની માહિતી મેળવશે તથા અસરગ્રસ્ત વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવશે.
