Loading...

બિહારમાં વીજળી પડવાથી 5નાં મોત:ગયામાં 6 છોકરીઓ વોટરફોલમાં વહી

બિહારના ભોજપુર, બક્સર અને નાલંદામાં વીજળી પડવાથી એક સગીર સહિત 5 લોકોનાં મોત થયા છે. ગયાના ઇમામગંજમાં લગુરાહી ધોધમાં રવિવારે પાણીનું સ્તર અચાનક વધી ગયું હતું. જોરદાર પ્રવાહમાં 6 છોકરીઓ તણાઈ ગઈ હતી. બધી છોકરીઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી હતી.

હવામાન વિભાગે આજે 31 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તરાખંડ અને ઝારખંડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, અહીં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત 12 રાજ્યોમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ છે. 17 રાજ્યોમાં વરસાદ માટે યલો એલર્ટ છે.

20 જૂનથી હિમાચલમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 20 લોકોના મોત થયા છે. હિમાચલના 4 જિલ્લામાં આજે શાળાઓ બંધ છે. મંડીમાં જુની-બિયાસ નદીમાં પૂર આવ્યું છે. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી 2 લોકોના મોત થયા છે. યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચારધામ યાત્રા એક દિવસ માટે રોકી દેવામાં આવી છે.

ગુજરાતમાં વરસાદની સ્થિતિ- છેલ્લા 24 કલાકમાં 189 તાલુકામાં મેઘમહેર, ઉકાઈ ડેમમાં પાણી આવકમાં વધારો; આજે 13 જિલ્લામાં યલો એલર્ટ

રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદ રહેવાની શક્યતા છે. હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 2થી 3 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 189 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મહેસાણાના કડીમાં 3.6 અને અમદાવાદના વિરમાગમમાં 3.3 ઇંચ વરસાદ ખાબકતા ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.