અમદાવાદમાં હિલ સ્ટેશન જેવો માહોલ, તેજ ગતિએ ઠંડા પવન ફૂંકાતા લોકો ઠઠર્યા
રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ જિલ્લામાં વરસી રહેલા કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ કમોસમી વરસાદની આગાહી કરી છે. આજ સવારથી અમદાવાદમાં બર્ફિલા પવન ફૂંકાતા લોકો ઠઠરી ગયા હતા. તો બીજી તરફ બનાસકાંઠા, ગીર સોમનાથ સહિતના જિલ્લામાં સવારથી વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આજે 2 જિલ્લામાં ઓરેન્જ અને 10 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.
રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેતીને વ્યાપક નુકસાન થયું હોય મંત્રીઓએ અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લઈ સમીક્ષા કરી હતી. આજે મળનારી કેબીનેટ બેઠકમાં ખેતી નુકસાન અંગે ચર્ચા થવાની શક્યતા છે અને સરકાર સહાય અંગે કોઈ જાહેરાત કરી શકે છે.
બનાસકાંઠા જિલ્લામાં સવારથી કમોસમી વરસાદી માહોલ જામ્યો
બનાસકાંઠા જિલ્લામાં સવારથી છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. અમીરગઢમાં સવારે બે કલાકોમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ડીસા, દિયોદર,સુઈગામ, ધાનેરા, થરાદ, દાંતીવાડા અને લાખણીમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ઠંડુગાર વાતાવરણ જોવા મળી રહ્યું છે.
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 136 તાલુકામાં વરસાદ
રાજ્યમાં આજે સવારે 6 વાગ્યે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન 136 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના ડીસામાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. 17 તાલુકામાં એક ઈંચ કે તેથી વધુ કમોસમી વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સિઝનનો 125 ટકા કરતા વધુ વરસાદ વરસી ચૂક્યો છે
