ઇઝરાયલનો ગાઝા પર ફરી હુમલો, 30 લોકોનાં મોત
યુદ્ધવિરામ અમલમાં આવતાની સાથે જ ઇઝરાયલે ગાઝામાં નવા હવાઈ હુમલા શરૂ કર્યા, જેમાં 30થી વધુ પેલેસ્ટિનિયનોનાં મોત થયા.
ઇઝરાયલે દાવો કર્યો હતો કે હમાસે અગાઉ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું અને ગાઝામાં તૈનાત તેના સૈનિકો પર હુમલો કર્યો હતો. હમાસે આ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તે યુદ્ધવિરામનું પાલન કરી રહ્યું છે.
મંગળવારે ઇઝરાયલી હવાઈ હુમલાઓએ ગાઝા સિટી, ખાન યુનિસ, બેત લાહિયા અને અલ-બુરૈજ જેવા ગીચ વસ્તીવાળા વિસ્તારોને નિશાન બનાવ્યા.ગાઝાની હોસ્પિટલો અનુસાર, મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. ગાઝા શહેરના સાબ્રા વિસ્તારમાં એક ઘર પર બોમ્બ વિસ્ફોટ થતાં ત્રણ મહિલાઓ સહિત ચાર લોકોના મોત થયા છે.
ઇઝરાયલ અને હમાસ વચ્ચે 20 દિવસ પહેલા યુદ્ધવિરામ કરાર થયો હતો. હકીકતમાં, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 29 સપ્ટેમ્બરના રોજ નેતન્યાહૂની હાજરીમાં 20-મુદ્દાની શાંતિ યોજના રજૂ કરી હતી, જેના પર હમાસે 9 ઓક્ટોબરના રોજ સંમતિ આપી હતી.
ઇઝરાયલી સંરક્ષણ મંત્રીએ કહ્યું - હમાસે 'રેડ લાઈન' ક્રોસ કરી
ઇઝરાયલ અને હમાસ વચ્ચે ફરી તણાવ વધ્યો છે. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે હમાસ પર ગાઝામાં ઇઝરાયલી સૈનિકો પર હુમલો કરવાનો અને મૃત બંધકોના મૃતદેહો પરત કરવાના કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો.
તેમણે કહ્યું કે હમાસે રેડ લાઇન ક્રોસ કરી છે અને હવે તેને ભારે કિંમત ચૂકવવી પડશે. આ દરમિયાન ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ મંગળવારે રાત્રે એક નિવેદન જાહેર કરીને હમાસ સામે લશ્કરી કાર્યવાહીનો આદેશ આપ્યો હતો.
બીજી તરફ, હમાસે તમામ આરોપોને નકારી કાઢ્યા છે, અને કહ્યું છે કે તેનો કોઈપણ હુમલા સાથે કોઈ સંબંધ નથી અને તે યુદ્ધવિરામનું પાલન કરે છે.
હમાસ પર ખોટી લાશ પરત કરવાનો પણ આરોપ
નેતન્યાહૂએ હમાસ પર યુદ્ધવિરામ કરાર હેઠળ મૃતદેહોને અયોગ્ય રીતે પરત કરવાનો આરોપ પણ લગાવ્યો, અને તેને તે કરારનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવ્યું જેમાં હમાસને શક્ય તેટલી વહેલી તકે તમામ ઇઝરાયલી બંધકોના મૃતદેહો પરત કરવાની જરૂર હતી.
આ દરમિયાન ઇઝરાયલી હુમલાને કારણે હમાસે કેદીઓના મૃતદેહ પરત કરવાનો પોતાનો કાર્યક્રમ અટકાવી દીધો છે. મંગળવારે અગાઉ હમાસે કહ્યું હતું કે તે બીજો મૃતદેહ પરત કરશે. ખાન યુનિસમાં એક ખાડામાંથી એક સફેદ બેગ કાઢીને એમ્બ્યુલન્સમાં મૂકવામાં આવી હતી, પરંતુ તેમાં શું છે તે તાત્કાલિક સ્પષ્ટ થયું ન હતું.
ગાઝામાં 13 બંધકોના મૃતદેહ હજુ પણ છે. હમાસનું કહેવું છે કે વિનાશ એટલો ગંભીર છે કે તેમને શોધવા મુશ્કેલ છે. ઇઝરાયલ હમાસ પર શોધમાં જાણી જોઈને વિલંબ કરવાનો આરોપ લગાવે છે. ઇજિપ્તે શોધમાં મદદ કરવા માટે નિષ્ણાતો અને ભારે મશીનરી મોકલી છે.
