Loading...

વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય, 4 દિવસ ધોધમારની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ છેલ્લા 2 દિવસમાં સરેરાશ 4થી 12 ઈંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. આવતીકાલ સુધીમાં ગુજરાત પર ડીપ ડિપ્રેશન ત્રાટકવાની તૈયારી હોવાથી આ કમોસમી વરસાદ ખેડૂતો માટે વધુ ખરાબ સાબીત થઈ શકે. ધોધમાર વરસાદની સાથે 55થી 65 કિમી પ્રતિકલાકની ઝડપે પવન પણ ફૂંકાશે, જેથી માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગીર સોમનાથમાં અતિભારે વરસાદ પડવાનું એલર્ટ છે. જ્યારે પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરત, ભરૂચ, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, આણંદ, ખેડા અને વડોદરામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. આજે 30 ઓક્ટોબર અને આવતીકાલે 31 ઓક્ટોબરના આ વિસ્તારોમાં 48 કલાકમાં વધારાનો 8 ઈંચ કે તેથી વધુ વરસાદ પડી શકે છે. કચ્છમાં છૂટા-છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડશે. પૂર્વ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને આજે એટલે કે, 30 ઓક્ટોબર અને આવતીકાલે 31 ઓક્ટોબરના રોજ મધ્યમથી ભારે વરસાદ અને સામાન્ય વાવાઝોડા થવાની શક્યતા છે.

વરાપની રાહ જોઈને બેઠેલા સૌરાષ્ટ્રના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અમરેલી અને ઉના પંથકમાં ફરી કમોસમી વરસાદ શરૂ થયો છે. અમદાવાદમાં પણ ઝરમર વરસાદ વરસી રહ્યો છે.

અમદાવાદમાં હળવા વરસાદની આગાહી

 હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચના આપવામાં આવી છે અને પોર્ટ પર Lcs 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે પણ અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદના અનેક વિસ્તારમાં ઝરમર વરસાદ

અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારોમાં ઠંડા પવન સાથે ઝરમર-ઝરમર વરસાદ શરૂ થયો છે. શહેરમાં વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ સર્જાયું છે. હવામાન વિભાગે અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેને પગલે વહેલી સવારથી ઝરમરર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.