DGP વિકાસ સહાયને 6 મહિનાનું એક્સટેન્શન:આશિષ ભાટિયા બાદ એક્સટેન્શન મેળવનારા ત્રીજા ડીજીપી
અંતે ગુજરાતના રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયને 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. વિકાસ સહાય 31 ડિસેમ્બર 2025 સુધી ડીજીપી પદે કાર્યરત રહેશે. સહાય આજે વય નિવૃત થવાના હોઈ, ગુજરાત પોલીસ ભવનમાં તેની વિદાયની જરૂરી તૈયારીઓ પણ કરવામાં આવી હતી, પરંતુ સરકાર તરફથી અંતિમ કલાકોમાં વિકાસ સહાયને 6 મહિનાનું એક્સટેન્શન આપવાનો નિર્ણય કરાતા નવા ડીજીપી કોણ એની ચર્ચા પર હાલ તો 6 મહિના સુધી પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. વિકાસ સહાય 31 ડિસેમ્બર 2025 સુધી ડીજીપી પદે કાર્યરત રહેશે.
વિકાસ સહાય આજે વયનિવૃત્ત થવાના હતા
હાલના કાર્યરત ડીજીપી વિકાસ સહાયે એક જિલ્લામાં એસપી તરીકે કામ કર્યા બાદ સામાન્ય રીતે સાઇડલાઈન મનાતા હતા. રાજ્યમાં એક જ સરકાર હોવા છતાં તેઓ લાંબો સમય, એટલે કે ત્રણ પ્રમોશન સાથેનો સમય સાઇડ પોસ્ટિંગમાં ગાળ્યો હતો, જેમાં રક્ષાશક્તિ યુનિવર્સિટી, કરાઇ પોલીસ એકેડમી સહિત સાઇડની જગ્યાઓ પર ફરજ બજાવી હતી. દરમિયાન રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા નિવૃત્ત થયા બાદ તેમનો ચાન્સ લાગ્યો હતો, કેમકે તેઓ સિનિયોરિટીમાં આવતા હતા અને તેઓ નોકરીના સમયમાં નિર્વિવાદ રહ્યા છે. જોકે છેલ્લે તેમના કાર્યકાળ દરમિયાન એસએમસીની સીઆઇડી ક્રાઇમમાં તપાસ ચર્ચાનો વિષય બની હતી, જોકે એસએમસીની કાર્યવાહી દરમિયાન તેમને સ્થાનિક પોલીસથી લઇ 'ચોક્કસ પ્રવૃત્તિમાં જોડાયેલા' પોલીસકર્મીઓ સામે કડકાઇથી કાર્ય ન કર્યું અને એના કારણે પણ તેઓ ચર્ચામાં રહ્યા છે.
અગાઉ બે DGPને એક્સટેન્શન આપવામાં આવ્યું હતું
રાજ્ય સરકારની ગુડ બુકમાં નામ ધરાવતા અને કડક ઇમેજ ધરાવતા આઇપીએસ શિવાનંદ ઝા લાંબો સમય ડીજીપી રહ્યા હતા. તેઓ કોરોના સમયે રાજ્યના કાયમી પોલીસવડા હતા. એ સમયે તેમને એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. તેમણે કોરોના સમયે પોલીસને ખડેપગે રાખી કામગીરી કરાવી હતી, જેમાં તેઓ દરેક જિલ્લા અને શહેરના અધિકારીઓ પાસે કામ કરાવતા હતા.
તેમના સમયગાળા દરમિયાન SMCની કાર્યપદ્ધતિ પણ બદલાઈ હતી અને એની કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસની બેદરકારી સામે પગલાં પણ લેવામાં આવતાં હતાં, જેના કારણે પોલીસમાં ડરનો માહોલ રહેતો હતો. તેમના બાદ આઇપીએસ આશિષ ભાટિયાને ડીજીપી બનાવવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમને પણ તેમનાં બે વર્ષ કરતાં ઓછો સમય મળ્યો હતો. પછી નવી ગાઇડલાઇન પ્રમાણે તેમને પણ 2 વર્ષ કાર્યકાળ પૂરો કર્યા બાદ એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. એના કારણે પૂર્વ આઇપીએસ સંજય શ્રીવાસ્તવને છ મહિના કરતાં ઓછો સમયગાળો નિવૃત્તિમાં બાકી રહ્યો હોવાથી તેઓ ડીજીપી બની શક્યા નહોતા. હવે વિકાસ સહાય એક્સટેશન્શ મેળવનારા ત્રીજા ડીજીપી બન્યા છે.
UN પીસ કીપિંગ મિશનમાં ભાગ લઈ ચૂક્યા છેવિકાસ સહાય 1989 બેચના IPS અધિકારી છે અને તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડેમી, હૈદરાબાદમાં તાલીમ મેળવી હતી. તેમણે સંયુક્ત રાષ્ટ્ર (UN) પીસ કીપિંગ મિશનની તમામ મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે, જેમાં 1998-99 દરમિયાન બોસ્નિયા-હર્જેગોવિનામાં રહ્યા. આ મિશન પછી સહાયે પોલીસ વિભાગમાં 1999માં એસપી આણંદ, 2001માં એસપી અમદાવાદ ગ્રામ્ય, 2002માં અમદાવાદ શહેરના ડીસીપી ઝોન II અને III, 2004માં અમદાવાદ શહેરના ડીસીપી ટ્રાફિક, એડિશનલ સીપી ટ્રાફિક જેવા અસંખ્ય મહત્ત્વના હોદ્દાઓ સંભાળ્યા છે.
રક્ષાશક્તિ યુનિ.ની સ્થાપનામાં મોટી ભૂમિકા
વિકાસ સહાયે 2005માં અમદાવાદ શહેર, 2007માં સુરત શહેરના એડિશનલ સીપી રેન્જ I, 2008માં જોઈન્ટ સીપી રેન્જ I સુરત શહેર, 2009માં આઈજી સિક્યોરિટી અને 2010માં આઈજી સીઆઈડી અને ઈન્ટેલિજન્સ બ્યૂરોમાં કામ કર્યું હતું. તેમની કારકિર્દીમાં સૌથી મહત્ત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમની પસંદગી દેશની પ્રથમ પોલીસ યુનિવર્સિટી “રક્ષાશક્તિ યુનિવર્સિટી”ની સ્થાપના માટે કરવામાં આવી. એ ગુજરાત સરકારનો મુખ્ય પ્રોજેક્ટ છે.
ડીજીપી સાથે જોડાયેલી મહત્ત્વની વાતો, સુપરસીડથી લઈ સરકારની પસંદગી
સામાન્ય રીતે તેવા જ અધિકારીની પસંદગી થતી હોય છે, જે સરકારની ગુડ બુકમાં હોય છે, કેમ કે બે વર્ષ સુધી તેમને બદલવા મુશ્કેલ હોય છે. અનેક અધિકારીઓ દાવા કરતા રહે છે કે સરકારની નજીક અમે છીએ, પરંતુ સરકાર ઇચ્છે તો અમુક અધિકારીઓને સુપરસીડ કરી અન્ય અધિકારીને પણ પોસ્ટિંગ આપી શકે છે. રાજ્યમાં ડીજીપીનો નિર્ણય ન લઇ રાજ્ય સરકાર ઇચ્છે તો ઇન્ચાર્જ ડીજીપી પણ બનાવી શકે છે, પરંતુ એ ગાઇડલાઇનમાં આવતું નથી, પરંતુ સરકાર ખાસ કિસ્સામાં ઇચ્છે તો કરી શકે છે.
ડીજીપી બનવાની પ્રક્રિયા શું હોય છે? સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન શું હોય છે?
- સામાન્ય રીતે ડીજીપી રાજ્યના સૌથી સિનિયર મોસ્ટ આઇપીએસ અધિકારીઓમાંથી પસંદગી પામતા હોય છે.
- UPSC ડીજીપી સિલેક્શનમાં મહત્ત્વોનો ભાગ ભજવે છે.
- રાજ્યના ચોક્કસ સિનિયર અધિકારીઓની એક યાદી તૈયાર થાય છે એ કેન્દ્ર સરકારને મોકલવામાં આવે છે.
- UPSC દ્વારા એ યાદીમાંથી કેટલા ઓફિસર ડીજીપી થઇ શકે છે. એનું લિસ્ટ બનાવી રાજ્ય સરકારને મોકલતા હોય છે.
- સામાન્ય રીતે આ યાદીમાં નિવૃત્તિ માટે આશરે છ મહિના બાકી હોય એ જ અધિકારીઓનો સમાવેશ થાય છે.
- સિનિયોરિટી પ્રમાણે ડીજીપી નક્કી કરવામાં આવે છે.
- સિનિયોરિટી-કમ-મેરિટ પ્રમાણેની યાદી UPSC તૈયાર કરે છે.
- આ યાદી આવ્યા બાદ રાજ્ય સરકાર તેની પસંદગી કરતી હોય છે
- નિવૃત્તિના છ મહિના બાકી હોય તોપણ નવી ગાઇડલાઇન પ્રમાણે જો તે ડીજીપી તરીકે સિલેક્ટ થાય છે તો તેમને આપમેળે 2 વર્ષ સુધી એક્સટેન્શન મળી જાય છે.
- આખરે કેન્દ્રમાંથી પસંદગી પામેલા અધિકારીઓની યાદી આવ્યા બાદ તેમાંના એક નામ પર મંજૂરીની મહોર લાગતી હોય છે અને તેમને ડીજીપી બનાવવામાં આવે છે.
ગુજરાતમાં સરકારે ક્યારેય સુપરસીડ કરીને જુનિયરને ડીજીપી નથી બનાવ્યા.
જો અમુક કિસ્સામાં સરકારને ડીજીપી ન બનાવવા હોય તો આગલા અધિકારીને એક્સટેન્શન પણ આપવામાં આવતું હોવાની વાતને નકારી શકાય એમ નથી. અમુક અધિકારીઓ માટે રાજ્યમાં ચોક્કસ લોબી સક્રિય બની હોવાના કિસ્સા પણ છે. એવામાં કેટલાક આઇપીએસ અધિકારીઓ વચ્ચે તો શીતયુદ્ધ પણ થયાં છે. થોડા સમય પહેલાં પણ એક શહેરમાં આઇપીએસ અધિકારીઓ વચ્ચે શીતયુદ્ધ થયું હતું અને એ ઝઘડાની વાત સરકાર સુધી પહોંચી હતી.
એક આઇપીએસ ઓફિસર ડીજીપી ન બની શકે એટલે બીજા બે આઇપીએસ અધિકારીઓએ તેની ઊંડાણપૂર્વક ગોઠવણ કરી સરકાર સુધી ચોક્કસ માહિતી મોકલી હતી. એકવાર એવું થયું કે અગાઉ એક આઇપીએસને ડીજીપી બનાવવા માટે પૂર્વ ડીજીપીએ જ સરકાર સાથે વાટાઘાટો કરી હતી અને તેઓ વાટાઘાટોમાં સફળ થયા હતા. અગાઉ એક આઇપીએસ ડીજીપી ન બને એ માટે ખાસ એક કાર્ટેલ તૈયારી કરી એક આઇપીએસને એક્સટેન્શન અપાવવાનો ખેલ પણ ખેલ્યો હોવાની ચર્ચા થઈ છે.
રાજ્યમાં અત્યારસુધીમાં કોઇપણ આઇપીએસ અધિકારીને સુપરસીડ કરી તેમના સ્થાને તેમના જુનિયર આઇપીએસ અધિકારીને ડીજીપી બનાવ્યા નથી, કેમ કે આમ કરવાથી આઇપીએસ બેડામાં ભારે નારાજગી અને અસંતોષની લાગણી ફેલાતી હોય છે અને સરકાર એ વિવાદમાં આવતી નથી. સામાન્ય રીતે તેઓ ઇન્ચાર્જ ડીજીપી બનાવીને આ વિવાદને ટાળતી હોય છે.