Loading...

મહાદેવ ભારતી બાપુ ઇટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળ્યા:80 કલાક બાદ મળતા સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા, 300થી વધુ જવાનો શોધખોળમાં લાગ્યા હતા

બાપુને શોધવા માટે એક મોટું અભિયાન શરૂ કરાયું ​મહાદેવ ભારતી બાપુએ સુસાઇડ નોટમાં જણાવ્યું હતું કે, તેઓ ગિરનારના સાનિધ્યમાં પોતાનું જીવન પૂર્ણ કરવા જઈ રહ્યા છે, જેને પગલે ભવનાથ પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ અને વન વિભાગ દ્વારા દ્વારા બાપુને શોધવા માટે એક મોટું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પોલીસની તમામ ટીમોને જંગલના જુદા જુદા વિસ્તારોમાં વહેંચી દેવામાં આવી છે.

ઓપરેશન સર્ચ કર્યું તે જગ્યાઓના નામ

  • જટાશંકર મંદિર
  • વેલનાથ સમાધિ વિસ્તાર
  • માજનનું પરાગ
  • નખલી કેડી
  • ઓરિયો કૂવા વાળો વિસ્તાર
  • જાંબુડા તળાવ વિસ્તાર

'પરેશ નામના સુરતના છોકરાએ FB ઉપરથી કોન્ટેક્ટ કર્યો' 1008 મહામંડલેશ્વર મહાદેવભારતીએ સુસાઇડ નોટમાં લખ્યું કે, હિતેશ ઝડફિયા અને કૃણાલ હરિયાણી, આ બે છોકરાઓને મેં ઓફિસમાં વહીવટમાં રાખ્યા હતા. બાપુના નજીકના હતા, જેથી મેં એમને રાખ્યા. બહુ જ વ્યવસ્થિત ચાલી રહ્યું હતું. એવામાં એક દિવસ મેહુલ ડોડીયા, મુંબઈ, એમને પરેશ નામના એક સુરતના છોકરાએ ફેસબુક ઉપરથી કોન્ટેક્ટ કર્યો કે, મારે હરિહરાનંદ બાપુને મળવું છે. મેહુલે પ્રકાશ, જે બાપુની ગાડી ચલાવતો હતો, એમના નંબર આપ્યા. પ્રકાશ સાથે પરેશે વાત કરી અને પ્રકાશે કહ્યું કે, અમે અમદાવાદ, સરખેજ આશ્રમે છીએ, ત્યાં આવો. ​પરેશ સરખેજ આશ્રમે આવ્યો, બાપુને મળ્યો. પરેશ સ્વામિનારાયણ મંદિરમાં તથા ચડાવ હનુમાન મંદિર, ગિરનાર પગથિયે, અવારનવાર સેવા માટે આવતો, એ બધી વાત તેણે બાપુને કીધી.

'પરેશને દીક્ષા આપી દીધી અને પરમેશ્વર ભારતી નામ આપ્યું' બાપુએ પરેશને કીધું કે, તું મારી સાથે રહીને સેવા કર અને મારો શિષ્ય બની જા. પરેશે કીધું, "થોડો સમય આપો." પરંતુ બાપુએ આખી રાતમાં ત્રણ વખત બોલાવીને પરેશને કહ્યું હતું, "દીક્ષા લઈ લે." બાપુ રડ્યા એટલે પરેશ માની ગયો અને સવારે બાપુએ એકલા હાથે પરેશને દીક્ષા આપી દીધી અને પરમેશ્વર ભારતી નામ આપ્યું. હવે તે બાપુ સાથે રહેવા માંડ્યો. પછી બાપુએ તેમને બુરા આશ્રમે રાખ્યા.

​પછી મેં એમને જૂનાગઢ આશ્રમમાં મારી સાથે રહીને મને આશ્રમમાં મદદરૂપ થાય એવી ભાવના સાથે જૂનાગઢ બોલાવ્યો. એ આવ્યો અને એને સાથે રહેવા માંડ્યા. વ્યવસ્થિત રીતે અમે રહેતા હતા. પેલા બે છોકરા, હું, તથા પરમેશ્વર ભારતી સાથે હળીમળી રહેતા હતા. પછી જે હિતેશ ઝડફિયા હતો, તે રોજ રાત્રે અશોકની ઘરે સૂવા માટે જતો હતો. અશોક આશ્રમ સામે ચાની કીટલીનું કામ કરે, એટલે રાત્રે ત્યાં હોય.

'મારાથી નિરાશ થઈ મને માનસિક ટોર્ચર કરવા માંડ્યા' ​અમને ખ્યાલ આવ્યો કે આવું ચાલી રહ્યું છે. એટલે બાપુને વાત કરી. પછી ગોવાળને રજા આપી દીધી. એટલે ગોવાળ ભરડાવાવ પાસે રહેવા જતા રહ્યા. તો હિતેશ રાત્રે ત્યાં જવા લાગ્યો. એટલે મેં, બાપુએ, એમને આવું કરવાની ના પાડી. તો તે આશ્રમમાંથી નીકળી ગયો અને ગોવાળની સાથે એમના ઘરે રહેવા જતો રહ્યો. આ વાત પરમેશ્વર ભારતીને ના ગમી, એટલે મારી સાથે એ ઝઘડવા માંડ્યા. એ આખો દિવસ ત્યાં તેમની ચાની કેન્ટીને જઈને બેસતો. એટલે મેં તેમનો વિરોધ કર્યો. આપણે ભારતી આશ્રમના સાધુ થઈને આવી રીતે ચાની લારીએ બેસીએ, તે બરાબર ના કહેવાય. આવી રીતે તે મારાથી નિરાશ થઈને દુશ્મની કરવા લાગ્યા અને મને માનસિક ટોર્ચર કરવા માંડ્યા.

'ત્રણ વર્ષથી મારા ઉપર માનસિક ટોર્ચરિંગ કરે છે' ​આ ત્રણેય જણા, હિતેશ, કૃણાલ અને પરમેશ્વર ભારતી, મને ખૂબ જ માનસિક ટોર્ચરિંગ કરવા માંડ્યા. છેલ્લા ત્રણ વર્ષથી મારા ઉપર માનસિક ટોર્ચરિંગ કરે છે, એમાં છેલ્લા પાંચ મહિનાથી તો ખૂબ જ વધી ગયું છે. બાપુને પણ દબાણ કરે છે. બાપુએ મને કીધું કે, તું ગોરા આશ્રમે વયો જા. ત્યાં મંદિરનું કામ ચાલુ છે, તો ત્યાં રહેજે. હું ગોરા ગયો. ત્યાં પણ આ બંને છોકરા આવ્યા અને ત્રણેય થઈને પાછું મારા પર એ જ ચાલુ કરી દીધું. હું ત્યાંથી નીકળી ગયો અને અંકલેશ્વર પાસે દત્ત આશ્રમ, ઉદાલી, જતો રહ્યો. એ દરમિયાન આ લોકોના ટોર્ચરિંગથી મારા મગજ ઉપર ખરાબ અસર પડી. જેથી સતિષભાઈ ખરેડી મને રાજકોટ માઈન્ડની હોસ્પિટલ લઈ ગયા અને ત્યાં પાંચ મહિના દવા લીધી. દવા લો તો જ ઊંઘ આવે તેવી પરિસ્થિતિ થઈ ગઈ.

'મને અહીં શાંતિથી રહેવા દો' ઉદાલી આશ્રમે આખા શ્રાવણ માસનું મૌન અનુષ્ઠાન કર્યું, તો મને રાહત થઈ. પછી હું શ્રાવણ મહિનાનું અનુષ્ઠાન પૂરું કરી ખડિયા મહાકાળી ધામ, કે જ્યાં મારો શિષ્ય રહે છે, ત્યાં રોકાવા સાત-આઠ દિવસ આવ્યો. હું ત્યાં શાંતિથી રહેતો હતો. ત્યાં મનોજ જોબનપુત્રા (ટ્રસ્ટી) તથા જયદીપ બાપુ અમદાવાદથી મને તેડવા માટે આવ્યા. પહેલાં તો મેં ના પાડી કે, "મને અહીં શાંતિથી રહેવા દો." પછી એમણે બહુ આગ્રહ કર્યો હતો, એટલે હું આવ્યો. જૂનાગઢ આશ્રમે આવ્યો, દર્શન કરી બાપુને મળ્યો. પછી બાપુએ કીધું કે, સરખેજ આશ્રમે થોડા દિવસ રહીને પછી ગોરા વયો જાજે. પછી થોડા દિવસ સરખેજ રહીને નવરાત્રિ અનુષ્ઠાન કરવા હું ગોરા આશ્રમ ગયો. પછી બાપુનો પાછો ફોન આવ્યો કે, નલખેડા બગડામુખી માતાજીને ત્યાં જઈ આવો. તો હું ઉજ્જૈન, નલખેડા જઈ પછી પાછો અમદાવાદ આવ્યો. સરખેજ આશ્રમે દિવાળી કરી. હું ત્રીજ-ચોથમાં સાણથલી ગામે કથા હતી, ત્યાં ગયો.

'પરમેશ્વર ભારતીએ બાપુને કહ્યું મહાદેવ ભારતી જૂનાગઢ ના આવવા જોઈએ' ​ત્યાર પછી એવું નક્કી કર્યું કે, હવે જૂનાગઢ થોડા દિવસ રહેવાનું. પહેલાં બીજના દિવસે બાપુએ જૂનાગઢ આવવાનું કહ્યું. પછી પરમેશ્વર ભારતીએ બાપુને ના પાડી કે, "એ મહાદેવ ભારતી જૂનાગઢ ના આવવા જોઈએ." બાપુને ધમકી પણ આપી. પછી સરખેજથી ઇક્કા બાપુ, અમર ભારતી બાપુ, તથા મનોજભાઈ જોબનપુત્રા (હું ખડિયા હતો ત્યાંથી) આવ્યા અને બધા રાત્રે 12:00 વાગ્યે આશ્રમે આવ્યા. પરમેશ્વર ભારતીને બધાએ બહુ જ સમજાવ્યા. રાત્રે ત્રણ વાગ્યા સુધી સમજાવ્યા સમાધાન માટે, પણ તે માન્યા નહીં. બીજે દિવસે અને રાત્રે પણ સમજાવ્યા, તો પણ ના માન્યા. ઓલા બે છોકરા, હિતેશ અને કૃણાલને પણ બોલાવ્યા. પણ તેઓ પણ કહેવા માંડ્યા, "મહાદેવ બાપુને આશ્રમમાંથી જવા દો." સમાધાન તો ના કર્યું, ઉલટાના ધાક ધમકી આપવા લાગ્યા.

Image Gallery