કોસંબામાં સૂટકેસમાં મળેલા મહિલાના મૃતદેહ કેસનો આરોપી ઝડપાયો:લિવ ઇનમાં રહેતા પ્રેમીએ 2 બાય 1.5 ફૂટની ટ્રોલીબેગમાં 5.2 ફૂટની પ્રેમિકાની લાશ ભરી હતી
ગળું દબાવીને હત્યા કરી હોવાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઘટસ્ફોટ બેગમાંથી મહિલાનો મૃતદેહ મળ્યા બાદ અજાણી મહિલા હોવાથી તેનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ સુરત સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમના પ્રાથમિક રિપોર્ટ અંગે સુરત સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના વડા ડોક્ટર ચંદ્રેશે જણાવ્યું હતું કે, મહિલાની ઉંમર 25 થી 30 વર્ષની આસપાસ છે. મહિલાનો ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. આ સાથે જ હત્યા સમયે પ્રતિકાર કરવાના કારણે તેના શરીર પર પાંચ થી છ જેટલા ઉઝરડાના નિશાન પણ છે.
મૃતદેહ મળ્યાના 24થી 48 કલાક પહેલા હત્યા થઈ વધુમાં જણાવ્યું હતું કે, આ મહિલાની હત્યા મૃતદેહ મળવાના 24થી 48 કલાક પહેલા થઈ હોવાની શક્યતાઓ છે. આ સાથે જ મહિલા સાથે કોઈ બળજબરી કરવામાં આવી છે કે નહીં તે અંગેના અને અન્ય સેમ્પલો લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સેમ્પલોના રિપોર્ટ આવ્યા બાદ વધુ માહિતી સામે આવશે.
સોમવારની સવારે સુરત જિલ્લાના કોસંબા રેલવે ઓવરબ્રિજ નજીક કટારિયા શોરૂમની સામે પાલિકાએ પાણીની પાઇપલાઇન માટે ખોદેલા ખાડામાંથી વહેલી સવારે મરૂન રંગની ટ્રોલીબેગ મળી હતી. આ ટ્રોલીબેગની ચેઈન ખુલ્લી હોવાથી મહિલાના વાળ દેખાતા હતા, મૃતદેહ હોવાની શંકાના આધારે પોલીસને જાણ કરવામાં આવી હતી.
ત્યાર બાદ સુરત જિલ્લા પોલીસ દ્વારા એક મોટી ટીમ બનાવવામાં આવી હતી. જેમાં LCB (લોકલ ક્રાઇમ બ્રાંચ), SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) અને કોસંબા પોલીસ સહિત 25 જેટલા અધિકારી અને કર્મચારીઓ તપાસમાં જોડાયા છે. પોલીસે આસપાસના વિસ્તારોમાં લાગેલા તમામ CCTV ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું હતું. આ તપાસ દરમિયાન આરોપી રવિ શર્મા તેના ઘરેથી બેગ લઈને જતો હોય એવું CCTVમાં જોવા મળ્યું હતું. આ CCTVને આધાર બનાવી પોલીસ આરોપી સુધી પહોંચી હતી.
દાદર પરથી નીચે ઉતરતા સમયે ટ્રોલી પટકાઈ હત્યાના સ્થળે પાડોશીઓની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે રવિવારે સાંજે 6.15થી 6.30 વાગ્યાની આસપાસ રવિ એક બેગ લઈને રૂમમાંથી ઉતાવળમાં દાદર પરથી નીચે ઉતરી રહ્યો હતો. તે સમયે બેગ તેના હાથમાંથી છટકીને નીચે પડી હતી, જેના કારણે અવાજ થયો હતો. પાડોશમાં રહેલી એક મહિલાએ પૂછતાં રવિએ જણાવ્યું કે બેગ છટકી ગઈ હતી.
રોડ પરથી 25 મિનિટે ઘરે પાછો આવ્યો ત્યારબાદ રવિ બેગ લઈને રોડ પર ગયો અને 20-25 મિનિટ પછી ઘરે પાછો ફર્યો. પછી તેણે પોતાનો સામાન એક નાની બેગમાં ભર્યો, રૂમને તાળું માર્યું અને પાડોશીને ચાવી આપી. જતી વખતે રવિએ કહ્યું હતું કે, તેને દિલ્હીમાં નોકરી મળી ગઈ છે, અને તે પછી તે ફરાર થઈ ગયો
મહિલાના મોંઢા-નાક પરથી લોહી નીકળતું જોવા મળ્યું' : રાજેશ ગઢિયા, સુરત જિલ્લા પોલીસવડા ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા પોલીસવડા રાજેશ ગઢિયા પોતે સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સુરત જિલ્લા પોલીસવડા રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે, સર્વિસ રોડની બાજુના ખાડામાંથી એક પર્પલ કલરની બેગમાં દુપટ્ટાથી બાંધેલી હાલતમાં એક મહિલાનો મૃતદેહ મળ્યો હતો. મહિલાના મોંઢા-નાક પરથી લોહી નીકળ્યું હોય તેવું જોવા મળ્યું હતું.હત્યારાએ પગ બાંધી બે ફૂટની ટ્રોલીબેગમાં બેવડું વાળી ભરી આરોપીએ બોડીના કટકા નથી કર્યા, પણ કપડાં દ્વારા લાશને બાંધીને બેગમાં મૂકવામાં આવી હતી. કોસંબા ઓવરબ્રિજ પાસે મારુતિ શોરૂમની બાજુમાં સર્વિસ રોડની ડ્રેનેજ લાઇનના ખાડામાંથી બેગમાં ભરેલી લાશ મળી હતી.
