Loading...

મૂછને આંકડા, બ્લેકફિલ્મવાળી બ્રેઝા અને નકલી પોલીસનો રોફ:અસલી પોલીસ પહોંચી તોય આઇકાર્ડ બતાવીને કહ્યું, 'હું પોલીસમાં જ છું', ક્યાં ફરજ બજાવે છે? પૂછતાં ભાંડો ફૂટ્યો

પોલીસને બાતમી મળીતા પોલીસ સ્થળ પર પહોંચી ઘટનાની વિગતે વાત કરીએ તો, ગઇકાલે સાંજના સમયે આણંદ ટાઉન પોલીસને બાતમી મળી હતી કે, શહેરના તુલસી ગરનાળા નજીક આકાશ ટાઉનશીપ તરફના રોડ પર (GJ-23-CJ-8843) નંબરની કાળા કાચ અને કાળા કલરની બ્રેઝા ગાડીમાં એક શખ્સ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી રહ્યો છે, જોકે તે પોલીસ નથી. તેની પાસે બનાવટી પોલીસ આઇ.ડી. અને પોલીસ લખેલી પ્લેટ પણ છે.

અસલી પોલીસ સામે પણ પોતે પોલીસમાં હોવાનો દાવો કર્યો બાતમીના આધારે પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં બાતમી મુજબની ગાડી પાર્ક કરેલી હતી અને તેમાં એક વ્યક્તિ બેઠેલો હતો. પોલીસે તેની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ સુરેંદ્રસિંહ ભરતસિંહ લુહાર (રહે. રધુકુળ સોસાયટી, મોગર, તા.આણંદ) જણાવ્યું હતું અને પોતે પોલીસમાં હોવાનો દાવો કરી પેન્ટના ખિસ્સામાંથી ગુજરાત પોલીસનું આઇ.ડી. કાર્ડ બતાવ્યું હતું.

ફરજના સ્થળ વિશે પૂછતાં આરોપીની પોલ ખુલી જોકે, પોલીસે ફરજના સ્થળ વિશે પૂછપરછ કરતાં સુરેંદ્રસિંહ ભાંગી પડ્યો હતો અને તેણે કબૂલ્યું હતું કે આ પોલીસ આઈ.ડી. કાર્ડ બનાવટી છે. પોલીસે તેની અટકાયત કરી તલાશી લેતાં, તેના ખિસ્સામાંથી બે મોબાઇલ ફોન તેમજ મીડિયાનું આઈ.ડી. કાર્ડ મળી આવ્યું 

ગાડીમાંથી પોલીસ લખેલી નેમ પ્લેટ પણ મળી વધુમાં, તેની ગાડીમાંથી લાલ તથા વાદળી કલરના રેડીયમ પટ્ટાવાળી અંગ્રેજીમાં 'પોલીસ' લખેલી પ્લેટ પણ મળી આવી હતી, જે પોલીસે જપ્ત કરી છે. પકડાયેલા સુરેંદ્રસિંહ ભરતસિંહ લુહાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 204, 205, 336(2), 340(2) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નકલી આઇ-કાર્ડ પર ફોટો પણ હતો ​​​​​સુરેંદ્રસિંહ પાસેથી મળી આવેલા બનાવટી પોલીસ આઈ.ડી. કાર્ડમાં ઓળખપત્ર નંબર 961 અને ઇસ્યુ તારીખ 28/05/2014 દર્શાવવામાં આવી હતી. કાર્ડ ધારકનું નામ સુરેંદ્રસિંહ ભરતસિંહ અને હોદ્દો 'પોલીસ કોન્સ્ટેબલ' તેમ અંગ્રેજી ભાષામાં લખેલું હતું, તેમજ કાર્ડ પર સુરેન્દ્રસિંહનો ફોટો પણ હતો.

'હું ક્રાઈમ બ્રાન્ચમાં છું, તારી ઉપર કેસ થયો છે’

ત્રણેક દિવસ અગાઉ રાજકોટમાં નકલી પોલીસ બની લોકોને લૂંટી લેતા શખ્સે એક જગ્યાએ 20 હજારનો તોડ કરતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જોકે, નકલી પોલીસ બનીને ગયેલા શખ્સને અસલી પોલીસે પીછો કરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ શખ્સ પર અગાઉ 5-5 વખત નકલી પોલીસ બની તોડ કરવાના કેસમાં એક વખત પાસા હેઠળ પણ ધકેલાઈ ચુક્યો હતો. આમ છતાં ફરી જેલમાંથી બહાર આવી પોલીસના નામે લૂંટ ચલાવતા આખરે પોલીસે તેને છઠ્ઠી વખત ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું

એકાદ મહિના અગાઉ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા દુમાડ ગામ પાસે ગત મોડી રાત્રે 'દૂધની ગાડીમાં દારૂની હેરાફેરી કરો છો' તેમ કહી નકલી પોલીસનો સ્વાંગ રચીને 1.87 લાખ રોકડ અને બે મોબાઈલનો તોડ કરીને ફરાર થઇ ગયેલા 4 આરોપીઓને સ્વિફ્ટ કાર મોબાઈલ અને રોકડ મળી 2,50,500 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપીને જેલ ભેગા કર્યા હતા

સાતેક મહિના અગાઉ વડોદરા શહેરમાં મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી પોલીસ બની પૈસા પડાવતા 2 શખસોને પોલીસે ઝડપી પાડ્યા હતા. બંને પાસેથી 20,070 રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. શહેરના આજવા રોડ પર આવેલી ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા મિલિંદ ભુપેન્દ્રભાઇ ગાંગુડે અને તેનો મિત્ર દેવ બાઇક લઇને તરસાલી બ્રિજથી આજવા બ્રિજ તરફ જતા હાઇ-વે પર આવેલા ઝીલીઓન કોમ્પલેક્ષથી થોડા આગળ એક ઝુંપડા પાસે ઉભા રહ્યા હતા. આ દરમિયાન પોલીસ તરીકેની ઓળખાણ આપનાર વિજયસિંહ પ્રવિણસિંહ રાઠોડ અને તેની સાથે મયંકભાઇ વિજયભાઈ માલીએ ભેગા મળીને વિજય રાઠોડે ફરિયાદીની ફેટ પકડી હતી અને કહ્યું હતું કે, અહીં કેમ તમે આવ્યા છો? શું ખોટા ધંધા કરો છો? તેમ કહી ફરિયાદીને ખોટા પોલીસ કેસમાં ફસાવી દઇશ તેમ કહીને બળજબરીપૂર્વક ફરિયાદી પાસેથી રૂપિયા 20 હજાર રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા અને ફરિયાદીના સાથે રહેલ તેના મિત્ર દેવ પાસેથી રૂપિયા પડાવ્યા હતાં અને વિજય રાઠોડે ફરિયાદીના મિત્ર દેવને બે-ત્રણ લાફા ગાલ પર માર્યા હતાં

Image Gallery