Loading...

BMWની ટક્કરે યુવક 10 ફૂટ ઉછળી 50 ફૂટ ફંગોળાયો, CCTV:રાજકોટમાં રમરમાટ કારચાલકે અડફેટે લેતા રોડ પર તણખાં ઝર્યા, ટુ-વ્હીલરના ફુરચેફૂરચા

BMWની ટક્કરે યુવકનું મોત, ટૂ-વ્હીલરનો બુકડો રાજકોટ શહેરમાં વધુ એક અકસ્માતની ઘટનામાં ગઈકાલે મોડીરાતના કાલાવડ રોડ પરના ક્રિસ્ટલ મોલ નજીક પૂરપાટ ઝડપે જીજે.03.એનબી.7301 નંબરની કાળા કલરની BMW કારના ચાલકે ટૂ-વ્હીલર ચાલક અભિષેકને અડફેટે લીધો હતો. કારની જોરદાર ટક્કરથી અભિષેકને રસ્તા પર ફંગોળાતા ગંભીર ઈજા થતાં સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં BMW કારનો આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. તો ટૂ-વ્હીલરના પણ પુરજે પુરજા નોખા થઈ ગયાં હતાં. બનાવની જાણ થતા 108ને થતાં સ્ટાફે આવી યુવકને તપાસી મૃત જાહેર કર્યો હતો અને બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસે કારચાલક સામે તપાસ શરૂ કરી પોલીસે સ્થળ પર આવી તપાસ કરતા મૃતક ટૂ-વ્હીલર ચાલક યુવકનું નામ અભિષેક નાથાણી હોવાનું સામે આવ્યું હતું. આ પછી પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કારચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં છેલ્લા ચાર દિવસમાં ચાર લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં બે યુવાન, એક તરુણ અને એક તરુણીનું મોત નીપજ્યું હતું.

7 નવેમ્બરઃ હોન્ડા સિટી કારે માતા-પુત્રીને અડફેટે લીધાં હતાં, દીકરીનું સારવાર દરમિયાન મોત

રાજકોટ શહેરના જગદીશ મંડપ સર્વિસના સંચાલક દેવાંગભાઈના પત્ની દર્શનાબેન કોટેચા (ઉં.વ.45) 7 નવેમ્બરના બપોરે 2 વાગ્યા આસપાસ એક્ટિવા લઇ પોતાની 15 વર્ષની દીકરી ધ્રુવીને સ્કૂલેથી તેડી આમ્રપાલી મેઇન રોડ ઉપર જવા નીકળ્યા હતાં. આ દરમિયાન યુનિવર્સિટી રોડ પર એચ.પી પેટ્રોલ પંપની સામે સિગ્નલ પહેલાં શાંતી હોસ્પિટલ પાસે સિગ્નલ હોવાથી વાહન ધીમું ચલાવીને જતા હતા. આ સમયે પાછળથી પૂરપાટ ઝડપે હોન્ડા સિટી કારચાલક મહિલાએ માતા-પુત્રીને અડફેટે લીધા હતાં, જેમા માતા દર્શનાબેનને બંને હાથ અને પાંસળી તેમજ શરીરે ઈજા પહોંચી હતી. જ્યારે દીકરી ધ્રુવીને માથામાં અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં ધ્રુવી કોટેચાનું ગંભીર ઈજાઓને કારણે ગઈકાલે સારવાર દરમિયાન મોત નીપજતા યુનિવર્સિટી પોલીસે કાર ચલાવતી મહિલા કૃતિકા શેઠની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી

6 નવેમ્બરઃ સામસામે બાઈક અથડાતાં સગીરનું મોત

આણંદપર ગામે રહેતો કેવલ નારણભાઈ મેવાળા (ઉં.વ.15) 6 નવેમ્બરનાં રોજ બપોરનાં સમયે બાઇક લઈને મિત્ર સાથે કુવાડવા રોડ પર ડી-માર્ટની સામે રોડ પરથી પસાર થતો હતો. ત્યારે સામે આવી રહેલા બાઇક સાથે અકસ્માત થતા બંને બાઇકચાલક નીચે પટકાયા હતાં. કેવલને ગંભીર ઇજાઓ થતા સિવિલ હોસ્પિટલનાં ઇમરજન્સી વોર્ડમાં ખસેડાયો હતો, જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક કેવલ પોતાના સ્કુલ મિત્ર સાથે કુવાડવા રોડ પર યુનીફોર્મ લેવા માટે જઇ રહ્યો હતો, આ દરમિયાન અજાણ્યા એક્ટિવાનાં ચાલકે અકસ્માત સર્જયો હતો. મૃતક કેવલ બે ભાઈમા નાનો હતો અને તેમનાં પિતા ચાની હોટલ ધરાવે છે. કેવલનાં આકસ્મિક મોતથી પરિવારમાં શોક છવાઇ જવા પામ્યો છે.

6 નવેમ્બરઃ બંધ ફોર-વ્હીલર પાછળ બાઈક અથડાતાં યુવકનું મોત

રાજન સુરેશભાઈ મકવાણા (ઉં.વ.19) 6 નવેમ્બરના રાત્રે 1 વાગ્યા આસપાસ બાઇક લઈને જતો હતો, ત્યારે હેમુ ગઢવી હોલ પાસે બંધ ફોર-વ્હીલર પાછળ બાઈક અથડાતા માથામાં અને શરીરે ગંભીર ઈજા થતા 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અહીં ઇમરજન્સી વિભાગમાં તેની સારવાર ચાલુ હતી. સારવાર દરમિયાન વહેલી સવારે 4 વાગ્યા આસપાસ તેણે રાજને દમ તોડી દેતા પરિવારમાં શોક છવાયો હતો. આ બનાવ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક રાજન બે ભાઈમાં મોટો હતો અને તે વિજય પ્લોટમાં જ પોતાના ઘર નજીક આવેલ એક કારખાનામાં નોકરી કરતો હતો. રાત્રે પોતાના મિત્ર સાથે બાઈક ઉપર આંટો મારવા નીકળ્યો હતો અને અકસ્માત સર્જાયો હતો.

Image Gallery