ગાંધીનગરમાં ટ્રિપલ અકસ્માતમાં મહિલાનું મોત, 7ને ઈજા:રિક્ષાને ટક્કર માર્યા બાદ ઇનોવા કાર આઈવા ટ્રકમાં અથડાઈ, કારમાંથી દારૂની બોટલ મળી, ચાલક ફરાર
ફરિયાદી મજૂરોને રિક્ષામાં લઈને જઈ રહ્યાં હતાં આ અકસ્માત અંગે ઇજાગ્રસ્ત રિક્ષા ડ્રાઈવર પંકજજી પ્રહલાદજી ઠાકોરે નોંધાવેલી ફરિયાદ મુજબ, લેકાવાડા ખાતે કમલેશભાઇ પટેલે ખેતરમાં બટાકાનુ બિયારણ કાપવા મજૂરી અર્થે બોલાવ્યા હતા, જેથી પંકજજી ગામના શૈલેષ વિક્રમજી ઠાકોર, લીલાબેન કાંતીજી ઠાકોર, અર્જુન કાંતીજી ઠાકોર, મહેન્દ્રભાઈ નરસિંહભાઈ વાઘેલા, જ્યોત્સનાબેન મહેન્દ્રભાઈ વાઘેલા, મુન્નિબેન કાંતીજી ઠાકોર તથા પુનમબેન બળદેવજી ઠાકોરને રિક્ષામાં લઈને નીકળ્યા હતા.
અકસ્માત સર્જી ઈનોવાનો ચાલક ફરાર તે વખતે દહેગામ મોટા ચિલોડા રોડ ઉપર કેશવ હોટલ નજીક ઇનોવા ગાડીના ચાલકે પોતાની ગાડી પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી સામેથી રિક્ષાને ટકકર મારી હતી, જેથી રિક્ષા રોડની સાઇડમાં ફંગોળાઇને પલ્ટી મારી ગઈ હતી. જ્યારે ઇનોવા ગાડી રોડની સાઈડમાં નજીકમાં પાર્ક કરેલ એક આઇવા ગાડીની ડિઝલ ટાંકી વાળા ભાગે અથડાઈ હતી. આ અકસ્માત સર્જી ગાડી મુકીને ચાલક નાસી ગયો હતો.
રિક્ષામાં સવાર એક મહિલાનું મોત, અન્યને ઈજા અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. રિક્ષામાંથી તમામ ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. આ અકસ્માતમાં પૂનમબેન ઠાકોરને ગંભીર ઈજા થવાથી મોત નીપજ્યું હતું, જ્યારે રિક્ષામાં સવાર અન્ય લોકોને નાની-મોટી ઇજાઓ થતા સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા સ્થળ પર પહોચેલી પોલીસે તપાસ કરતાં કારમાં દારૂની બોટલ પણ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે પોલીસે ફરાર કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
