Loading...

ગુજરાતની સૌથી લાંબી ઘોડાની નાળ આકારની ટનલ:ગુજરાત-રાજસ્થાન વધુ એક માર્ગે જોડાશે

તારંગા હીલથી અંબાજી થઇને આબુ રોડ સુધીની 116.65 કિલોમીટરની નવી રેલવે લાઇનનું કામ ચાલી રહ્યું છે. પહાડો અને જંગલો વચ્ચેથી નીકળતી રેલવે લાઇન 11 ટનલમાંથી પસાર થશે. જે પૈકી સાબરકાંઠાના પોશીના તાલુકામાંથી 1.860 કિલોમીટર લાંબી ટનલ લાઇનનું કામ ચાલી રહ્યું છે. ગુજરાતની સૌથી લાંબી ઘોડાની નાળ આકારની ટનલનો કુલ ઘેરાવો 21 મીટરનો છે. જ્યારે 7.2 મીટરની ઊંચાઇ અને 8 મીટરની પહોળાઇ છે. ટનલના દરેક તબક્કે સરવેયર દ્વારા પ્રથમ માર્કિંગ કરાય છે. ત્યાર બાદ ટેમરોક નામના મશીનથી ડ્રીલ કરી તેમાં એસ્પોઝીવ લગાવી વાયરીંગ જોડી બ્લાસ્ટીંગ કરાય છે.

કાટમાળને હટાવી માર્કિંગ પ્રમાણે કામ થઇ રહ્યું છે કે કેમ તે સરવેયરની ટીમ ચકાસણી કરે છે. જરૂર જણાય ત્યાં ખડકોની કટીંગ કરાય છે. આ પ્રક્રિયા નિરંતર સપ્તાહના 7 દિવસ અને 24 કલાક ચાલતી રહે છે. છેલ્લા 2 મહિનામાં 100 મીટર લાંબી ટનલનું કામ થઇ ચૂક્યું છે.

બીજી તરફ ટનલને વધુ મજબુત બનાવવા લોખંડની અલગ-અલગ આકારની પ્લેટો સાથે ટીસીઆર દ્વારા અલગ પ્રકારના સિમેન્ટના દ્વાવણનું સ્પ્રે કરાય છે. સમયાંતરે ટનલ પર લગાવેલી લોખંડની પ્લેટો તેના સ્થળે જ છે કે ખસી રહી છે તેના પર બારીકાઇથી નજર રખાય છે. ઓક્સિજનના સપ્લાય માટે ટનલની શરૂઆતમાં વેલ્ટીને શન માટે મશીન મુકાયું છે. એક મહીના પછી પહાડની બીજી બાજુથી ટનલનું કામ શરૂ કરાશે. ટનલનું કામ આગામી 3 વર્ષની અંદર પૂર્ણ કરાશે.

આબુરોડથી અંબાજી સુધીનો હાલનો રોડ માર્ગ 20 કિમી છે. જ્યાં 30 મિનિટ લાગે છે. રેલવે ટ્રેક 32.654 કિમીનો હશે. સમય અંદાજે 30થી 50 મિનિટ લાગશે. આબુરોડથી તારંગા હિલ સુધીનો રોડ માર્ગ 73 કિમી છે. જ્યાં 1.5થી 2 કલાક લાગે છે. ટ્રેનથી અંતર 84 કિમી થશે. સમય પણ એટલો જ રહેશે.આબુરોડના નોર્થ વેસ્ટર્ન રેલવેના ડેપ્યુટી ચીફ ઈજનેર ચંદ્રભાનસિંહે જણાવ્યું હતું કે, આબુરોડથી અંબાજી વચ્ચે ટનલ, બ્રિજ, ઓવરબ્રિજ અને પુલિયાનું કામ ચાલી રહ્યું છે. 98 ટકા જમીન રેલવેને મળી ગઈ છે. ટ્રેકથી રાજસ્થાન અને ગુજરાત વચ્ચે નવો વિકલ્પી રેલવે માર્ગ મળશે

ગુજરાત-રાજસ્થાન વધુ એક માર્ગે જોડાશે

  • રૂ.2798.16 કરોડ
  • 116.65 કિલોમીટરનો ટ્રેક
  • 84 કિમી ટ્રેક ગુજરાતમાં, 34 કિમી ટ્રેક રાજસ્થાનમાં)
  • 11 ટનલ (5 ગુજરાતમાં, 6 રાજસ્થાનમાં)
  • 54 મોટા બ્રિજ
  • 151 નાના બ્રિજ
  • 8 ઓવરબ્રિજ રોડ પર
  • 54 અંડરપાસ રોડ પર
  • 11% કામ પૂર્ણ
  • 2026-27 માં પ્રોજેક્ટ પૂર્ણ થશે

ટનલના કામમાં વપરાતાં પાણીથી લઇ ખડકો તમામની ચકાસણી થાય છે 

ભારે ભરખમ પહાડની નીચેથી પસાર થતી ટનલની સુરક્ષા સૌથી મહત્વ છે. સમય સાથે કુદરતી રીતે પથ્થરોની મજબુતાઇને પણ અસર થતી હોય છે. તબક્કાવાર પહાડની અંદરથી નીકળતાં ખડકોના સેમ્પલ લઇ તેની મજુબતાઇની ચકાસણી કરવામાં આવી રહી છે. આ સાથે ટનલ બનાવવામાં વપરાતાં પાણી, રેતી, સિમેન્ટ, લોખંડ જેવા તમામ પ્રકારના મટીરીયલની પણ લેબમાં ચકાસણી કરાય છે. દરેક તબક્કે ટેસ્ટીંગ બાદ જ તેનો ઉપયોગ કરાઇ રહ્યો છે.

તારંગા હિલ-અંબાજી-આબુ રોડ નવી રેલ લાઇન પ્રોજેક્ટ 2026-27 સુધીમાં પૂર્ણ 

ઉત્તર ગુજરાતના મહત્વાકાંક્ષી તારંગા હિલ-અંબાજી-આબુ રોડ નવી રેલ લાઇનને કેન્દ્ર સરકારની મંજૂરી 3 વર્ષ પહેલાં આપવામાં આવી છે. જે કામગીરી 2026-27 સુધીમાં પૂર્ણ થઈ શકે છે. મહેસાણાથી તારંગા થઈને અંબાજી સુધી રેલમાર્ગે જવાનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. ₹2798.16 કરોડના ખર્ચે આકાર પામી રહેલો આ 116.65 કિલોમીટર લાંબો રેલવે પ્રોજેક્ટ 2026-27 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. આ રેલમાર્ગ યાત્રાળુઓ અને સ્થાનિકો માટે અંબાજી પહોંચવાનું વધુ સુવિધાયુક્ત બનાવશે.