રેલિંગ કૂદી કાર હાઈવેની સાઈડમાં ફંગોળાઈ:એક જ પરિવારના પાંચેય વ્યક્તિ ઉછળીને બહાર ફેંકાતાં ગંભીર રીતે ઘાયલ; શાહ પરિવાર વડોદરાથી મધ્યપ્રદેશ લગ્નમાં જતો હતો
વડોદરાનો શાહ પરિવાર લગ્ન માટે જતો હતો આ બનાવ સંદર્ભે મળતી વિગતો મુજબ, વડોદરા જિલ્લાના આજવા રોડ પર આવેલી A/12 ઓમકાર સોસાયટીમાં રહેતો શાહ પરિવાર આજે વહેલી સવારે પોતાની કાર દ્વારા વડોદરાથી મધ્યપ્રદેશના શિહોર ગામ ખાતે એક લગ્નપ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યો હતો.
જ્યારે તેમની કાર ગોધરા નજીક સંતરોડ પાસે ભથવાડા ટોલનાકા આગળથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર બેકાબૂ બની હતી. બેકાબૂ કાર હાઈવેની સાઈડમાં આવેલી રેલિંગ કૂદીને બાજુમાં ફંગોળાઈ હતી.પાંચેય ઇજાગ્રસ્ત કારમાંથી બહાર ફેંકાયા અકસ્માત એટલો ગંભીર હતો કે, કાર સાઈડમાં કૂદીને પડતાં જ કારમાં સવાર નિધિ શાહ, સંગીતા શાહ, કરણ શાહ, અમીશા શાહ અને કોકિલા શાહ, એમ એક જ પરિવારના પાંચેય લોકો કારમાંથી ઉછળીને રોડની બહાર પડ્યા હતા. ગંભીર ઇજાઓને કારણે તેઓ દર્દથી તડપતા હતા, જે જોઈને આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા.
ગોધરા સિવિલથી વડોદરા રિફર કરાયા ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાંચેય ઇજાગ્રસ્તને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના ડોક્ટરે તપાસ કરતાં પાંચેય ઇજાગ્રસ્તને શરીરના ભાગે ગંભીર પ્રકારના ફેક્ચર હોવાનું જણાયું હતું.
ઇજાગ્રસ્તો જોર જોરથી બૂમો પાડી રહ્યા હતા ઇજાઓ એટલી ગંભીર હતી કે, પીડાને કારણે ઇજાગ્રસ્તો જોર જોરથી બૂમો પાડી રહ્યા હતા અને એમ્બ્યુલન્સમાં બેસી શકે તેવી સ્થિતિમાં પણ નહોતા. આથી, પ્રાથમિક સારવાર બાદ ડોક્ટરે તમામને તાત્કાલિક વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે રિફર કર્યા હતા. ઇજાગ્રસ્તોને વડોદરા લઈ જવા માટે એક પછી એક ત્રણ એમ્બ્યુલન્સ અને એક પ્રાઇવેટ ફોર વ્હીલ વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
રેલિંગમાં રહેલો પથ્થર પણ તૂટીને બહાર આવી ગયો આ તરફ, અકસ્માતની ટક્કર એટલી જોરદાર હતી કે, રેલિંગમાં રહેલો પથ્થર પણ તૂટીને બહાર આવી ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આ ગંભીર અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
