Loading...

મનસુખ સાગઠિયા સામે ગુનો નોંધવા EDએ RMC પાસે મંજૂરી માગી

રાજકોટ મહાનગર પાલિકાના તત્કાલીન TPO મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે, કારણ કે ED દ્વારા RMC પાસે ગુનો દાખલ કરવા મંજૂરી માગવામાં આવી છે. મનસુખ સાગઠિયા વર્ગ 1ના કર્મચારી હોવાથી તપાસની મંજૂરી માટે પહેલા સ્ટેન્ડિંગ કમિટી અને બાદમાં જનરલ બોર્ડમાં મંજૂરી માટે મુકાશે. આજે(2 જુલાઈ) સ્ટેન્ડિંગ કમિટી સાગઠિયા વિરુદ્ધ મની લોન્ડરિંગ અંતર્ગત તપાસને બહાલી આપીને જનરલ બોર્ડને સોંપવામાં આવશે. જનરલ બોર્ડની મંજૂરી બાદ સાગઠિયા સામે કાર્યવાહી કરવામાં આવશે.

મનસુખ સાગઠિયા વર્ગ 1ના કર્મચારી હોવાથી RMC પાસે મંજૂરી માગી 

TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં મુખ્ય સહઆરોપી અને રાજકોટ મનપાના પૂર્વ ટાઉન પ્લાનીગ અધિકારી મનસુખ સાગઠિયાની રૂ.21 કરોડની મિલ્કતો પ્રિવેન્સન ઓફ મની લોન્ડરિંગ એકટની કલમ 5 હેઠળ તા.28.05.2024ના રોજ જપ્તીમા લીધા બાદ દિલ્હીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રાજકોટ મહાનગર પાલિકા પાસે ફરિયાદ દાખલ કરવા મંજૂરી માગી છે. મનસુખ સાગઠિયા વર્ગ 1ના કર્મચારી હોવાથી પ્રથમ સ્ટેન્ડિંગ કમિટી બાદ જનરલ બોર્ડમાં મંજૂરી માટે મુકવામાં આવશે. જેમાં આજ રોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળ્યા બાદ આ ઠરાવને બહાલી આપી જનરલ બોર્ડમાં મોકલવામાં આવશે અને જુલાઈ મહિના દરમિયાન મળનાર જનરલ બોર્ડમાં પણ આ ઠરાવને મંજૂરી આપવામાં આવ્યા બાદ મનસુખ સાગઠિયા સામે ED ગુનો દાખલ કરી શકે છે. એટલે એવું ચોક્કસ કહી શકાય કે મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો થવો નિશ્ચિત છે.

સાગઠિયા વિરુદ્ધ એકસાથે 3 ફોજદારી કેસો નોંધાયા હતા 

TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ ધનજીભાઈ સાગઠિયાની વરવી ભૂમિકા જણાઈ આવતા તેઓ સામે એક સાથે 3 ફોજદારી કેસો નોંધાયેલા હતા. જેમા ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ એક કેસ અને ભારતીય દંડ સહિતા હેઠળ બે કેસ કરવામાં આવ્યા છે. આ કેસોની તપાસ દરમિયાન સામે આવ્યું હતુ કે ટી.પી.ઓ. મનસુખ સાગઠિયાએ 28 કરોડની અપ્રમાણસર મિલ્કત ધારણ કરેલ છે જે તેઓએ પોતાના પત્ની અને પુત્રના નામે વસાવેલ હતી તથા એક સ્થાવર મિલ્કતમાં તેમના પુત્ર કેયુરે અલ્કેશ રણછોડભાઈ ચાવડા નામના વ્યક્તિ સાથે સહમાલિકી રાખેલ હતી. આ કેસની જાણ એ.સી.બી.એ EDને કરી હતી. જેથી EDએ તપાસ હાથ ધરી નિષ્કર્ષ કરેલ કે ટી.પી.ઓ. મનસુખ સાગઠિયાએ પોતાના નામે તથા તેમના પત્ની ભાવનાબેન સાગઠિયા અને પુત્ર કેયુર સાગઠિયા તથા અલ્કેશ રણછોડભાઈ ચાવડા નામના વ્યકિતઓના નામે મિલકતો વસાવેલી છે, જેમા સ્થાવર મિલકતો, જમીનો, કીમતી ઝવેરાતો તથા જુદી જુદી બેકોની ફિક્સ ડિપોઝિટનો સમાવેશ થાય છે.

મિલ્કતો અંગે ટ્રાન્સફર અંગેનો કોઈ હુકમ ન કરવા EDએ અરજી કરી છે 

EDની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ મિલ્કતોની કિમત રૂ.21,61,59,129 થાય છે. આ મિલકતો પી.એમ.એલ.એ. એકટ હેઠળ કલકીત ગણી તેને કલમ 5 હેઠળ EDએ જપ્ત કરી છે. હાલનો કેસ રાજકોટ એ.સી.બી.એ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ દાખલ કરી આરોપીની મિલકત કોર્ટ કસ્ટડીમાં સોપેલ હતી. આ મિલ્કતો કોર્ટની કસ્ટડીમાં હોવાથી EDએ અરજી કરી કોર્ટને જણાવ્યું હતું કે, પી.એમ.એલ. એકટની કલમ 8 હેઠળ હાલનો કેસ દિલ્લી ખાતે એડજયુડિકેટિંગ ઓથોરિટી સમક્ષ ચાલવાપાત્ર હોય આ મિલકતો અંગે ટ્રાન્સફર અંગેનો કોઈ હુકમ ન કરવા અરજી કરવામાં આવી છે.

અગાઉ 23.15 કરોડની મિલકત ટાંચમાં લેવા સરકારે આદેશ કર્યો હતો 

અગાઉ મનસુખ સાગઠિયા અને તેના પરિવારજનોના નામે વસાવેલી 23.15 કરોડની મિલકત ટાંચમાં લેવા સરકારે આદેશ કર્યો હતો. એસીબીની તપાસ દરમિયાન સાગઠિયાએ પોતાની કાયદેસરની આવક કરતા 628.42 ટકા વધુ અપ્રમાણસર મિલકત વસાવી હોવાનું સામે આવતા ભ્રષ્ટાચાર અધિનિયમ કલમ હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી. જે અંગે હાલ તે રાજકોટ મધ્યસ્થ જેલમાં બંધ છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવા અંગે નોટિસ આપ્યા બાદ કોઈ કાર્યવાહી ન કરી પોતાની ફરજ પ્રત્યે બેદરકારી દાખવી હતી જેને લઇ પોલીસે ધરપકડ કર્યા બાદ તેમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપ ઉઠતા એસીબીએ તપાસમાં ઝંપલાવ્યું હતું અને દરમિયાન મનસુખ સાગઠિયા પાસેથી અપ્રમાણસર મિલકત મળી આવતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આવક કરતાં 628.42 ટકા વધુ મિલકત વસાવી 

રાજકોટ મનપાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ ધનાભાઈ સાગઠિયાએ ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ગેરકાયદેસર રીતે આવક કરતા વધુ નાણાં મેળવી આશ્રિતોના નામે સ્થાવર/જંગમ મિલકતોમાં રોકાણ કર્યું હોવાનું એસીબીની તપાસમાં સામે આવ્યું હતું. એસીબીની તપાસ દરમિયાન સાગઠિયાની કાયદેસરની કુલ આવક રૂપિયા 3,86,85,647ની સામે પોતાના તથા પોતાના પરિવારજનોના નામે કુલ રૂપિયા 28,17,93,981નું સ્થાવર/જંગમ મિલકતમાં રોકાણ ખર્ચ કર્યો હોવાનું સામે આવ્યું હતું. સાગઠિયાએ પોતાની આવક કરતા 628.42 ટકા વધુ એટલે કે કુલ રૂપિયા 24,31,08,334નું અપ્રમાણસર સ્થાવર/જંગમ મિલકતોમાં રોકાણ/ખર્ચ પોતાની ફરજ દરમિયાન રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું હતું.

સાગઠિયા રાજકોટ મધ્યસ્થ જેલમાં બંધ છે 

રાજકોટ TRP ગેમઝોનમાં થયેલા અગ્નિકાંડમાં રાજકોટ મનપામાં છેલ્લા 10 વર્ષ કરતા વધુ સમયથી ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા મનસુખ સાગઠિયાનો ટ્રાન્સફર વોરંટ હેઠળ જેલમાંથી કબ્જો મેળવી 150 ફૂટ રિંગ રોડ પર આવેલ ટ્વીન ટાવર સ્થિત તેમની ઓફિસમાંથી રોકડ તેમજ સોના ચાંદી અને ડાયમંડના ઘરેણાં મળી કુલ 18 કરોડની વધુ મિલકત મળી આવી હતી.

એસીબીએ ખાનગી ઓફિસમાંથી 18 કરોડથી વધુની વસ્તુઓ કબ્જે કરી

  • સોના દાગીના તથા બિસ્કિટ આશરે 22 કિલોગ્રામ અંદાજે કિંમત 15 કરોડ
  • ચાંદીના દાગીના આશરે અઢી કિલોગ્રામ અંદાજે કિંમત 2 લાખ
  • ડાયમંડ જ્વેલરી આશરે કિંમત 8.50 લાખ
  • રોકડ ચલણી નોટો રૂપિયા 3,05,33,500
  • જુદા-જુદા દેશોની ચલણી નોટો ભારતીય કિંમત આશરે રૂપિયા 1,82,000
  • સોનાના પટાવાળી ઘડિયાળ નંગ-2 તથા અન્ય કીમતી ઘડિયાળ નંગ-6 અંદાજે કિંમત 1.03 લાખ

આરોપીની વિવિધ મિલકતોની વિગતો

  • જય બાબારી પેટ્રોલ પંપ (સોખડા, જિ. રાજકોટ)
  • ઈન્ડસ્ટ્રિયલ ગોડાઉન-3 (સોખડા, જિ. રાજકોટ)
  • જય બાબારી પેટ્રોલ પંપ (ગોમટા, તા. ગોંડલ)
  • હોટલ અન્ડર કન્સ્ટ્રકશન (ગોમટા, તા. ગોંડલ)
  • ફાર્મ હાઉસ (ગોમટા, તા. ગોંડલ)
  • ખેતીની જમીન (ગોમટા, તા. ગોંડલ)
  • ખેતીની જમીન (ચોરડી, તા. ગોંડલ)
  • ઊર્જા ઈન્ડસ્ટ્રિયલમાં ગેસ ગોડાઉન (શાપર તા. કોટડા સાંગાણીમાં)
  • બાલાજી ગ્રીનપાર્કમાં પ્લોટ (મોવૈયા તા. પડધરી)
  • અનામિકા સોસાયટીમાં અન્ડર કન્સ્ટ્રક્શન બંગલો (રાજકોટ શહેરમાં યુનિવર્સિટી રોડ પર)
  • આસ્થા સોસાયટીમાં ટેનામેન્ટ (રાજકોટ શહેરમાં માધાપર ખાતે)
  • સી-1701, એસ્ટર ફલેટ (અદાણી શાંતિગ્રામ ટાઉનશિપ, અમદાવાદ)
  • બી-7, 802, લા મરીના (અદાણી શાંતિગ્રામ ટાઉનશિપ, અમદાવાદ)
  • વાહનો કુલ- 6