Loading...

આગામી ત્રણ કલાક સુધી 4 જિલ્લામાં રેડ એલર્ટ:કપરાડામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ

ગત 16 જૂનથી રાજ્યમાં થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ એકદંરે તમામ જિલ્લામાં મેઘરાજાએ હાજરી પુરાવી છે. મેઘરાજા ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે હેત વરસાવી રહ્યા છે. હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં 7 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક સુધી એટલે કે 1 વાગ્યા સુધી તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.

આજે 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 12 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ રાજ્યમાં આગામી સપ્તાહથી ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 89 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે.

ગઈકાલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર (SEOC) ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે સંબંધિત વિભાગોની તૈયારી અંગે સમીક્ષા હાથ ધરાઈ હતી. રાજ્યના વિવિધ સ્થળે NDRF-SDRFની 32 ટીમો તૈનાત કરાઈ છે. આ ઉપરાંત 2 ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. રાજ્યના 206 જળાશયો પૈકી 21 જળાશયો હાઇએલર્ટ, 12 જળાશયો એલર્ટ પર તથા 19 જળાશયો વોર્નિંગ પર છે. માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં ઓવર ટોપીંગ અને પાણી ભરાવાના કારણે 94 રસ્તા બંધ છે. જે પાણી ઉતરતા પૂર્વવત કરવામાં આવશે.

છેલ્લા 24 કલાકમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 89 તાલુકામાં વરસાદ વરસ્યો છે. વલસાડના કપરાડામાં 4 ઇંચ, તાપીના ડોલવણમાં બે ઇંચ, ડાંગના સુબીરમાં વલસાડના ઉમરગામ, ધરમપુર તેમજ વાપીમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત અન્ય તાલુકામાં હળવો વરસાદ વરસ્યો હતો.

આજે આ જિલ્લામાં વરસાદની આગાહી

  • ઓરેન્જ એલર્ટ- બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી
  • યલો એલર્ટ- અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા, પંચમહાલ, મહેસાણા, બનાસકાંઠા

3 જુલાઈના રોજ આ જિલ્લામાં વરસાદની આગાહી

  • ઓરેન્જ એલર્ટ-બનાસકાંઠા, સાબરકાંઠા
  • યલો એલર્ટ- કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહિસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, ડાગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર

રાજ્યના 5 ઝોનમાં સિઝનના વરસાદની સ્થિતિ

  • કચ્છ : મેઘરાજાએ સૌથી ઓછા 8 દિવસની હાજરી આપી છે. જૂનમાં 50.1 મિમી (2 ઇંચ)વરસાદની જરૂરિયાત સામે 142.3 મિમી (5.69 ઇંચ) વરસાદ મળ્યો છે. જરૂરિયાત કરતાં 184% વધુ વરસાદ રહ્યો છે.
  • ઉત્તર ગુજરાત : મેઘરાજાએ 15 દિવસની હાજરી આપી છે. જૂનમાં 80.2 મિમી (3.21 ઇંચ)ની જરૂરિયાત સામે 178 મિમી (7.12 ઇંચ) વરસાદ મળ્યો છે. જરૂરિયાત કરતાં 122% વધુ વરસાદ છે.
  • મધ્ય-પૂર્વ ગુજરાત : મેઘરાજાએ 17 દિવસની હાજરી આપી છે. જૂન સુધીમાં 113 મિમી (4.52 ઇંચ)ની જરૂરિયાત સામે 278.9 મિમી (11.16 ઇંચ) વરસાદ મળ્યો છે. જરૂરિયાત કરતાં 147% વધુ વરસાદ રહ્યો છે.
  • સૌરાષ્ટ્ર : મેઘરાજાએ 11 દિવસની હાજરી આપી છે. જૂનમાં 127.7 મિમી (5.12 ઇંચ)ની જરૂરિયાત સામે 245.1 મિમી (9.80 ઇંચ) વરસાદ થયો છે.
  • દક્ષિણ ગુજરાત : મેઘરાજાએ સૌથી વધુ 19 દિવસની હાજરી આપી. જૂનમાં 253.4 મિમીની જરૂરિયાત સામે 532.5 મિમી (21.3 ઇંચ) વરસાદ મળ્યો છે.

ગુજરાતમાં જુલાઇમાં પણ સામાન્યથી વધુ વરસાદની શક્યતા ભારતીય હવામાન વિભાગે સોમવારે રજૂ કરેલા જુલાઇ મહિનાના પૂર્વાનુમાન મુજબ, દેશમાં 106%થી વધુ વરસાદની શક્યતા છે. ગુજરાતમાં જુલાઇનું પૂર્વાનુમાન જોઇ રાજ્યના બાકીના વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે, એટલે કે મોટા ભાગના વિસ્તારોમાં સારા વરસાદના સંકેતો છે.

રાજ્યના 5 ઝોનનું પૂર્વાનુમાન

  • કચ્છ : આગામી 10 જુલાઇ સુધી સામાન્યથી વધુ સારા વરસાદની શક્યતા છે. 10થી 17 જુલાઇની વચ્ચે વરસાદનું જોર સામાન્ય ઘટી શકે છે.
  • ઉત્તર ગુજરાત : અરવલ્લીમાં વરસાદનું જોર વધુ રહી શકે છે. પાટણ અને બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ વિસ્તારોમાં વરસાદ નબળો રહી શકે છે.
  • મધ્ય-પૂર્વ ગુજરાત : મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં વરસાદનું જોર વધુ રહી શકે છે. અમદાવાદ, ખેડા અને આણંદમાં સામાન્ય વરસાદની શક્યતા છે.
  • સૌરાષ્ટ્ર : સૌરાષ્ટ્રમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે. દ્વારકા, પોરબંદર, જામનગર અને રાજકોટ જિલ્લામાં વરસાદનું જોર વધુ રહી શકે છે, જોકે દરિયાકાંઠાની નજીકના વિસ્તારોમાં 10 જુલાઇ બાદ વરસાદનું જોર ઘટી શકે છે.
  • દક્ષિણ ગુજરાત : આગામી 17 જુલાઇ સુધી દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે. 18 જુલાઇ બાદ દ. ગુજરાતમાં વરસાદનું જોર ઘટી શકે છે. બીજા પખવાડિયાથી ઓછા વરસાદની શક્યતા છે.

Image Gallery