પાકિસ્તાનમાં ઇમરાન ખાનની 3 બહેનને પોલીસે રસ્તા પર ઢસડી:વાળ ખેંચી દુર્વ્યવહાર કર્યો, જેલમાં બંધ ભાઈને મળવા પહોંચેલી બહેનો ડરેલી દેખાઈ, PAKમાં હાઇ વોલ્ટેજ ડ્રામા
ઇમરાન ખાન અદિયાલા જેલમાં એકાંત કેદની સજા ભોગવી રહ્યા છે, પરંતુ પાકિસ્તાન પ્રશાસને તેમને મળવા દીધા નહીં. નૌરીન ખાને કહ્યું- હું ત્યાં ઊભી હતી. એક પોલીસ મહિલાએ આવીને મને પકડીને જમીન પર પછાડી દીધી, મને સમજાયું નહીં, તે ખૂબ જ જાડી પોલીસ મહિલા હતી, મને લાગ્યું કે તે આ જ હેતુ માટે આવી છે. તેણે મારા વાળ ખેંચી લીધા. આ ખૂબ જ દુઃખદ છે કે તેઓ આ સ્તરે ઝૂકી શકે છે. પંજાબ પોલીસ એક ક્રૂર પોલીસ છે. આ ઘટના પછી ઇમરાનની બીજી બહેને કહ્યું કે તે મહિલાઓ તેને રસ્તા પર ખેંચી રહી હતી. આ સમય દરમિયાન ઇમરાનની બહેન ખૂબ જ આઘાતમાં ડરી ગઈ હતી અને ધ્રૂજતી હતી.
ત્રણેય બહેનો ઇમરાનને મળવા પહોંચી હતી ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફે મંગળવારે મોડી રાત્રે જણાવ્યું હતું કે પોલીસે રાવલપિંડીની અદિયાલા જેલની બહાર ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની બહેનો સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને "હિંસક રીતે અટકાયત" કરી હતી. તેમને મળવાની મંજૂરી ન મળતાં બહેનો જેલની બહાર ધરણાં કરી રહી હતી.
આરોપ: ખૈબર પ્રાંતના મંત્રીઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો
પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે પોલીસે માત્ર ખાનની બહેનો જ નહીં, પરંતુ ખૈબર પ્રાંતના મંત્રી મીના ખાન આફ્રિદી, સાંસદ શાહિદ ખટ્ટક અને ઘણી મહિલા કાર્યકરોને પણ માર માર્યો હતો. પીટીઆઈએ કહ્યું હતું કે કોર્ટે ઈમરાન ખાનને તેમના પરિવારને મળવાનો અધિકાર આપ્યો છે, પરંતુ સરકાર આ મુલાકાતોનો ઉપયોગ દમન અને દબાણની પદ્ધતિ તરીકે કરી રહી છે. પાર્ટી દ્વારા પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં અલીમા અને ઉઝમા નૌરીનને સંભાળતી જોવા મળે છે, જે ગભરાયેલી દેખાય છે. અલીમા કહે છે કે તેને રસ્તા પર ખેંચી લેવામાં આવી હતી.
બીજા એક વીડિયોમાં, નૌરીન કહે છે કે કેવી રીતે મહિલા પોલીસ અધિકારીઓએ તેના વાળ પકડીને જમીન પર પછાડી દીધા. બધા શાંતિથી બેઠા હતાં અને તે સમજી શકતી નથી કે આવું અચાનક કેમ કરવામાં આવ્યું.
પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું, આ આજનું પાકિસ્તાન પાર્ટીએ કહ્યું, આખા વિસ્તારમાં અંધારું કરી દેવામાં આવ્યું અને ત્યાર બાદ થયેલી અફરાતફરીમાં પોલીસે ઇમરાન ખાનની બહેન અલીમા ખાન, નૌરીન ખાન અને ઉઝમા ખાન સાથે મારપીટ કરી. PTI નેતા અને પૂર્વ રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ કહ્યું હતું કે આ આજનું પાકિસ્તાન છે, જ્યાં મહિલાઓના ગૌરવનું ઉલ્લંઘન થાય છે. આ બહેનોની એકમાત્ર ભૂલ કરી કે તેઓ તેમના ભાઈઓને મળવા આવી."
ઇમરાન ખાન 3 વર્ષથી જેલમાં છે
ઇમરાન ખાન 100થી વધુ કેસોનો સામનો કરી રહ્યા છે અને ઓગસ્ટ 2023થી જેલમાં છે. તેમને ભ્રષ્ટાચારના કેસોમાં 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે, જેમાં સરકારી ભેટો (તોશાખાના કેસ) વેચવા અને સરકારી રહસ્યો લીક કરવાના આરોપોનો સમાવેશ થાય છે.
ઈમરાન પર અબજો રૂપિયાની પાકિસ્તાની સરકારી જમીન અલ-કાદિર ટ્રસ્ટને ઓછી કિંમતે વેચવાનો આરોપ છે. આ કેસમાં 9 મે, 2023ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ દેશભરમાં અનેક મુખ્ય લશ્કરી સ્થાપનો પર હુમલો કરવામાં આવ્યો હતો.
પાકિસ્તાનના નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યૂરો (NAB)એ ડિસેમ્બર 2023માં અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં ઇમરાન ખાન, તેમની પત્ની બુશરા બીબી અને છ અન્ય વ્યક્તિ સામે કેસ દાખલ કર્યો હતો, જોકે જ્યારે ઇમરાન ખાન સામે કેસ દાખલ કરવામાં આવ્યો ત્યારે તે તોશાખાના કેસના સંદર્ભમાં પહેલાંથી જ અદિયાલા જેલમાં કેદ હતો.
અલ-કાદિર ટ્રસ્ટ કેસ 60 અબજનું કૌભાંડ
- સરકારના કહેવા પ્રમાણે, જ્યારે ખાન વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે જમીનમાફિયા મલિક રિયાઝને મની લોન્ડરિંગના કેસમાં ફસાવ્યો હતો. લંડનમાં તેના 40 અબજ જપ્ત કર્યા. બાદમાં બ્રિટિશ સરકાર દ્વારા આ નાણાં પાકિસ્તાનને સોંપવામાં આવ્યાં હતાં. ઈમરાને આ માહિતી કેબિનેટને પણ નથી આપી.
- આરોપ છે કે આ પૈસા ગુપ્ત ખાતા દ્વારા ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
- આ પછી ઈમરાને અલ કાદિર ટ્રસ્ટની રચના કરી. તેણે ધાર્મિક શિક્ષણ આપવા માટે અલ કાદિર યુનિવર્સિટીની સ્થાપના કરી. આ માટે મલિક રિયાઝે અબજો રૂપિયાની જમીન આપી હતી. બુશરા બીબીને હીરાની વીંટી પણ ભેટમાં આપી હતી. તેના બદલામાં રિયાઝના તમામ કેસ પડતો મૂકવામાં આવ્યા હતા. તેને કરોડો રૂપિયાના સરકારી કોન્ટ્રેક્ટ પણ મળ્યા હતા.
- ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે કહ્યું- સરકારી તિજોરીને 50 અબજ રૂપિયાનો ફટકો પડ્યો. 13 મહિનામાં એકપણ વાર ઈમરાન કે બુશરા પૂછપરછ માટે આવ્યાં નથી. 4 વર્ષ પછી પણ આ યુનિવર્સિટીમાં માત્ર 32 વિદ્યાર્થી છે.
- સમગ્ર મામલાને જોતાં ઈમરાન ખાન અને તેની પત્ની પર 1 હજાર 955 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લાગ્યો છે.
