Loading...

પીએમ મોદી પહેલી વાર ઘાનાના પ્રવાસે રવાના:નેહરુ, નરસિંહ રાવ પછી ત્રીજા વડાપ્રધાન

પીએમ નરેન્દ્ર મોદી બુધવારે 5 દેશોના પ્રવાસે રવાના થયા છે. તેઓ સૌપ્રથમ આફ્રિકન દેશ ઘાના જઈ રહ્યા છે. ત્રણ દાયકામાં કોઈપણ ભારતીય વડાપ્રધાનની ઘાનાની આ પહેલી મુલાકાત છે. આ પહેલા પંડિત નેહરુ 1957માં અને પીએમ નરસિંહ રાવે 1995માં ઘાનાની મુલાકાત લીધી હતી.

ઘાનામાં, પીએમ મોદી રાષ્ટ્રપતિ જોન મહામાને મળશે. બંને નેતાઓ દ્વિપક્ષીય વેપાર અને સંબંધો પર ચર્ચા કરશે. આ દરમિયાન, ઉર્જા, કૃષિ અને ડિજિટલ ટેકનોલોજી અને વેક્સિન હબ વિકસાવવાના ક્ષેત્રમાં અનેક કરારો (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવશે.

ભારતની UPI અને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને ઘાનામાં લાવવા પર પણ વાતચીત થશે, જેથી બંને દેશોમાં ડિજિટલ વ્યવહારો સરળ બની શકે. મોદી અને મહામા એક સંયુક્ત પત્રકાર પરિષદ પણ કરશે.

પીએમ મોદી ઘાનાની સંસદ અને ત્યાં રહેતા ભારતીય સમુદાયના 15000 લોકોને સંબોધન કરશે. ઘાનાના રાષ્ટ્રપતિ મહામા પીએમ મોદીના માનમાં એક સ્ટેટ ડિનરનું પણ આયોજન કરશે.

કોરોના મહામારી દરમિયાન ભારતે ઘાનાને 6 લાખ વેક્સિન પૂરી પાડી

ભારત અને ઘાના આંતરરાષ્ટ્રીય મંચો પર એકબીજાના મજબૂત સમર્થક રહ્યા છે. બંને દેશો બિન-જોડાણવાદી ચળવળ (NAM)ના સભ્યો છે અને સંયુક્ત રાષ્ટ્ર જેવા સંગઠનોમાં સાથે મળીને કામ કરે છે. ઘાનાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારતની દાવેદારીને ટેકો આપ્યો છે.

બંને દેશો જળવાયુ પરિવર્તન, આતંકવાદ અને અન્ય વૈશ્વિક મુદ્દાઓ પર એકબીજાની સાથે ઉભા છે. કોવિડ-19 મહામારી દરમિયાન, ભારતે ઘાનાને વેક્સિન અને મેડિકલ સહાય પૂરી પાડી હતી. ભારતે ઘાનાને કોરોનાની 6 લાખ વેક્સિન પૂરી પાડી હતી.

ગાંધીજીના આદર્શોને અનુસરીને ઘાનાને આઝાદી મળી

ક્વામે એનક્રુમા ઘાનાના મહાન નેતા હતા, જેમને 'આફ્રિકાના મહાત્મા ગાંધી' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે અમેરિકામાં અભ્યાસ કરતી વખતે ગાંધીજીના વિચારો વાંચ્યા હતા અને તેમના વિચારોથી ખૂબ પ્રભાવિત થયા હતા. આ પછી, તેઓ ઘાના આવ્યા અને કન્વેન્શન પીપલ્સ પાર્ટી (CPP)ની રચના કરી અને દેશમાં સ્વતંત્રતાની લડાઈ શરૂ કરી.

આ ધ્યેય પ્રાપ્ત કરવા માટે એનક્રુમાએ અહિંસા, એકતા અને નાગરિક કાનૂનભંગની ગાંધીવાદી પદ્ધતિઓનો ઉપયોગ કર્યો. એનક્રુમા માનતા હતા કે ઘાનાને હિંસા વિના બ્રિટિશ શાસન સામે શાંતિપૂર્ણ સંઘર્ષ દ્વારા મુક્ત કરી શકાય છે, જેમ ગાંધીએ ભારતમાં કર્યું હતું.

1950માં, એન્ક્રુમાએ 'પોઝિટિવ એક્શન' નામની રાષ્ટ્રવ્યાપી હડતાળનું આહ્વાન કર્યું. આ માટે તેમને જેલમાં જવું પડ્યું, પરંતુ તેનાથી તેમની લોકપ્રિયતામાં વધારો થયો. 6 માર્ચ 1657ના રોજ, એન્ક્રુમાના નેતૃત્વ હેઠળ, ઘાના બ્રિટનથી સ્વતંત્રતા મેળવનાર આફ્રિકાનો પ્રથમ દેશ બન્યો.

ઘાનાની સ્વતંત્રતાની અસર સમગ્ર આફ્રિકા પર પડી. તેથી, અન્ય દેશોમાં પણ સ્વતંત્રતાની માંગ તીવ્ર બની. થોડા વર્ષોમાં, નાઇજીરીયા, કેન્યા, તાંઝાનિયા જેવા ઘણા દેશોએ બ્રિટિશ, ફ્રેન્ચ અથવા બેલ્જિયન સંસ્થાનવાદથી સ્વતંત્રતા મેળવી.