'રોહિત-વિરાટે ક્રિકેટ છોડી નથી, તેમને હટાવાયા છે':કોહલીના ભાઈ વિકાસ કોહલીએ કોચ ગૌતમ અને સિલેક્ટર્સ પર 'ગંભીર' હુમલા કર્યા
વિકાસ કોહલીનો મોટો દાવો, રોહિત અને કોહલીને ટેસ્ટ ટીમમાંથી 'હટાવાયા' થ્રેડ એપ પર એક પોસ્ટમાં વિકાસે મોટો દાવો કર્યો કે રોહિત અને કોહલીએ ટેસ્ટ ક્રિકેટ છોડી નથી, પરંતુ તેમને 'હટાવાયા' છે.
વિકાસે ભારત અને સાઉથ આફ્રિકાની ટીમની સંરચનાની તુલના કરતાં કહ્યું હતું કે પ્રોટિયાઝ (સાઉથ આફ્રિકા)એ 'શુદ્ધ ટેસ્ટ ટીમ' ઉતારી, જ્યારે ભારતે સિનિયરોને બહાર કરીને બેટર્સની જગ્યાએ ઓલરાઉન્ડર્સથી ટીમ ભરી દીધી, અહીં સુધી કે વોશિંગ્ટન સુંદરને નંબર-3 પર મોકલી દેવાયો.
તેમણે લખ્યું, "ટીમ ઈન્ડિયાની રણનીતિ- સિનિયર ખેલાડીઓને હટાવો, 3/4/5 નંબરના અસલી બેટર્સને હટાવો, નંબર-3 પર બોલરને રમાડો, ટીમમાં માત્ર ઓલરાઉન્ડર્સ જ ભરો... સાઉથ આફ્રિકાની રણનીતિ- સ્પેશિયાલિસ્ટ ઓપનર, સ્પેશિયાલિસ્ટ મિડલ ઑર્ડર, સ્પેશિયાલિસ્ટ સ્પિનર, સ્પેશિયાલિસ્ટ ફાસ્ટ બોલર... અને માત્ર એક ઓલરાઉન્ડર.
વિકાસ કોહલીએ હેડ કોચ ગંભીરને આડકતરી રીતે ટોણો માર્યો
એક અન્ય પોસ્ટમાં વિરાટના ભાઈ વિકાસ કોહલીએ ઈન્ડિયન ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરને આડકતરી રીતે ટોણો માર્યો. તેમણે થ્રેડ એપ પર લખ્યું, "એક સમય હતો જ્યારે આપણે વિદેશી ધરતી પર પણ જીતવા માટે રમતા હતા. હવે આપણે મેચ બચાવવા માટે રમી રહ્યા છીએ... એ પણ ભારતમાં પણ. આવું જ થાય છે જ્યારે તમે બૉસ બનવાનો પ્રયાસ કરો છો અને વગર કારણે એ વસ્તુઓને બદલવાનો પ્રયાસ કરો છો જે ઠીક હતી.
વિકાસ કોહલીએ પોસ્ટ હટાવી વિકાસ કોહલીએ થોડા કલાકો પછી જ પોતાની પોસ્ટ ડિલિટ કરી દીધી હતી, જોકે એનો સ્ક્રીનશૉટ ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. ગૌતમ ગંભીરના હેડ કોચ બન્યા પછી ટીમ ઈન્ડિયાની ટેસ્ટમાં સ્થિતિ ઘણી ખરાબ થઈ છે. ગયા વર્ષે ન્યૂઝીલેન્ડે ઘરમાં આવીને 3 મેચની સિરીઝને 3-0થી જીતી હતી. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ભારતને લગભગ 10 વર્ષ પછી સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે સાઉથ આફ્રિકાએ આવીને 25 વર્ષ પછી ભારતને જ ક્લીન સ્વીર કરી ગયું છે.
ટીમ ઈન્ડિયામાં ઘણા બદલાવ થયા ગૌતમ ગંભીરના હેડ કોચ બન્યા પછી ભારતીય ટીમમાં ઘણા બદલાવ થયા છે. ટીમના ત્રણ મુખ્ય ખેલાડીઓ, આર અશ્વિન, વિરાટ કોહલી અને રોહિત શર્મા રિટાયરમેન્ટ લઈ ચૂક્યા છે. આ સાથે જ બેટિંગ ક્રમમાં ઘણા બદલાવ જોવા મળ્યા છે. ટીમમાં મુખ્ય બેટર્સ અને બોલર્સ કરતાં ઓલરાઉન્ડર્સને વધુ તકો આપવામાં આવી રહી છે.
ગૌતમ ગંભીરના ગયા જુલાઈમાં મુખ્ય કોચ બન્યા પછી ભારતનો 5 હોમ ટેસ્ટ અસાઇનમેન્ટમાં બીજી વખત વ્હાઇટવૉશ થયો છે. બાંગ્લાદેશ સામે જીતથી શરૂઆત કરવા છતાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડથી હારી, પછી ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ગુમાવી દીધી. આ પરિણામોએ ભારતને WTC (વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ) ફાઈનલની બહાર કરી દીધું હતું.
