ખાટલામાં સૂતાં-સૂતાં 10 વર્ષનો છોકરો વેચે છે ગાંજો, VIDEO:સુરતમાં સરથાણાબ્રિજ નીચે ખુલ્લેઆમ જુગાર-નશાનો કારોબાર, જાગ્રત યુવાનોએ મેયર-પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું
જાગૃત નાગરિકોના ગ્રુપે મેયર-પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું બ્રિજ નીચે ચાલતા આ તમામ ગેરકાયદેસર વેપલાઓ અને દૂષણોને બંધ કરાવવા માટે યુવાનોએ સત્તાવાળાઓ સમક્ષ અવાજ ઉઠાવ્યો છે. યુવા જાગૃત નાગરિકોના એક જૂથે સુરતના મેયર દક્ષેશ માવાણી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને રૂબરૂ મળીને આવેદનપત્ર સુપરત કર્યું હતું.
ખુલ્લેઆમ ચાલતા દારૂ, ગાંજો, જુગાર જેવા દૂષણો તાત્કાલિક બંધ કરાવવા રજૂઆત આવેદનપત્રમાં મુખ્યત્વે ત્રણ માંગણીઓ કરવામાં આવી હતી કે વરાછા રોડ પર આવેલા પોદાર આર્કેડથી નવજીવન સુધીના બ્રિજની નીચે ખુલ્લેઆમ ચાલતા દારૂ, ગાંજો અને જુગાર જેવા તમામ દૂષણો તાત્કાલિક ધોરણે બંધ કરાવવા. બ્રિજની નીચે મોટા પ્રમાણમાં થયેલા ગેરકાયદેસર દબાણોને તાત્કાલિક હટાવવા અને વેસુ વિસ્તાર કે શહેરના અન્ય પોશ વિસ્તારોની જેમ આ બ્રિજને પણ સુશોભિત કરવામાં આવે, જેથી અહીં અસામાજિક તત્વોનો જમાવડો ન થાય.
યુવાનોની ઝૂંબેશને 10થી વધુ સામાજિક સંસ્થાઓનું સમર્થન યુવાનો દ્વારા શરૂ કરાયેલી આ સકારાત્મક મુહિમને વરાછા વિસ્તારની 10થી વધુ સામાજિક સંસ્થાઓએ પોતાનું સમર્થન જાહેર કર્યું છે. આ સંસ્થાઓ પોતાના સત્તાવાર લેટરપેડ સાથે આ અભિયાનમાં જોડાઈ છે, જે સાબિત કરે છે કે સ્થાનિક નાગરિકોમાં આ દૂષણો પ્રત્યે કેટલો રોષ અને જાગૃતિ છે. જાગૃત નાગરિકોની આ પહેલથી સ્થાનિક પ્રશાસન પર દબાણ વધ્યું છે. શહેરીજનો આશા રાખી રહ્યા છે કે મેયર અને પોલીસ કમિશનર આ ગંભીર મામલાને ધ્યાને લઈને તાત્કાલિક અને કડક કાર્યવાહી કરશે, જેથી સુરતના બાળકો અને યુવાનોને નશાના ભરડામાંથી બચાવી શકાય.
બ્રિજ નીચેના દબાણ દૂર થાય, દૂષણો દૂર થાય: વિશાલ વસોયા અભિયાન સાથે જોડાયેલા વિશાલ વસોયાએ જણાવ્યું હતું કે, વરાછાના જાગૃત યુવાઓ દ્વારા સરથાણા બ્રિજની નીચે જે દૂષણો ચાલી રહ્યા છે, એ દૂષણોને ડામવા માટે એક મુહિમ શરૂ કરી છે કે બ્રિજની નીચે જુગાર, દારૂ, ગાંજો ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે. એટલું જ નહીં, માત્ર 10 વર્ષનો છોકરો ગાંજો વેચી રહ્યો છે અને એ ખુલ્લેઆમ અને ધોળા દિવસે. આ પુલની નીચે અનેક દૂષણો છે. વાહનો પાર્કિંગ કરેલા છે, આખા બ્રિજને દબાવેલો છે. તો આ દબાણ દૂર થાય, આ દૂષણો દૂર થાય.
10-10 વર્ષના છોકરા ગાંજો વેચી રહ્યા છે આ વરાછાના જે જાગૃત નાગરિકો છે, કે જેમને આ વિચાર આવ્યો છે કે આખા પુલને આપણે સ્વચ્છ બનાવીએ, સુંદર બનાવીએ અને જેવી રીતે વેસુ વિસ્તારની અંદર સરસ મજાનું બ્યુટીફિકેશન થયું છે, એવું જ આ સરથાણાના વરાછાના બ્રિજની નીચે થાય. વીડિયોમાં જોયું કે કેવી રીતે સરથાણા બ્રિજની નીચે ખુલ્લેઆમ જુગાર ચાલે છે, ખુલ્લેઆમ ડ્રગ્સ અને ખુલ્લેઆમ ગાંજો વેચાઈ રહ્યો છે. 10-10 વર્ષના છોકરા ગાંજો વેચી રહ્યા છે.
નશાના કારોબારની અનેક ઘટનાઓ સામે આવી પોદારથી લઈને સરથાણા સુધીના બ્રિજની નીચે નશાનો કારોબાર ચાલતો હોવાની પહેલા પણ ઘટનાઓ સામે આવી ચૂકી છે. થોડા સમય પહેલા જ કાપોદ્રા પોલીસ દ્વારા બ્રિજના 20 ફૂટ ઉપર પીલર પર સંતાડવામાં આવેલો ગાંજો પણ ઝડપી પાડવામાં આવ્યો હતો.
