એરપોર્ટમાં નોકરીના નામે 200 વિદ્યાર્થી પાસેથી લાખો રૂપિયા ઉઘરાવી વેઇટરની ઓફર કરી ઠગાઇ
શહેરના કેકેવી ચોક પાસે આવેલી ફ્રેન્કફીન ઇન્સ્ટિટ્યૂટના સંચાલકોએ એરપોર્ટમાં નોકરી આપવાના નામે 200થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીઓને એડમિશન આપી લાખો રૂપિયા ઉસેડી લીધા હતા અને બાદમાં એરપોર્ટને બદલે હોટેલમાં વેઇટર તરીકે નોકરી ઓફર કરી ઠગાઇ કરી હતી. વિદ્યાર્થીઓએ પોલીસ કમિશનર કચેરીમાં રજૂઆત કરી જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી હતી.
શહેર પોલીસ કમિશનર કચેરીએ સોમવારે અંકિત, જીગર સોલંકી સહિતના પચ્ચાસ જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવ્યું હતું. વિદ્યાર્થીઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, શહેરના કેકેવી ચોક પાસે આવેલી ફ્રેન્કફીન ઇન્સ્ટિટ્યૂટના સંચાલક શિવરાજ ઝાલાએ પોતાના ક્લાસીસની જાહેરાત કરી હતી અને તે જાહેરાત પરથી વિદ્યાર્થીઓ તેમને મળતાં હતા. સંચાલક શિવરાજ ઝાલા કહેતો હતો કે, ધોરણ 12 પાસને સંસ્થામાં એડમિશન આપવામાં આવતું હતું અને 11 માસનો અભ્યાસક્રમ પૂરો થયા બાદ દરેક વિદ્યાર્થીને એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફ તેમજ કેબિન ક્રૂ તરીકેની નોકરી મળશે, સંચાલકોની આ વાતમાં આવીને કારકિર્દી બનાવવા 200થી વધુ વિદ્યાર્થીઓએ રૂ.1 લાખથી માંડી રૂ.1.50 લાખ સુધીની ફી ભરીને કોર્સ કર્યો હતો.
અભ્યાસક્રમ પૂરો થયા બાદ વિદ્યાર્થીઓને હોટેલમાં વેઇટર તરીકે નોકરી ઓફર કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ એરપોર્ટની વાત હોવાનું કહેતા શિવરાજ ઝાલાએ કહ્યું હતું કે, એરપોર્ટ માટે ગ્રેજ્યુએટ હોવા જોઇએ, આમ સંચાલકે પોતાની વાત ફેરવી તોળી વિશ્વાસઘાત કર્યો હતો અને વિદ્યાર્થી પાસેથી લાખો રૂપિયા ઉસેડી લીધા હતા. વિદ્યાર્થીઓએ ઠગાઇ કરનાર સામે ગુનો નોંધી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જો આ કેસમાં ઊંડી તપાસ કરવામાં આવે તો છેતરપિંડીનો ભોગ બનનારનો આંક ઊંચો જાય તેમ છે.