નેશનલ હેરાલ્ડ કેસ પર નિર્ણય ત્રીજી વાર ટળ્યો:આરોપીઓમાં રાહુલ-સોનિયાના નામ; 16 ડિસેમ્બરે ચુકાદો સંભળાવશે
રાહુલ-સોનિયા પર EDના 2 આરોપ
- સોનિયા અને રાહુલ ગાંધીએ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) હડપવાનો પ્રયાસ કર્યો. ED મુજબ, AJL ખોટમાં હતી. બે હજાર કરોડ રૂપિયાની સંપત્તિ હોવા છતાં, AJL એ કોંગ્રેસ પાસેથી 90 કરોડ રૂપિયાની લોન લીધી અને ચૂકવી શકી નહીં. સામાન્ય રીતે આવી સ્થિતિમાં સંપત્તિઓ વેચવામાં આવે છે.
- આ પછી, સોનિયા અને રાહુલે AJL હડપવાનું કાવતરું ઘડ્યું. આ માટે યંગ ઇન્ડિયન (YI) નામની કંપની બનાવવામાં આવી. આ કંપનીએ AJL નું અધિગ્રહણ કર્યું. YI માં સોનિયા અને રાહુલનો 76% હિસ્સો છે. આરોપ છે કે આ દેખાડવા પૂરતી ફંડિંગ હતી. ખરેખરમાં AJL સાથે કોઈ લેણદેણ કરવામાં આવી ન હતી.
એપ્રિલમાં EDએ ₹661 કરોડની સંપત્તિઓ જપ્ત કરવાની નોટિસ જારી કરી હતી
EDએ એપ્રિલમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે 661 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિઓ કબજે કરવા માટે નોટિસ જારી કરી છે. ED એ PMLA એક્ટની કલમ 8 અને નિયમ 5(1) અનુસાર સંબંધિત સંપત્તિ રજિસ્ટ્રારને દસ્તાવેજો સુપરત કર્યા હતા. EDએ કબજે કરવામાં આવનાર સંપત્તિઓ ખાલી કરવાની માંગ કરી હતી.
આ સ્થાવર મિલકતો ઉપરાંત, EDએ નવેમ્બર 2023માં ગુનાની આવકને સુરક્ષિત કરવા અને આરોપીને તેને નષ્ટ કરતા રોકવા માટે AJLના 90.2 કરોડ રૂપિયાના શેરને ટાંચમાં લીધા હતા.
EDએ મુંબઈના બાંદ્રામાં હેરાલ્ડ હાઉસના 7મા, 8મા અને 9મા માળે આવેલા જિંદાલ સાઉથ વેસ્ટ પ્રોજેક્ટ્સ લિમિટેડને પણ નોટિસ આપી હતી કે તે દર મહિને ભાડું EDના નિર્દેશકના પક્ષમાં ટ્રાન્સફર કરે.
સોનિયા-રાહુલની કલાકો સુધી પૂછપરછ થઈ હતી
જૂન 2022માં નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની 5 દિવસમાં 50 કલાક પૂછપરછ થઈ હતી. પછી 21 જુલાઈ 2022 ના રોજ નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધીને 3 દિવસમાં 12 કલાક સવાલો પૂછવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમને 100થી વધુ સવાલો પૂછવામાં આવ્યા હતા. EDએ રાહુલ ગાંધીની પણ જૂનમાં પાંચ દિવસમાં 50 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી.
નેશનલ હેરાલ્ડ કેસ શું છે?
BJP નેતા સુબ્રમણ્યમ સ્વામીએ 2012માં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં એક અરજી કરીને સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસના જ મોતીલાલ વોરા, ઓસ્કર ફર્નાન્ડિઝ, સેમ પિત્રોડા અને સુમન દુબે પર ખોટમાં ચાલી રહેલા નેશનલ હેરાલ્ડ અખબારને છેતરપિંડી અને પૈસાની હેરાફેરી દ્વારા હડપવાનો આરોપ લગાવ્યો હતો.
આરોપ મુજબ, કોંગ્રેસી નેતાઓએ નેશનલ હેરાલ્ડની સંપત્તિઓ પર કબજો કરવા માટે યંગ ઇન્ડિયન લિમિટેડ ઓર્ગેનાઇઝેશન બનાવ્યું અને તેના દ્વારા નેશનલ હેરાલ્ડનું પ્રકાશન કરતી એસોસિએટેડ જર્નલ લિમિટેડ (AJL)નું ગેરકાયદેસર અધિગ્રહણ કરી લીધું.
સ્વામીનો આરોપ હતો કે આવું દિલ્હીના બહાદુર શાહ ઝફર માર્ગ પર આવેલ હેરાલ્ડ હાઉસની 2000 કરોડ રૂપિયાની બિલ્ડિંગ પર કબજો કરવા માટે કરવામાં આવ્યું હતું.
સ્વામીએ 2000 કરોડ રૂપિયાની કંપનીને ફક્ત 50 લાખ રૂપિયામાં ખરીદવાને લઈને સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત કેસ સાથે સંકળાયેલા કોંગ્રેસના અન્ય વરિષ્ઠ નેતાઓ વિરુદ્ધ ફોજદારી કેસ ચલાવવાની માંગ કરી હતી.
