Loading...

ફાઇનલી! ગુજરાતમાં બનેલી 'ઇ-વિટારા'નું આજે લોન્ચિંગ:મારુતિની પહેલી EV કાર, ફુલ ચાર્જમાં અમદાવાદથી મુંબઈ સુધી દોડશે; બહુચરાજીથી કાર વિદેશોમાં જશે

ગુજરાતમાં બની છે ઇ-વિટારા! કંપનીએ EVને આ વર્ષે જાન્યુઆરીમાં યોજાયેલા ભારત ગ્લોબલ મોબિલિટી એક્સપો-2025માં રજૂ કરી હતી. આ પહેલાં મારુતિની પેરન્ટ કંપની સુઝુકી મોટર કોર્પોરેશને ગયા વર્ષે ઓક્ટોબરમાં ઇટાલીના મિલાનમાં યોજાયેલા મોટર શો EICMA-2024માં ઈ-વિટારાને ગ્લોબલ માર્કેટમાં રજૂ કરી હતી. મિડ-સાઇઝ ઇલેક્ટ્રિક SUV EVXનું પ્રોડક્શન વર્ઝન છે, જેને પહેલીવાર ઓટો એક્સપો-2023માં રજૂ કરવામાં આવ્યું હતું.

કંપનીએ તાજેતરમાં જ ગુજરાતના હાંસલપુર પ્લાન્ટમાં આ કારનું ઉત્પાદન શરૂ કર્યું છે, જે 100થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26 ઓગસ્ટ 2025ના રોજ ઈ-વિટારાને નિકાસ (એક્સપોર્ટ) માટે ફ્લેગ-ઓફ કરી હતી. આ સંપૂર્ણપણે મેડ-ઇન-ઇન્ડિયા ઇલેક્ટ્રિક કાર છે. ભારતમાં બનેલી મારુતિ સુઝુકીની આ પહેલી ઈલેક્ટ્રિક કાર છે. ઓટોમોબાઇલ હબ બનવા તરફ આ ગુજરાતનું સૌથી મોટું પગલું છે.

20 લાખ રૂપિયાથી શરૂ થઈ શકે છે કિંમત મારુતિ ઈ-વિટારાના 49kWh બેટરી પેકવાળા બેઝ મોડલની કિંમત 20 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) રાખવામાં આવી શકે છે. જ્યારે હાઈ પાવરવાળી મોટર સાથે 61kWh બેટરી પેકવાળા મોડલની કિંમત 25 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) હોઈ શકે છે. આ ઉપરાંત ઇ-ઓલગ્રિપ AWD વર્ઝનની કિંમત 30 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) હોઈ શકે છે. ભારતીય બજારમાં ઈ-વિટારા ઇલેક્ટ્રિક SUVનો મુકાબલો 'MG ZS EV', 'ટાટા કર્વ EV', 'હ્યુન્ડાઈ ક્રેટા EV' અને 'મહિન્દ્રા BE 6' સાથે રહેશે.

એક્સટીરિયર : LED હેડલેમ્પ અને 19-ઇંચ બ્લેક વ્હીલ

સુઝુકી ઈ-વિટારાને નવા હાર્ટેક્ટ-ઈ પ્લેટફોર્મ પર વિકસાવવામાં આવી છે, જેને કંપનીએ ટોયોટા સાથે મળીને બનાવ્યું છે. સુઝુકી ઈ-વિટારાની એક્સટીરિયર ડિઝાઇન EVX કોન્સેપ્ટ મોડલ જેવી જ છે. એના ફ્રન્ટમાં પાતળી LED હેડલાઇટ અને વાય-શેપ્ડ LED DRL અને સ્ટાઇલિશ બમ્પર સાથે ઇન્ટિગ્રેટેડ ફોગ લાઇટ આપવામાં આવી છે.

બોડી ક્લેડિંગ અને 19-ઇંચ બ્લેક વ્હીલ સાથે મિડ સાઇઝ SUV બાજુથી ઘણી મસ્ક્યુલર દેખાય છે. પાછળના ગેટ પર ડોર હેન્ડલને સી-પિલર પર આપવામાં આવ્યું છે. આ ઉપરાંત છત પર એક ઇલેક્ટ્રિક સનરૂફ પણ છે. ઈ-વિટારાના રિયરમાં કોન્સેપ્ટ વર્ઝન જેવી જ 3-પીસ લાઇટિંગ એલિમેન્ટવાળી કનેક્ટેડ LED ટેલ લાઇટ આપવામાં આવી છે.

ઇન્ટીરિયર : 6 એરબેગ સ્ટાન્ડર્ડ અને ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક મળશે

ઈ-વિટારામાં ડ્યુઅલ-ટોન બ્લેક અને ઓરેન્જ કેબિન આપવામાં આવી છે. એમાં 2-સ્પોક ફ્લેટ બોટમ સ્ટીયરિંગ વ્હીલ અને વર્ટિકલ ઓરિએન્ટેડ AC વેન્ટ્સની આસપાસ ક્રોમ ટચ આપવામાં આવ્યો છે. એની કેબિનની મુખ્ય હાઇલાઇટ ઇન્ટિગ્રેટેડ ફ્લોટિંગ સ્ક્રીન સેટઅપ આપવામાં આવ્યું છે, જેમાં એક ઇન્ફોટેનમેન્ટ અને બીજી ડ્રાઇવર ડિસ્પ્લે છે.

સુઝુકીએ ઈ-વિટારાના ફીચર્સનો ખુલાસો કર્યો નથી, પરંતુ એવી અપેક્ષા છે કે મારુતિની ઇલેક્ટ્રિક કારમાં ઓટોમેટિક AC, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ અને વાયરલેસ ફોન ચાર્જર જેવા ફીચર્સ આપવામાં આવી શકે છે. જ્યારે સુરક્ષા માટે તેમાં 6 એરબેગ સ્ટાન્ડર્ડ, 360 ડિગ્રી કેમેરા અને ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક જેવાં સેફ્ટી ફીચર્સ મળશે.

બેટરી પેક અને રેન્જ

યુરોપિયન માર્કેટમાં ઈ-વિટારાને બે બેટરી પેક વિકલ્પ સાથે રજૂ કરવામાં આવી છે. એમાં 49kWh અને 61kWh બેટરી પેક વિકલ્પોનો સમાવેશ થાય છે. કંપનીએ હજુ સુધી ઈ-વિટારાની સર્ટિફાઈડ રેન્જનો ખુલાસો કર્યો નથી, પરંતુ એવી અપેક્ષા છે કે એની ફુલ ચાર્જમાં રેન્જ 500 કિલોમીટર સુધી હોઈ શકે છે. કારમાં 2 વ્હીલ ડ્રાઈવ અને 4 વ્હીલ ડ્રાઈવનો વિકલ્પ પણ આપવામાં આવશે.

Image Gallery