સુસાઇડ પોઇન્ટ તરીકે કુખ્યાત ગંભીરા બ્રિજના બે કટકા, 3નાં મોત:મહીમાં 4 વાહન પડ્યાં
મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે (9 જુલાઈ) વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી બે ટ્રક, એક બોલેરો જીપ સહિત ચાર વાહનો બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા. જેમાં બે વ્યક્તિઓના મોત થયા છે. જ્યારે 8 લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા છે. આ ઘટના બનતા મુજપુર સહિત આસપાસના ગામના લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા. તે સાથે પાદરા પોલીસે પણ ઘટનાસ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે સુસાઇડ પોઇન્ટ તરીકે કુખ્યાત આ બ્રિજ તૂટતા આણંદથી વડોદરા,ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે.
છેલ્લા ઘણા વર્ષથી જર્જરિત ગંભીરા બ્રિજ તૂટ્યો હોવાની જાણ મુજપુર ગામના લોકોને થતા જ લોકો બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મહીસાગર નદીમાં પડેલા વાહનોમાંથી બહાર નીકળીને વહેતા પાણીમાં તરફડીયા મારતા ત્રણ લોકોને બચાવી લીધા હતા.