Loading...

છેલ્લા 24 કલાકમાં 126 તાલુકાઓમાં વરસાદ:નવસારી, ડાંગ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા 14 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે.જેમાં આજે અને આવતીકાલે બે દિવસ છૂટોછવાયો વરસાદ રહેશે. હાલ રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. આજે 6 જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. અન્ય ઝોનમાં વરસાદની કોઈ આગાહી અપાઈ નથી. જ્યારે 10 જુલાઈના રોજ માત્ર નવસારી અને વલસાડમાં જ વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા આગામી એક વાગ્યા સુધી નવસારી, ડાંગ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

સૌથી વધુ કુકરમુંડામાં ખાબક્યો 

છેલ્લા 24 કલાકમાં એટલે કે મંગળવાર સવારે 6 વાગ્યાથી બુધવારે સવારે 6 વાગ્યા સુધી રાજ્યના 126 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપીના કુકરમુંડામાં 5.40 ઇંચ, નિઝરમાં 2.5 ઇંચ અને સુરતના ઉમરપાડામાં 1.57 ઇંચ વરસાદ નોંધાયો છે.

3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના 

હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. જ્યારે 40થી 50 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

રાજ્યમાં જૂન મહિનામાં 110 મિમીની જરૂરિયાત સામે 288 મિમી વરસાદ 

સામાન્ય રીતે ગુજરાતમાં જૂન મહિનામાં સરેરાશ 110.8 મિમી (4.43 ઇંચ) વરસાદની જરૂરિયાત હોય છે. એની સામે 288.7 મિમી (11.55 ઇંચ) વરસાદ મળ્યો છે. જરૂરિયાત કરતાં 161% વધુ વરસાદે 44 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. 125 વર્ષના ઇતિહાસમાં જૂન મહિનામાં સૌથી વધુ 298.3 મિમી (11.93 ઇંચ) વરસાદ 1980 માં નોંધાયો હતો, એટલે કે આ વખતે 44 વર્ષ બાદ સૌથી વધુ વરસાદ સાથે 125 વર્ષનો બીજો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ બન્યો છે. 2024માં જૂનમાં રાજ્યમાં મેઘરાજાની 9 દિવસની હાજરી સામે ચાલુ સિઝનમાં જૂનના 16 દિવસની હાજરી આપી છે. રાજ્યના 5 ઝોનમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 19 દિવસ અને કચ્છમાં સૌથી ઓછા 8 દિવસ મેઘરાજા વરસ્યા છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે જે દિવસે 2.5 મિમી કે તેથી વધુ વરસાદ વરસે એને વરસાદનો 1 દિવસ ગણવામાં આવે છે.

રાજ્યના 5 ઝોનમાં સિઝનના વરસાદની સ્થિતિ

  • કચ્છ : મેઘરાજાએ સૌથી ઓછા 8 દિવસની હાજરી આપી છે. જૂનમાં 50.1 મિમી (2 ઇંચ) વરસાદની જરૂરિયાત સામે 142.3 મિમી (5.69 ઇંચ) વરસાદ મળ્યો છે. જરૂરિયાત કરતાં 184% વધુ વરસાદ રહ્યો છે.
  • ઉત્તર ગુજરાત : મેઘરાજાએ 15 દિવસની હાજરી આપી છે. જૂનમાં 80.2 મિમી (3.21 ઇંચ)ની જરૂરિયાત સામે 178 મિમી (7.12 ઇંચ) વરસાદ મળ્યો છે. જરૂરિયાત કરતાં 122% વધુ વરસાદ છે.
  • મધ્ય-પૂર્વ ગુજરાત : મેઘરાજાએ 17 દિવસની હાજરી આપી છે. જૂન સુધીમાં 113 મિમી (4.52 ઇંચ)ની જરૂરિયાત સામે 278.9 મિમી (11.16 ઇંચ) વરસાદ મળ્યો છે. જરૂરિયાત કરતાં 147% વધુ વરસાદ રહ્યો છે.
  • સૌરાષ્ટ્ર : મેઘરાજાએ 11 દિવસની હાજરી આપી છે. જૂનમાં 127.7 મિમી (5.12 ઇંચ)ની જરૂરિયાત સામે 245.1 મિમી (9.80 ઇંચ) વરસાદ થયો છે.
  • દક્ષિણ ગુજરાત : મેઘરાજાએ સૌથી વધુ 19 દિવસની હાજરી આપી. જૂનમાં 253.4 મિમીની જરૂરિયાત સામે 532.5 મિમી (21.3 ઇંચ) વરસાદ મળ્યો છે.

ગુજરાતમાં જુલાઈમાં પણ સામાન્યથી વધુ વરસાદની શક્યતા 

ભારતીય હવામાન વિભાગે સોમવારે રજૂ કરેલા જુલાઇ મહિનાના પૂર્વાનુમાન મુજબ, દેશમાં 106%થી વધુ વરસાદની શક્યતા છે. ગુજરાતમાં જુલાઇનું પૂર્વાનુમાન જોઇ રાજ્યના બાકીના વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે, એટલે કે મોટા ભાગના વિસ્તારોમાં સારા વરસાદના સંકેતો છે.

રાજ્યના 5 ઝોનનું પૂર્વાનુમાન કચ્છ : 
આગામી 10 જુલાઇ સુધી સામાન્યથી વધુ સારા વરસાદની શક્યતા છે. 10થી 17 જુલાઇની વચ્ચે વરસાદનું જોર સામાન્ય ઘટી શકે છે. 
ઉત્તર ગુજરાત : અરવલ્લીમાં વરસાદનું જોર વધુ રહી શકે છે. પાટણ અને બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ વિસ્તારોમાં વરસાદ નબળો રહી શકે છે. 
મધ્ય-પૂર્વ ગુજરાત : મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં વરસાદનું જોર વધુ રહી શકે છે. અમદાવાદ, ખેડા અને આણંદમાં સામાન્ય વરસાદની શક્યતા છે. 
સૌરાષ્ટ્ર : સૌરાષ્ટ્રમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે. દ્વારકા, પોરબંદર, જામનગર અને રાજકોટ જિલ્લામાં વરસાદનું જોર વધુ રહી શકે છે, જોકે દરિયાકાંઠાની નજીકના વિસ્તારોમાં 10 જુલાઇ બાદ વરસાદનું જોર ઘટી શકે છે. 
દક્ષિણ ગુજરાત : આગામી 17 જુલાઇ સુધી દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે. 18 જુલાઇ બાદ દ. ગુજરાતમાં વરસાદનું જોર ઘટી શકે છે. બીજા પખવાડિયાથી ઓછા વરસાદની શક્યતા છે.