ઓવરલોડથી પિલ્લર પર તિરાડ પડી ને બ્રિજનો ભાગ બેસી ગયો:4 મહિના પહેલાં બ્રિજનું ઇન્સ્પેક્શન થયું; રિપોર્ટ બાદ ગાંધી-સરદાર બ્રિજનું રિપેરિંગ કરાયું પણ સુભાષબ્રિજનું નહીં
વધારે પડતા લોડથી પિલ્લર પર તિરાડ પડી ને બ્રિજનો આગળનો ભાગ બેસી ગયો
સુભાષબ્રિજનો ભાગ બેસી જવા પાછળનું કારણ બ્રિજ પર લોડ વધારે પડતો થયો હોવાનું જાણવા મળ્યું છે. લોડ વધારે થતાં બ્રિજ પર જે પિલ્લર આવેલા છે તેના ઉપર જ તિરાડ પડી છે. તિરાડ પડવાથી આગળનો ભાગ બેસી ગયો છે. બ્રિજ બેસી જવાનું એક કારણ પણ તિરાડ હોવાનું જણાયું છે. બ્રિજનો ભાગ તિરાડ બાદ બેસી ગયો છે.
ઇન્સ્પેક્શન બાદ ગાંધીબ્રિજ-સરદારબ્રિજનું રીપેરીંગ કરાયું, પણ સુભાષબ્રિજનું રીપેરીંગ કરાયું નહીં
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ગાંધીબ્રિજ અને સરદારબ્રિજની બેરિંગ રીપેરીંગ કરવાની જરૂરિયાત હોવા અંગેનું ઇન્સ્પેક્શન સામે આવ્યું હતું. જેના પગલે ગાંધીબ્રિજ અને સરદારબ્રિજનું રીપેરીંગ કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. સુભાષબ્રિજનું રીપેરીંગ કામ કરવામાં આવ્યું નહોતું. બ્રિજનું રીપેરીંગ કામ કરવું પડે તેવી સ્થિતિ હોવાનો પણ રિપોર્ટ આપવામાં આવ્યો હતો.
ચાર મહિના પહેલા જ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું
અમદાવાદના તમામ બ્રિજનું ઇન્સ્પેકક્શન ચોમાસા પહેલા અને પછી કરવામાં આવે છે. સામાન્ય રીતે ચોમાસું 15 જૂનથી શરૂ થતું હોવાની ગણતરી કરવામાં આવતી હોય છે ત્યારે ચોમાસા પહેલા બ્રિજ ઇન્સ્પેક્શન મે અને જૂન મહિનામાં કરવાનું હોય તેની જગ્યાએ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં કરવામાં આવ્યું છે. બ્રિજનું ઇન્સ્પેક્શન કર્યા બાદ તેનું માઇનોર રીપેરીંગ કરવા અંગેનું પણ કન્સલ્ટન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું. પરંતુ 4 મહિના સુધી સુભાષબ્રિજ પર રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યું નહીં. ચાર મહિના પહેલા જ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું.
ચોમાસા પહેલાં ઈન્સ્પેક્શન થયું, ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યો હતો
સુભાષબ્રિજનું ચોમાસા પહેલાં ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. ચોમાસા બાદ કોઈપણ ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું નથી. ચોમાસા પહેલા પંકજ એમ પટેલ નામના બ્રિજ કન્સલ્ટન્ટ દ્વારા ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. બ્રિજ કન્સલ્ટન્ટ દ્વારા ચોમાસા પહેલાં કરવામાં આવેલા ઈન્સ્પેક્શનમાં બ્રિજમાં માઇનોર રિપેરીંગ કરવાનું અને બ્રિજને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવા માટે કહેવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
ગઈકાલે ઇન્સ્પેક્શન દરમિયાન જ તિરાડ-સ્પાનમાં ખામી મળતા બ્રિજ બંધ કરાયો: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન
સુભાષ બ્રિજ પરનો સ્પાનનો ભાગ બેસી જવા મુદ્દે AMCના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં આવેલા તમામ બ્રિજોની તપાસ કંપનીઓને સોંપવામાં આવી હતી. ગઈકાલે સુભાષ બ્રિજનું ઇન્સ્પેક્શન ચાલતું હતું. જે દરમિયાન તિરાડ જોવા મળી હતી અને સ્પાનની અંદર પણ ખામી જોવા મળતા તરત જ બ્રિજ 5 દિવસ માટે બંધ કરવામાં આવ્યો. અત્યારે તપાસ ચાલી રહી છે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ તારણ સામે આવશે. આગામી કેટલા સમય માટે બંધ કરવો કે ન કરવો તેને લઈને નિર્ણય કરવામાં આવશે. રિપોર્ટ આવ્યા બાદ જ આગામી નિર્ણય લેવામાં આવશે. મોટી ઘટના ન બને તે માટે સુભાષ બ્રિજને બંધ કરવામાં આવ્યો છે. અલગ અલગ કંપનીઓ અત્યારે તપાસ કરી રહી છે. લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે ટ્રાફિક પોલીસ સાથે ચર્ચા કરી વધારાનો ફોર્સ તૈનાત કરવામાં આવશે. અગાઉ કયા પ્રકારની તપાસ કરવામાં આવી હતી તેનું પણ તારણ નીકળવામાં આવશે. તપાસ થયા બાદ પણ શા માટે આ ખામી ઉદભવી તેની પણ ચકાસણી કરવામાં આવશે. તપાસ દરમિયાન ખામી સામે આવશે તો દંડ પણ કરવામાં આવશે. ઇન્સ્પેક્શન દરમિયાન જ ખામી હોવાનું સામે આવ્યું હતું.
