માછીમારનું તેની જ જાળમાં ફસાતાં મોત:વેરાવળ પાસે ફિશિંગ બોટ પલટી, 1નું મોત, 3નો બચાવ; જાળમાં અતિશય માછલી ફસાતાં ઓવરલોડને કારણે દુર્ઘટના ઘટી
આશરે 2 નોટિકલ માઈલ દૂર સમુદ્રમાં બોટ અકસ્માતનો ભોગ બની આ દુર્ઘટના ગુરુવાર, 4 ડિસેમ્બરના રોજ સાંજે આશરે 7:30 વાગ્યાના સુમારે બની હતી. વેરાવળ જાલેશ્વરથી આશરે 2 નોટિકલ માઈલ દૂર સમુદ્રમાં મુકેશ કિશન વણિકની માલિકીની “શ્રી ભવાની કૃપા” (IND–GJ–32–MM–265) નામની બોટ અકસ્માતનો ભોગ બની હતી.
બચી ગયેલા માછીમાર
1. અજય કિશન વણિક
2. રાકેશ કિશન વણિક
3. મહેશ નાથાલાલ ફોફંડી
અતિશય પ્રમાણમાં માછલી ફસાતાં બોટ પલટી વેરાવળ માછીમાર બોટ એસોસિયેશનના પ્રમુખ તુલસી ગોહેલે આપેલી માહિતી મુજબ, આ બોટ બુધવારે (3 ડિસેમ્બર) માછીમારી માટે રવાના થઈ હતી. ગુરુવારે સાંજે માછીમારી પૂર્ણ કરી પરત ફરતી વખતે વેરાવળ જાલેશ્વર નજીક છેલ્લીવાર જાળ નાખવામાં આવી હતી. આ જાળમાં અતિશય પ્રમાણમાં માછલીઓ ફસાતાં બોટ પર ભારે ઓવરલોડ આવ્યો હતો.
જાળ ખેંચતાં જ ફિશિંગ બોટ ઊંધી વળી જાળ પાછી ખેંચવામાં આવી રહી હતી ત્યારે માછલીના અસામાન્ય વજનને કારણે બોટ એક તરફ વધુપડતી ઝૂકી ગઈ હતી. જોતજોતાંમાં બોટ સંપૂર્ણપણે પલટી મારી ગઈ, જેના કારણે બોટમાં સવાર ચાર માછીમાર દરિયામાં પટકાયા હતા.
ત્રણ ખલાસીને સુરક્ષિત રીતે બચાવી લેવામાં સફળતા મળી દુર્ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારોમાં માછીમારી કરી રહેલી અન્ય બોટોના માછીમારોએ તાત્કાલિક બચાવ કામગીરી (Rescue Operation) હાથ ધરી હતી. આ ઝડપી કાર્યવાહીમાં ત્રણ ખલાસીને સુરક્ષિત રીતે બચાવી લેવામાં સફળતા મળી હતી.
માછીમાર સમુદાયમાં શોકનો માહોલ છવાયો જોકે,બોટમાં સવાર અરવિંદ ભારાવાલા ડૂબી જવાથી તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. મૃતકના પરિવાર અને માછીમાર સમુદાયમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ ગંભીર દરિયાઈ દુર્ઘટનાના પગલે માછીમાર સમુદાયમાં સલામતીના પ્રશ્નો ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
