રાજ્યમાં 106 ફ્લાઇટ કેન્સલ, અન્ય એરલાઈન્સના ભાડા બમણાં:'ઇન્ડિગો ચોર હૈ, મુર્દાબાદ’ના નારા લાગ્યા, એક કપલનો હનીમૂનનો પ્લાન કેન્સલ; લગેજ માટે પડાપડી
વડોદરાથી ઉડાન ભરતી ઈન્ડિગોની 9 ફ્લાઈટ રદ વડોદરાથી મુંબઈ, દિલ્હી, પુણે અને ગોવા જતી ઈન્ડિગોની નવ ફ્લાઈટ રદ કરવામાં આવી છે. ગઈકાલે પણ 2 ફ્લાઇટ રદ કરાઈ હતી અને 2 ફ્લાઇટ મોડી પડી હતી. ફ્લાઇટ રદ થતાં મુસાફરો અટવાઈ ગયા છે. બીજી તરફ વડોદરા એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોને સુવિધા આપવા માટે એર ઇન્ડિયા આજે અને કાલે દિલ્હી-વડોદરા-દિલ્હી સેક્ટર પર વધારાની બે ફ્લાઇટ્સનું સંચાલન કરી રહી છે. આજની એર ઇન્ડિયાની ફ્લાઇટ દિલ્હીથી વડોદરા 13:45 વાગ્યે પહોંચશે અને 15:05 વાગ્યે વડોદરાથી દિલ્હી માટે રવાના થશે.
વડોદરા એરપોર્ટ પર પચેલા મુસાફરે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, કંપનીએ હાથ ઊંચાકરી દીધા છે. કંપનીની પોલિસી ફક્ત પ્રોફિટ છે, પેસેન્જર તમારા માટે કોઈ મહત્વના નથી. તમારે જ પ્રોફિટ કમાવો છે, પેસેન્જર બિચારા ઝાડ ઉપરથી તોડીને પૈસા લાવે છે.
મારા દીકરાનો હનીમૂનનો પ્લાન કેન્સલ કરવો પડ્યોઃ પદ્મકાન્તભાઈ વડોદરા એરપોર્ટ પર આવેલા પદ્મકાન્તભાઈ શાહે જણાવ્યું હતું કે, મારા દીકરા અને તેની પુત્રવધુને હનિમૂન માટે ગોવા જવાનું હતું, જેથી હું વડોદરા એરપોર્ટ આવ્યો હતો. અહીંથી મને કહેવામાં આવ્યું હતું કે, અમદાવાદથી તમારી ટિકિટ કન્ફર્મ છે, તમે અમદાવાદ જાઓ, જેથી હું મારા પરિવાર સાથે અમદાવાદ એરપોર્ટ ગયો હતો, જ્યાં અમને કહેવામાં આવ્યું હતું કે, ફ્લાઇટ રાત્રે એક વાગે ઉપડશે. પછી અમને કહેવાયુ કે, ફ્લાઈટ સવારે ચાર વાગે ઉપડશે. પછી કહ્યું કે, ફ્લાઈટ આઠ વાગે ઉપડશે. પછી સવારે 9:15 વાગેનો ટાઈમ આપ્યો, પછી છેલ્લી ઘડીએ કહ્યું કે, ફ્લાઈટ કેન્સલ થઈ ગઈ છે.
અહીં કોઈ જવાબ આપતું નથી, ખબર નહિ આપણે ક્યાં જીવી રહ્યા છીએઃ ઝાકીર હુસૈન અન્ય મુસાફર ઝાકીર હુસૈનએ જણાવ્યું કે, આવતીકાલે મારી મુંબઈથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે. આજે indigoની ઘણી બધી ફ્લાઇટ રદ થવાથી મેં indigoનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સંપર્ક થઈ શક્યો નહોતો. મારે આવતીકાલે સાઉદી અરેબિયા જવાનું છે, જેના માટે આજે મુંબઈ પહોંચવું જરૂરી છે. હું ત્યાં નોકરી કરું છું, તેથી મારે સમયસર પહોંચવું જરૂરી છે. હવે ટિકિટ ન મળતા મારો એક દિવસ ખરાબ થશે અને મને ઇન્ટરનેશનલ ટ્રાવેલ માટે બીજી ટિકિટ કરાવી પડશે, તેના ચાર ગણા રૂપિયા ચૂકવવા પડશે અને જેના માટે એક લાખ રૂપિયાનું નુકસાન છે. અહીં કોઈ જવાબ આપતું નથી, ખબર નથી આપણે ક્યાં જીવી રહ્યા છીએ.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 8 ફ્લાઇટ કેન્સલ રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર ચોટીલા પાસે આવેલા હીરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હાલ 12 ફ્લાઈટ ઉડાન ભરી રહી છે, પરંતુ ઈન્ડિગો એર લાઇન્સની છેલ્લા બે દિવસથી અનેક ફ્લાઈટ મોડી પડી રહી છે અથવા તો કેન્સલ થઈ છે. આજે પણ રાજકોટ એરપોર્ટથી ઉડાન ભરતી ઈન્ડિગોની આઠ ફ્લાઈટ રદ થઈ છે. હાલ એર ઇન્ડિયાની મુંબઈની 2 અને દિલ્હીની 1 ફ્લાઇટ ઉડાન ભરી રહી છે.
રાજકોટ એરપોર્ટ પરથી 8.05 વાગ્યાની દિલ્હીની ફ્લાઈટ કેન્સલ થઈ છે. આ ઉપરાંત 9.00 વાગ્યાની મુંબઈ, 12.05 વાગ્યાની ગોવા, 3.55 વાગ્યાની હૈદરાબાદ, 4.15 વાગ્યાની બેંગલુરુ, 4.55 વાગ્યાની મુંબઈ, 5.55 વાગ્યાની દિલ્હી, 7.55 વાગ્યાની મુંબઈની ફ્લાઈટ કેન્સલ થઈ છે. ઈન્ડિગોની મોટા ભાગની ફ્લાઈટ છેલ્લા બે દિવસથી કેન્સલ અથવા તો મોડી પડતાં મુસાફરો ભારે પરેશાન થઈ ગયા છે.
મુસાફરોને અગાઉથી જાણ કરાત તો એરપોર્ટ સુધીનો ધક્કો બચે! રાજકોટથી 36 કિલોમીટર દૂર આવેલા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જ્યારે મુસાફરો પહોંચે તો ખ્યાલ આવે છે કે આજે તો ફ્લાઈટ કેન્સલ છે, જેને કારણે તેમનો સમય, શક્તિ અને નાણાંનો વ્યય થાય છે, જોકે હવે મુસાફરોને થોડા સમય પહેલાં ફ્લાઇટ કેન્સલ થયાની એડવાન્સમાં જાણ કરવામાં આવતાં એરપોર્ટ સુધીનો ધક્કો તો બચે છે, પરંતુ મેડિકલ ઈમર્જન્સી સહિતના કેસમાં રાજકોટથી અન્ય રાજ્યમાં અથવા તો કનેક્ટિંગ ફ્લાઈટમાં વિદેશ જવા માગતા દર્દીઓ સહિતના મુસાફરોને ખૂબ જ મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ફ્લાઈટ કેન્સલ થતાં હવે રાજકોટથી દિલ્હી અને મુંબઈ જવા માટે મુસાફરો ટ્રેનનો સહારો લઈ રહ્યા છે
અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોનો હોબાળો અમદાવાદ એરપોર્ટ પર વહેલી સવારથી ભારે ભીડ જોવા મળી રહી છે. લોકોની ફ્લાઈટ ડીલે અથવા કેન્સલ થતા લોકો પણ પરેશાન થઈ રહ્યા છે. રોષે ભરાયેલા મુસાફરોએ ઇન્ડિગો ચોર હૈ અને ઇન્ડિગો મુર્દાબાદના નારા લગાવ્યા હતા. આજની ફ્લાઇટ હતી તેવા ઘણાં લોકોને આવતીકાલ માટે રિ-શિડ્યુલ કરીને ટિકિટ આપવામાં આવી રહી છે. કોઈ પોતાની મિટિંગ પોસ્ટપોન્ડ કરી રહ્યું છે, તો કોઈનું ઇન્ટરવ્યુ કેન્સલ થઈ રહ્યું છે. અહીં એવા પણ મુસાફર છે જે પોતાના લગ્નના રિસેપ્શનમાં પણ સમયસર પહોંચી શક્યાં નથી. હાલમાં એરપોર્ટ પર લગેજ લેવા માટે લોકોની ભીડ જોવા મળી રહી છે. અહીં ધર્ષણના દૃશ્યો પણ સામે આવ્યાં હતાં.
કેનેડામાં લગ્ન કરીને આવેલા કપલને 16 કલાક બસમાં ટ્રાવેલ કરવું પડશે કેનેડામાં લગ્ન કરીને આવેલા એક પંજાબી પરિવાર આજે અમદાવાદ એરપોર્ટ પર આવ્યો છે. અમદાવાદ એરપોર્ટ પરથી તેઓને પોતાના વતનમાં આવતીકાલે રિસેપ્શન રાખેલું હોવાથી તેઓએ ફ્લાઇટ બુક કરી હતી, પરંતુ ફ્લાઈટ ડિલે થતા તેઓ હવે બસનું અરેન્જમેન્ટ કરીને પોતાના વતનમાં જઈ રહ્યા છે. કંટાળેલા મુસાફરોએ જણાવ્યું હતું કે, ઓલરેડી અમે લગ્નમાં થાકીને આવ્યા હતા, હવે ફરીથી અમારે બસમાં ટ્રાવેલ કરીને 16 કલાકનું ટ્રાવેલ કરીને જવું પડશે. આવતીકાલે રિસેપ્શન છે, તો ઈન્ડિગો એરલાઇન આવું કેવી રીતે કરી શકે?
ઓલરેડી અમે લગ્નમાં થાકીને આવ્યા, હવે બસથી રિસેપ્શન સ્થળે પહોંચવું પડશેઃ સુરીન સુરીન નામના મુસાફરે જણાવ્યું કે, ફ્લાઇટમાં થઈ રહેલા વિલંબના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આવવાની અને પાછા જવાની બંને ફ્લાઇટ માટે એરલાઇન્સે સંપૂર્ણ રિઇમ્બર્સમેન્ટ અને ફુલ રિફંડ આપવું જોઈએ. મને અહીંના હવાઈ ભાડા વિશે કોઈ જાણકારી નથી. ફ્લાઇટ રદ કરવા પાછળનું ચોક્કસ કારણ મુસાફરોને જણાવવામાં આવતું નથી, આના કારણે સામાન્ય લોકોના આયોજનો ખોરવાઈ રહ્યા છે. વ્યક્તિગત રીતે મને ખૂબ જ તકલીફ પડી છે. જેમ કે, ફ્લાઇટ રદ થવાને કારણે બસની વ્યવસ્થા કરવી પડી છે. લગ્નના પ્લાન બગડી ગયા છે અને 16 કલાકની ડ્રાઇવ કરીને હવે સવારે રિસેપ્શન સ્થળે પહોંચવું પડશે. તેઓએ આ સમસ્યા પર તાત્કાલિક ધ્યાન આપીને ઉકેલ લાવવાની માગ પણ કરી હતી.
ઇન્ડિગો એરલાઇન્સ તરફથી કોઈ મદદ મળી નથીઃ પવનીત પવનીત નામના અન્ય મુસાફરે જણાવ્યું કે, ફ્લાઇટમાં થઈ રહેલા ડિલેના કારણે ખુબ મુશ્કેલી પડી રહી છે. સવારે 7 વાગ્યાથી એરપોર્ટ પર ફ્લાઈટની રાહ જોઈ રહ્યો છું. ગઈકાલે રાત્રે લગભગ 12:30 વાગ્યે હોટેલ પહોંચ્યા હતા અને આજે વહેલી સવારે 4 વાગ્યે જલ્દી એરપોર્ટ પહોંચવા માટે નીકળી ગયા હતા. મારૂં રિસેપ્શન હોવાથી, ફ્લાઇટ રદ થવાને કારણે મને મુશ્કેલી પડી છે. હવે મારી પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી, તેથી બસની વ્યવસ્થા શોધી રહ્યો છું.
