17 વર્ષ પછી બંધ થશે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા?:સતત રિપ્લેસ થતાં પાત્રો વચ્ચે પ્રોડ્યુસર અસિત મોદીએ જણાવી હકીકત, કહ્યું- ટીમ ખૂબ જ મહેનત કરી રહી છે
17 વર્ષ બાદ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બંધ થઈ જશે?
લગભગ બે દાયકા પહેલા એટલે કે 28 જુલાઈ 2008ના રોજ લોકોના જીવનમાં પ્રવેશ થયો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલનો. દિવંગત ગુજરાતી લેખક તારક મહેતાની કોલમ 'દુનિયાને ઊંધા ચશ્મા' પર આધારિત આ સિરિયલ ધીમે ધીમે લોકોના રોજિંદા જીવનનો ભાગ બની ગઈ. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં સિરિયલના મુખ્ય પાત્ર 'દયાભાભી' એટલે કે દિશા વાકાણીએ શો છોડી દીધો છે. ઉપરાંત 'તારક મહેતા', 'અંજલી મહેતા', 'રોશન સિંહ સોઢી', 'રોશન કૌર સોઢી', 'ટપુ', 'સોનુ', 'ગોલી', 'બાવરી' સહિતના પાત્રો રિપ્લેસ થઈ ગયા છે. કેટલાક નવા પાત્રોની એન્ટ્રી થઈ છે. 'ગડા પરિવાર'ની વાર્તા ધીમે ધીમે ઓછી થતી હોવાનું દર્શકો અનુભવી રહ્યા છે. પરિણામે ઘણા દર્શકો સિરિયલનો મૂળ સાર બદલાઈ ગયો હોવાનું અનુભવી રહ્યા છે.
શોના ભવિષ્ય અંગે પ્રોડ્યુસરનો ખુલાસો
હવે આ સિરિયલ કેટલી લાંબી ચાલશે, તેના વિશે અવારનવાર અટકળો થતી રહે છે. તેવામાં શોના પ્રોડ્યૂસર અસિત મોદીએ શોના ભવિષ્યને લઇને સ્પષ્ટતા કરી છે. તાજેતરમાં 'ઇન્ડિયન ટેલિવિઝન એકેડેમી'ની 25મી વર્ષગાંઠની ઉજવણી દરમિયાન અસિત મોદીએ જણાવ્યું કે, તેઓ શોને જેટલો લાંબો ચાલી શકે તેટલો ચલાવવાનો પ્રયાસ કરશે. તેમણે એમ પણ દાવો કર્યો કે, ભલે ટ્રેન્ડ્સ બદલાયા હોય, પરંતુ લોકોનો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' પ્રત્યેનો પ્રેમ અકબંધ છે.
અસિત મોદીએ કહ્યું,
આ શો હજુ પણ ચાલુ છે અને અમે જ્યાં સુધી કરી શકીશું, ત્યાં સુધી તે ચાલુ રાખીશું. હું જોઉં છું કે લોકોને તે હજુ પણ ગમે છે અને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' એવો એકમાત્ર શો છે, જે હાસ્ય અને આનંદ આપે છે. મને ખુશી છે કે લોકો તેને ખૂબ રસપૂર્વક જુએ છે. તે માત્ર એક શો નથી પણ એક બ્રાન્ડ છે, જેને દર્શકો તરફથી હજુ પણ અપાર પ્રેમ મળી રહ્યો છે. મેં તે ઘણી મહેનતથી બનાવ્યો છે અને મારી ટીમ પણ ખૂબ જ સખત મહેનત કરે છે.
4 મહિના પહેલા કરી 17 વર્ષની ઉજવણી
આ વર્ષે જુલાઈ મહિનામાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની ટીમે શોના 17 વર્ષની ઉજવણી કરી હતી. આ ઉજવણી દરમિયાન 'જેઠાલાલ' એટલે કે દિલીપ જોશી તેમની રીયલ લાઇફ 'દયા' એટલે કે પત્ની જયમાલા સાથે, મુનમુન દત્તા (બબીતા), કુશ શાહ (જૂનો ગોલી), મંદાર ચંદવાડકર (ભીડે), સોનાલિકા જોશી (માધવી), શ્યામ પાઠક (પોપટલાલ), બલવિંદર સિંહ (રોશનસિંહ સોઢી), અમિત ભટ્ટ (ચંપક ચાચા), શરદ (અબ્દુલ), દયા શંકર પાંડે (ચા.લુ. પાંડે) સહિતના સ્ટાર્સ ઉપસ્થિત રહ્યાં હતાં.
'દયાભાભી' વિના 8 વર્ષથી શો ચાલી રહ્યો છે
'દયાભાભી'નું પાત્ર ભજવનાર દિશા વાકાણીએ 2017 સુધી શોનો અભિન્ન અંગ રહી હતી. જોકે, બાદમાં તેણે મેટરનિટી લીવ લીધી હતી.ત્યારથી તે બીજી વખત પણ માતા બની ચૂકી છે, પરંતુ શોમાં પાછી ફરી નથી. આ અંગે શોના પ્રોડ્યુસર અસિત મોદીએ તાજેતરના એક ઈન્ટરવ્યૂમાં આ મુદ્દે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'હું ઈચ્છું છું કે દિશા શોમાં પરત ફરે, જોકે હવે એ થવું મુશ્કેલ છે. હું હજી પણ પ્રયાસ કરી રહ્યો છું, જોકે મને લાગે છે કે દિશા વાકાણી શોમાં પાછાં નહીં આવે. તેમને બે બાળકો છે.' અસિત મોદીએ એ પણ જણાવ્યું કે, દયાબેનના રોલ માટે ઓડિશન ચાલી રહ્યાં છે. જો કોઈ એક્ટ્રેસ ફાઈનલ થશે તો તેઓ તેને આવકારશે.
આ કલાકારો શો છોડી ચૂક્યા છે
'દયાભાભી' ઉપરાંત શોના અનેક મહત્વના પાત્રો ભજવતાં કલાકારો આ શોનો સાથ છોડી ચૂક્યા છે. જેમાં, શૈલેષ લોઢા (તારક મહેતા), નેહા મહેતા (અંજલી), ભવ્ય ગાંધી (પહેલો ટપુ), જીલ મહેતા (પહેલી સોનું), ગુરુચરણસિંહ (પહેલો સોઢી), જેનીફર મિસ્ત્રી બન્સીવાલ (મિસિસ સોઢી), નિધી ભાનુશાલી (બીજી સોનું), રાજ અનડકટ (બીજો ટપુ), મોનિકા ભદોરિયા (બાવરી)નો સમાવેશ થાય છે.
અસિત કુમાર મોદીએ TV અને OTTના સંબંધો પર વાત કરી
અસિત મોદીએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' વિશે સ્પષ્ટતા કર્યા બાદ ટીવી અને ઓટીટી વચ્ચેના સંબંધો પર પણ ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે, આ એવોર્ડ સમારોહ ભારતીય ટેલિવિઝન કલાકારો અને ટેકનિશિયનોની સખત મહેનતને માન્યતા આપવા માટે બનાવવામાં આવ્યો હતો. ભલે લોકો માનતા હોય કે દર્શકો ટીવીથી દૂર થઈ રહ્યા છે, પરંતુ ટીવી હજી પણ આખા પરિવારને એકસાથે લાવે છે અને ભારતીય ઘરોમાં તેનું સ્થાન હંમેશા રહેશે.
તેમણે કહ્યું,
ટેક્નોલોજી નોંધપાત્ર પરિવર્તન લાવે છે. લોકો કહે છે કે ટીવી ઓછું જોવાય છે, પણ હું માનું છું કે જો આપણે સારું કન્ટેન્ટ બતાવીશું, તો દર્શકો ચોક્કસ આવશે. ટીવી પરિવારને એકસાથે લાવવાનું કામ કરે છે. આખો પરિવાર સાથે બેસીને તેને જુએ છે. ટીવીનું સ્થાન હંમેશા રહેશે. આજે, દરેક પ્લેટફોર્મ સારું કન્ટેન્ટ ઓફર કરી રહ્યું છે. ભલે તે OTT હોય, TV હોય કે સોશિયલ મીડિયા હોય, એવું લાગે છે કે દર્શકો માટે ઓફરિંગ્સ (પસંદગી) નો મોટો સંગ્રહ છે. મનપસંદ શો એપ્સ પર પણ ઉપલબ્ધ છે. જો તમને તે ગમતા ન હોય, તો તમે ચેનલ અથવા એપ બદલી શકો છો.
