Loading...

ઇન્ડિગોની છઠ્ઠા દિવસે 26 ફ્લાઈટ કેન્સલ:અમદાવાદથી 18, રાજકોટથી 4, સુરતથી 3 અને વડોદરાથી 1 ફ્લાઈટ ઉડાન નહિ ભરે; રેલવે દ્વારા મુસાફરો માટે વિશેષ ટ્રેન

અમદાવાદ આવતી-જતી 44 ફ્લાઇટ કેન્સલ અમદાવાદ એરપોર્ટ પરથી મળતી માહિતી મુજબ, આજે 9 વાગ્યા સુધીમાં ઇન્ડિગોની 18 ફ્લાઇટ કેન્સલ થઈ છે. જેમાં નવ આવતી અને નવ જતી ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ એરપોર્ટની વેબસાઈટ પર આજની દિવસભરની કુલ 44 ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. જેમાં અમદાવાદથી ઉડાન ભરતી 23 અને આવતી 21 ફ્લાઈટનો સમાવેશ થાય છે.

 

રાજકોટથી ઉડાન ભરતી આઠમાંથી ચાર ફ્લાઈટ રદ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઈન્ડિગો એર લાઇન્સની આજની રાજકોટથી મુંબઈ, ગોવા, હૈદરાબાદ, બેંગ્લોરની ફ્લાઈટ રદ થતા મુસાફરોમાં ભારે રોષ છે. શુક્રવારે રાજકોટ એરપોર્ટ પરથી ઈન્ડિગોની તમામ 8 ફ્લાઈટ રદ થઈ હતી. શનિવારે 8માંથી એક ફ્લાઈટ રદ થઈ હતી. રવિવારે 9માંથી 5 ફ્લાઈટ કેન્સલ થઈ હતી તો આજે 8 ડિસેમ્બરના 8માંથી 4 ફ્લાઇટ રદ થતા મુસાફરોનો ગુસ્સો સાતમા આસમાને છે.

સ્ટાફની અછતના કારણે ફ્લાઈટ કેન્સલ ઈન્ડિગો એર લાઇન્સના સૂત્રોના જણાવ્યા અનુસાર, 8 ડિસેમ્બરની રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ગોવાની 12.05 વાગ્યાની અને રાજકોટથી દિલ્હીની 17.55ની ફ્લાઈટ આજે એકાએક રદ જાહેર થઈ છે. જ્યારે રાજકોટથી હૈદરાબાદની 15.55 વાગ્યાની તો મુંબઈની 16.55ની ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. ઓપરેશનલ રિઝનના કારણે મુશ્કેલી ઉભી થઈ છે, જેમાં પાયલોટની સીક લિવ અને સ્ટાફની અછત કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ઈન્ડિગોની અન્ય ચાર ફ્લાઈટ શરૂ આ સિવાય આજે 8 ડિસેમ્બરના ઈન્ડિગોની રાજકોટથી મુંબઈની 9 વાગ્યાની, રાજકોટથી બેંગ્લોરની 16.15 વાગ્યાની, અને મુંબઈની 19.55 વાગ્યાની ફ્લાઈટ ઉડાન ભરશે. એર ઇન્ડિયાની સવારની 8.35 વાગ્યાની મુંબઈ, 18.05 વાગ્યાની મુંબઈ અને 20.08 વાગ્યાની દિલ્હીની ફ્લાઈટ ઉડાન ભરી રહી છે.

સુરતમાં 3 ફ્લાઈટ કેન્સલ, 5 દિવસ બાદ હૈદરાબાદ-દિલ્હીની ફ્લાઇટ લેન્ડિંગ આજની સુરતથી ઉપડતી કોલકાતાની, સુરતથી હૈદરાબાદ અને સુરતથી દિલ્હીની ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. જ્યારે આજે સવારથી ઇન્ડિગોની ફ્લાઈટ સુરત એરપોર્ટ ખાતે આવવાની શરૂ થઈ છે. પાંચ દિવસ બાદ સવારથી હૈદરાબાદ અને દિલ્હીથી ફ્લાઇટનું સુરત એરપોર્ટ ખાતે લેન્ડિંગ થયું છે.

અમદાવાદ એરપોર્ટ પર ટ્રેનનાં બુકિંગ માટે કાઉન્ટર શરૂ કરાયું પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના PRO અજય સોલંકીએ જણાવ્યું હતું કે, હમણાં યાત્રીઓની ફ્લાઇટ મિસ થઈ રહી છે અથવા તો કેન્સલ થઈ રહી છે તે માટે હેલ્પડેસ્ક શરૂ કરાયું છે. સાથે અહીં IRCTCનું કાઉન્ટર પણ ખોલી દીધું છે, જેથી મુસાફરો વેસ્ટર્ન રેલવેની સ્પેશિયલ ટ્રેનનું બુકિંગ કરી શકે. જો કોઈની ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ હોય અને તેને દિલ્હી કે મુંબઈ જવું હોય તો ઑન ધ સ્પોટ IRCTCના કાઉન્ટર પરથી પોતાની ટિકિટ બુક કરી શકે છે. ટિકિટ બુક કરીને સ્ટેશન જઈને પોતાની ટ્રેન લઈ શકે છે, એટલે કે સાબરમતી કે અમદાવાદ જઈને.

Image Gallery